crime
પોલીસથી બચવા ડ્રગ્સ માફિયાઓએ મહિલાને કેરિયર બનાવી:સુરતમાં 10.5 કિલોથી વધુના ગાંજા સાથે ઓડિશાની યુવતીને દબોચી, ₹5.31 લાખનો મુદ્દામાલ જપ્ત
સુરતમાં માદક પદાર્થોની હેરાફેરી માટે ડ્રગ્સ માફિયાઓએ પોલીસથી બચવા અને કોઈના ધ્યાને ન ચઢાય તે માટે મહિલાઓનો ઢાલ તરીકે ઉપયોગ કરવાનો નવો કીમિયો અપનાવ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સામાન્ય રીતે જાહેર સ્થળો કે વાહન ચેકિંગ દરમિયાન મહિલાઓ પર પોલીસ કે સુરક્ષા એજન્સીઓ ઓછી શંકા કરતી હોય છે, જે બાબતનો ગેરફાયદો ઉઠાવીને ગાંજાની હેરાફેરી માટે એક યુવતીને કેરિયર તરીકે સુરત મોકલવામાં આવી હતી. જોકે, પોલીસની સતર્કતાને કારણે તસ્કરોનો આ પ્લાન નિષ્ફળ સાબિત થયો છે. રાંદેર વિસ્તારમાંથી શંકાસ્પદ યુવતીની અટકાયત મળતી વિગતો અનુસાર, સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા બેજનવાલા કોમ્પ્લેક્સ પાછળ, કૃષ્ણકુંજ કોમ્પ્લેક્સ નજીક જાહેર રોડ પરથી એક શંકાસ્પદ યુવતીની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે તેની સઘન પૂછપરછ અને તપાસ હાથ ધરતાં તે ઓડિશાના ગંજમ જિલ્લાની રહેવાસી 20 વર્ષીય મામલી શંકર બિસોઇ હોવાનું બહાર આવ્યું હતું. યુવતી પાસેથી લીલાશ પડતો ભુખરો વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો. 10 કિલો 158 ગ્રામ ગાંજો જપ્ત પોલીસે તપાસ દરમિયાન યુવતી પાસેથી 10 કિલો 158 ગ્રામ ગાંજો જપ્ત કર્યો હતો, જેની બજાર કિંમત આશરે રૂ. 5,25,900 થાય છે. આ ઉપરાંત તેની પાસેથી એક મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા મળી કુલ રૂ. 5,31,350નો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો છે. ઓડિશાના મુખ્ય સૂત્રધાર ધુબા સ્વાઇને યુવતીને કરિયર બનાવી પોલીસની પ્રાથમિક કાર્યવાહીમાં એ સ્પષ્ટ થયું છે કે પોલીસ ચેકિંગમાં પકડાઈ ન જવાય તે હેતુથી ઓડિશાના મુખ્ય સૂત્રધાર ધુબાભાઇ સ્વાઇન દ્વારા આ યુવતીનો કેરિયર તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. હાલ પોલીસે આ મામલે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી મહિલા આરોપીની ધરપકડ કરી છે અને તેને સુરતમાં આ જથ્થો કોને આપવા માટે મોકલવામાં આવી હતી તે અંગે વધુ કાયદેસરની તપાસ તેજ કરી છે.
Read full article on Divya Bhaskar