top
આફત સમયે 12 મિનિટમાં તૈયાર થઈ જશે 'મિની ઈમરજન્સી હોસ્પિટલ':300 ઈજાગ્રસ્તોને એકસાથે સારવાર, વિધાનસભામાં BHISHM Cube-R300નું નિદર્શન
કુદરતી આપત્તિ, મોટા અકસ્માત, યુદ્ધ જેવી કટોકટીની સ્થિતિ કે કોઈપણ સ્થળે મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત થાય ત્યારે ઘટનાસ્થળે જ તાત્કાલિક સારવાર મળી રહે તે માટે ભારત સરકારના રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સેક્રેટરીએટ (NSCS)ના માર્ગદર્શન હેઠળ વિકસાવવામાં આવેલી અત્યાધુનિક પોર્ટેબલ મોબાઈલ ઈમરજન્સી હોસ્પિટલ ‘BHISHM Cube-R300’BHISHM Cube (Bharat Health Initiative for Sahyog, Hita, and Maitri)નું ગુજરાત વિધાનસભા ખાતે વિશિષ્ટ નિદર્શન યોજાયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નિદર્શનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા સહિત મંત્રીમંડળના સભ્યો અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ BHISHM Cube-R300 અંગેની શોર્ટ ફિલ્મ પણ નિહાળી હતી. માત્ર 12 મિનિટથી ઓછા સમયમાં હોસ્પિટલ તૈયાર આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ BHISHM Cube-R300ની વિશેષતાઓ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ એક એવી પોર્ટેબલ મોબાઈલ ઈમરજન્સી હોસ્પિટલ છે, જેને અત્યંત જટિલ અથવા આપાતકાલીન પરિસ્થિતિમાં થોડી જ મિનિટોમાં તૈનાત કરી શકાય છે. સમગ્ર સિસ્ટમને માત્ર 12 મિનિટથી ઓછા સમયમાં સ્થાપિત કરી શકાય છે. હોસ્પિટલ તૈયાર થયા બાદ એકસાથે આશરે 300 જેટલા ઈજાગ્રસ્તોને ઈમરજન્સી સારવાર આપવાની ક્ષમતા ધરાવે છે. 72 મિની ક્યુબમાં પેક થાય છે આખી હોસ્પિટલ BHISHM Cube-R300ની સૌથી મોટી વિશેષતા તેની મોડ્યુલર રચના છે. સમગ્ર હોસ્પિટલને 72 મોડ્યુલર મિની-ક્યુબ્સમાં પેક કરવામાં આવે છે. દરેક ક્યુબનું વજન 20 કિલોથી પણ ઓછું હોવાથી તેને સરળતાથી એક સ્થળેથી બીજા સ્થળે લઈ જઈ શકાય છે. જરૂરિયાત મુજબ આ ક્યુબ્સને ઘટનાસ્થળે લઈ જઈને ઝડપથી હોસ્પિટલના સ્વરૂપમાં ગોઠવી શકાય છે. ટ્રોમા સારવારથી લઈને તાત્કાલિક સર્જરી સુધીની સુવિધા આ મોબાઈલ હોસ્પિટલમાં માત્ર પ્રાથમિક સારવાર જ નહીં, પરંતુ ગંભીર ઈજાઓ માટેની તાત્કાલિક સારવારની વ્યવસ્થા પણ છે. ઘટનાસ્થળે જ ટ્રોમા સારવાર, તાત્કાલિક શસ્ત્રક્રિયા, રોગ નિદાન અને અન્ય જીવનરક્ષક તબીબી સેવાઓ ઉપલબ્ધ કરાવી શકાય છે. મોટા અકસ્માત કે આપત્તિ દરમિયાન દર્દીઓને દૂરની હોસ્પિટલ સુધી પહોંચાડવામાં સમય લાગે તેવા સંજોગોમાં આ સિસ્ટમ ખૂબ ઉપયોગી બની શકે છે. વેન્ટિલેટર, મિની લેબ સહિત 400 જેટલી મેડિકલ સામગ્રી BHISHM Cube-R300 આશરે 400 જેટલી તબીબી સામગ્રી અને સાધનોથી સજ્જ છે. તેમાં વેન્ટિલેટર, મલ્ટી-પેરામીટર મોનિટર, મિની-લેબ, સર્જિકલ સાધનો સહિતની મહત્વપૂર્ણ તબીબી સુવિધાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઘટનાસ્થળે જ ગંભીર ઈજાગ્રસ્ત દર્દીઓ માટે ‘ડેમેજ કંટ્રોલ સર્જરી’ કરી શકાય તે માટેનું સ્ટેશન પણ તેમાં ઉપલબ્ધ છે. પોતાની વીજળી અને ઓક્સિજનની વ્યવસ્થા, એટલે આત્મનિર્ભર હોસ્પિટલ આ સિસ્ટમને આપત્તિના સ્થળે