top
રાજકોટમાં સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ:સાયન્સ ઇન સંસ્કૃત અને પ્રાચીન ગ્રંથો આધારિત 10 આકર્ષક ટેબ્લો, વૈદિક મંત્રોચ્ચાર તેમજ સાંસ્કૃતિક કૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા
ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ અને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની પ્રેરણાથી તેમજ રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ હતી. આ યાત્રાનો પ્રારંભ રૈયા રોડ સ્થિત ન્યુ એરા સ્કૂલથી થયો હતો. જે રૈયા રોડ અને રેસકોર્સથી જિલ્લા પંચાયત ચોક સુધી પહોંચી હતી. સંસ્કૃત ભાષાના સમૃદ્ધ વારસા અને ગૌરવને ઉજાગર કરતા યુગ અનેક ભાષા એક, સાયન્સ ઇન સંસ્કૃત, સંસ્કૃત એવમ વિજ્ઞાન, પ્રાચીન સંસ્કૃત ગ્રંથો સહિતના વિષયોને આવરી લેતા 10 નયનરમ્ય ટેબ્લો યાત્રાનું આકર્ષણ બન્યા હતા. સમગ્ર રૂટ પર વિદ્યાર્થીઓ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર, સંસ્કૃત ગીતો, સુભાષિતો અને સંસ્કૃત ગરબાની મનોહર પ્રસ્તુતિ કરવામાં આવી હતી. સંસ્કૃત સુક્તિઓ અને પ્રેરણાદાયી સંદેશાઓ ધરાવતા બેનર્સ સાથે યાત્રા સંસ્કૃતમય બની હતી.કાર્યક્રમમાં ઋષિકુમારો દ્વારા યજુર્વેદના મંત્રોનું ગાન કરવામાં આવ્યું હતું. શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. ન્યુ એરા સ્કૂલ ખાતે સંસ્કૃત વસ્તુ પ્રદર્શિની અને ગ્રંથ પ્રદર્શિની જિલ્લા કલેક્ટર ડૉ.ઓમ પ્રકાશ સહિતના ઉપસ્થિત મહેમાનોએ નિહાળી હતી. રાજકોટના વોર્ડ નંબર 1માં અરિહંતનગર પાસે ગંદકી અને મચ્છરોનાં ત્રાસથી સ્થાનિકો પરેશાન રાજકોટ શહેરના વોર્ડ નંબર 1માં જામનગર રોડ પર નવી કોર્ટ પાછળ આવેલા અરિહંતનગર વિસ્તાર તેમજ એફસીઆઈ ગોડાઉનની બાજુના રસ્તા પર પડી રહેલી પડતર જમીનમાં ભારે ગંદકી અને દૂષિત પાણીના ભરાવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. હાલમાં શહેરમાં ડેંગ્યુ અને મેલેરિયા જેવા તાવના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે મચ્છરોના ઉદગમ સ્થાન બનેલા આ વિસ્તારમાં લોકોનું રહેવું અત્યંત મુશ્કેલ બની ગયું છે. સ્થાનિક રહીશો દ્વારા તંત્ર સમક્ષ અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ મનપા દ્વારા આ ગંભીર સમસ્યા તરફ પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી. મહાનગરપાલિકા દ્વારા અન્ય વિસ્તારોમાં દવાનો છંટકાવ કરવા માટે ડ્રોનની મદદ લેવામાં આવી રહી છે, ત્યારે આ વિસ્તારમાં પણ ડ્રોન મારફતે જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે તેવી સ્થાનિકોની ઉગ્ર માંગ ઉઠી છે. જો સમયસર કામગીરી કરવામાં નહીં આવે તો રહીશોના આરોગ્ય સામે મોટું જોખમ ઊભું થાય તેવી દહેશત પણ વ્યક્ત કરવામાં આવી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલના નવા સુપ્રિટેન્ડેન્ટ ડો.કમલ ડોડીયા એક્શન મોડમાં, કેમ્પસમાં રાઉન્ડ લઇ જરૂરી સૂચનાઓ આપી રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ ડો.કમલ ડોડીયાએ આજે સવારથી જ હોસ્પિટલમાં નિરીક્ષણ રાઉન્ડ યોજ્યો હતો. તેમણે ઇમરજન્સી વિભાગ, કેમ્પસમાં ચાલતા અન્નક્ષેત્ર તેમજ પાર્કિંગ વ્યવસ્થાની સ્થળ મુલાકાત લઇ સમીક્ષા કરી હતી. નિરીક્ષણ દરમિયાન તેમણે કેમ્પસમાં આવેલી ખાલી અને પેક જગ્યાઓ ખુલ્લી કરીને પાર્કિંગની નવી વ્યવસ્થા ઊભી કરવા માટે સંબંધિતોને સૂચના આપી હતી. આ ઉપરાંત ઇમરજન્સી વિભાગની કામગીરી વધુ સુચારુ બનાવવા માટે કેવા સુધારા-વધારા કરી શકાય તે અંગે પણ વિચારણા કરવામાં આવી હતી. આવનારા દિવસોમાં વિવિધ વિભાગોના વડાઓ સાથે ખાસ બેઠકનું આયોજન કરવામાં આવશે, જેમાં જે-તે વિભાગની વર્તમાન સ્થિતિ અને જરૂરી તબીબી સાધનો અંગે વિગતવાર ચર્ચા થશે. દર્દીઓને શ્રેષ્ઠ અને ઝડપી સારવારની સાથે તમામ પાયાની સુવિધાઓ સરળતાથી મળે તે પોતાનો મુખ્ય ધ્યેય હોવાનું ડો.કમલ ડોડીયાએ જણાવ્યું હતું. રાજકોટ જિલ્લા પંચાયતમાં પ્રમોશન અને ઉચ્ચતર પગાર ધોરણ મુદ્દે આરોગ્ય કર્મચારી બહેનોની રજૂઆત રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ સંજય પીપળીયા, ડી.ડી.ઓ. અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને માતૃ અને બાળ કલ્યાણ પરિચારિકા મંડળ દ્વારા મહત્વની રજૂઆત કરવામાં આવી છે. 01 અને 03 જાન્યુઆરી 2024ના રોજ FHSના પ્રમોશન માટે નોટિસ બહાર પડાઈ હતી. આ સિવાય 2010માં ભરતી થયેલી FHW બહેનોની 6 મહિનાની તાલીમ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં અનેક બહેનોને પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ કે પ્રમોશનનો લાભ મળ્યો નથી. આ બાબતે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. FHSની કુલ 67 જગ્યાઓમાંથી 15 જગ્યાઓ રદ જેવી સ્થિતિમાં મુકાઈ છે અને હાલ માત્ર 10 જગ્યાઓ જ ભરેલી છે. જસદણ, વિંછીયા અને ગોંડલ જેવા તાલુકાઓમાં આખી કામગીરી ચાર્જ પર ચાલી રહી છે. આથી મંડળના પ્રમુખ મિનાક્ષીબેન પંડ્યા, મહામંત્રી ભારતીબેન ગોલાણી અને મુખ્ય કન્વીનર કિરણબેન ઓઝા સહિતના હોદ્દેદારોએ આ પ્રશ્નો ઉકેલી ન્યાય આપવા માંગ કરી છે.
Read full article on Divya Bhaskar