top
ડબલ આવાસ લેનાર સામેથી આવ્યા:રાજકોટ મનપાની બે સ્કીમમાં એકસાથે આવાસ લાગ્યા હોવાનો બચાવ કર્યો, 11 આસામીને ડબલ આવાસ મુદ્દે મેયર અને આવાસનાં ચેરમેને આપ્યા તપાસના આદેશ
રાજકોટ મનપામાં 11 વ્યક્તિઓને બબ્બે આવાસ ફાળવાયાનો મામલો ગરમાયો છે. આ મુદ્દે ડબલ આવાસ મેળવનાર લાભાર્થી વિનોદભાઈ પરસોત્તમભાઈ જોટંગીયાએ પોતે સામેથી આવીને બચાવ કરતાં જણાવ્યું હતું કે, તેમણે વર્ષ 2021માં મનપાની બે અલગ-અલગ યોજનાઓમાં વેટિંગમાં ફોર્મ ભર્યા હતા. બેમાંથી એક પણમાં મકાન મળશે નહીં તેવી ધારણા હતી, પરંતુ નસીબજોગે બંને જગ્યાએ (લાઇટ હાઉસ અને સીતાજી ટાઉનશીપ) એકસાથે આવાસ મંજૂર થઈ ગયા હતા. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2021માં બે આવાસ મળ્યા હતા. જોકે આ બાબત ગેરકાયદે હોવાની જાણ થતાં જ હાલ તેઓ વધારાનું એક આવાસ મનપાને પરત કરવા આવ્યા છે. મનપા તેમના દ્વારા જમા કરાવાયેલી રકમ પરત આપે તેવી માંગ પણ તેમનાં દ્વારા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કુલ 11 વ્યક્તિઓને 22 આવાસ ફાળવાયાનું બહાર આવતાં મેયર ડો. નેહલ શુક્લ અને આવાસ વિભાગના ચેરમેન દિલીપભાઈ લુણાગરિયાએ તપાસનાં આદેશો આપ્યા છે. તેમજ આ બાબતે જે કોઈ જવાબદાર હોય તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. રાજકોટના પ્રણામી ચોક UPHCને 93.35% સ્કોર સાથે મળ્યું રાષ્ટ્રીય NQAS પ્રમાણપત્ર રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત વોર્ડ નંબર 16 સ્થિત પ્રણામી ચોક શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (UPHC)ને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ અને સ્વચ્છતા માટે ભારત સરકાર દ્વારા 93.35%ના સ્કોર સાથે રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા નીમાયેલી નિરીક્ષક ટીમ દ્વારા 15 અને 16 માર્ચ દરમિયાન આરોગ્ય કેન્દ્રના 12 વિભાગોનું કડક મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન માતૃત્વ અને બાળ આરોગ્ય સેવાઓ, ચેપી તથા બિનચેપી રોગોનું નિદાન, ઈમરજન્સી સારવાર, શાળા આરોગ્ય તપાસ, દવાઓનો જથ્થો, ચેપ નિયંત્રણ વ્યવસ્થા અને સ્ટાફની કાર્યક્ષમતાની ઝીણવટભરી ચકાસણી કરાઈ હતી. આરોગ્ય અધિકારીઓના માર્ગદર્શન હેઠળ મેડિકલ ઓફિસર ડો. માધુરી ભટ્ટ અને સમગ્ર પેરામેડિકલ ટીમની સતત મહેનતના પરિણામે આ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને શ્રેષ્ઠ દર્દીકેન્દ્રી આરોગ્ય સેવાઓ આપવાના પ્રયાસો નિરંતર ચાલુ છે. રાજકોટ-સિકંદરાબાદ એક્સપ્રેસ ટ્રેનમાં કાયમી ધોરણે એક વધારાનો થર્ડ એસી કોચ ઉમેરાયો રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોની સુવિધા અને માંગને ધ્યાનમાં રાખીને રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી રાજકોટ-સિકંદરાબાદ એક્સપ્રેસ અને સિકંદરાબાદ-રાજકોટ એક્સપ્રેસ ટ્રેનમાં કાયમી ધોરણે 1 વધારાનો થર્ડ એસી કોચ જોડવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ટ્રેન નંબર 22717 રાજકોટ-સિકંદરાબાદ એક્સપ્રેસ અને ટ્રેન નંબર 22718 સિકંદરાબાદ-રાજકોટ એક્સપ્રેસમાં ફેરફાર તાત્કાલિક અસરથી લાગુ કરી દેવામાં આવ્યો છે. આ નવા કોચ ઉમેરાવાથી હવે ટ્રેનમાં કોચની કુલ સંખ્યા વધીને 20 LHB કોચની થઈ ગઈ છે. જેમાં હવે 2 સેકન્ડ એસી, 6 થર્ડ એસી, 6 સ્લીપર, 4 જનરલ કોચ, 1 લગેજ વેન અને 1 જનરેટર વેનનો સમાવેશ થાય છે. વધારાના થર્ડ એસી કોચના કારણે સિકંદરાબાદ રૂટ પર મુસાફરી કરતા લોકોને વધુ કન્ફર્મ સીટો મળી રહેશે અને તેમની મુસાફરી વધુ આરામદાયક બનશે.
Read full article on Divya Bhaskar