કાર્યરત કરવા માટે બહારની સુવિધાઓ પર સંપૂર્ણપણે આધાર રાખવો પડતો નથી. BHISHM Cube-R300માં સ્વયં વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા તેમજ ઓક્સિજન પુરવઠાની વ્યવસ્થા છે. આ કારણે વીજળી, ઓક્સિજન કે અન્ય માળખાકીય સુવિધાઓ ખોરવાઈ ગઈ હોય તેવી આપત્તિની સ્થિતિમાં પણ મોબાઈલ હોસ્પિટલને કાર્યરત કરી શકાય છે. જમીન, હવાઈ અને દરિયાઈ માર્ગે લઈ જઈ શકાશે BHISHM Cube-R300ને વિવિધ માધ્યમો દ્વારા ઝડપથી ઘટનાસ્થળે પહોંચાડી શકાય છે. તેને જમીન, હવાઈ અને દરિયાઈ માર્ગે પરિવહન કરવાની ક્ષમતા છે. એટલું જ નહીં, અત્યંત દુર્ગમ વિસ્તારોમાં જરૂરિયાત ઊભી થાય તો આ સિસ્ટમને એરડ્રોપ પણ કરી શકાય છે. જેના કારણે ભૂકંપ, પૂર, વાવાઝોડા કે અન્ય આપત્તિથી સંપર્ક અને પરિવહન વ્યવસ્થા ખોરવાઈ ગઈ હોય તેવા વિસ્તારોમાં પણ ઈમરજન્સી મેડિકલ સપોર્ટ પહોંચાડવો શક્ય બને છે. બે દિવસીય પ્રદર્શનનો હેતુ શું? આરોગ્ય મંત્રી પાનશેરીયાએ જણાવ્યું હતું કે 9 અને 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા આ બે દિવસીય પ્રદર્શનનો મુખ્ય હેતુ નાગરિકોને કટોકટી અને કુદરતી આપત્તિના સમયમાં ઉપલબ્ધ થઈ શકતી આધુનિક આરોગ્ય સેવાઓથી પરિચિત કરાવવાનો છે. આ દરમિયાન ઈમરજન્સી હેલ્થકેર, ટેલિમેડિસિન, ડિજિટલ હેલ્થ ટેક્નોલોજી, અત્યાધુનિક લોજિસ્ટિક્સ અને સ્થિતિસ્થાપક આરોગ્ય માળખા અંગે પણ માહિતી આપવામાં આવી રહી છે. યુક્રેન સહિત અનેક દેશોમાં મોકલાઈ ચૂકી છે BHISHM Cube ભારત સરકાર દ્વારા માનવતાવાદી સંકટ અને કુદરતી આપત્તિના સમયે મદદરૂપ થવા માટે BHISHM Cubeને યુક્રેન, માલદીવ્સ, જમૈકા, વેનેઝુએલા અને શ્રીલંકા જેવા દેશોમાં મોકલવામાં આવ્યા છે. એટલે કે આ ટેક્નોલોજીનો ઉપયોગ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આપત્તિ અને કટોકટીની પરિસ્થિતિમાં તબીબી સહાય માટે કરવામાં આવ્યો છે. ગુજરાત માટે કેમ મહત્વની? ગુજરાતનો વિશાળ દરિયાકાંઠો, મોટા ઔદ્યોગિક વિસ્તારો તેમજ વાવાઝોડા, પૂર અને ભૂકંપ જેવી કુદરતી આપત્તિઓની સંવેદનશીલતાને જોતા આવી પોર્ટેબલ હોસ્પિટલ રાજ્ય માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. આપત્તિ સમયે સ્થાનિક હોસ્પિટલનું માળખું નુકસાન પામે અથવા દર્દીઓની સંખ્યા અચાનક વધી જાય ત્યારે BHISHM Cube-R300ને ઝડપથી તૈનાત કરીને ઘટનાસ્થળની નજીક જ સારવારની સુવિધા ઊભી કરી શકાય છે. આરોગ્ય મંત્રીના જણાવ્યા મુજબ, ગુજરાતમાં BHISHM Cubeની તૈનાતીથી રાજ્યની આપત્તિ સામે લડવાની અને કટોકટીના સમયે તાત્કાલિક આરોગ્ય સેવા પૂરી પાડવાની ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે. અધિકારીઓ અને વિદ્યાર્થીઓ પણ નિદર્શન જોવા પહોંચ્યા આ કાર્યક્રમમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ટોપનો, આરોગ્ય કમિશનર (શહેરી) ડૉ. સંધ્યા ભુલ્લર, આરોગ્ય કમિશનર (ગ્રામ્ય) ડૉ. રતનકંવર ગઢવી ચારણ સહિત આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (GSDMA), સ્ટેટ ડિઝાસ્ટર રીલીફ ફોર્સ (SDRF)ના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
Read full article on Divya Bhaskar