top
વલસાડમાં ફાર્મસી કોલેજનું કનુ દેસાઈએ લોકાર્પણ કર્યું:કેમ્પસની જૂની યાદો વાગોળતાં ભાવુક થયા; કિશન દેસાઈના પરિવારે કોલેજ માટે સહયોગ આપ્યો
વલસાડમાં રાજ્યના નાણાં અને શહેરી વિકાસ મંત્રી કનુ દેસાઈએ શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી રેખાબેન કિશન દેસાઈ કોલેજ ઓફ ફાર્મસીનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે તેઓ પોતાના વિદ્યાર્થીકાળની યાદો વાગોળતાં ભાવુક થયા હતા. કોલેજ દાતા કિશન દેસાઈના પરિવારના સહયોગથી શરૂ થઈ છે. તેમાં આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. કનુ દેસાઈએ કહ્યું કે તેમણે પણ આ જ કેમ્પસમાં અભ્યાસ કર્યો છે અને સંસ્થા સાથે તેમની જૂની યાદો જોડાયેલી છે. તેમણે કહ્યું, “હું પણ આ જ કેમ્પસમાં ભણ્યો છું. મંડળ માટે મદદરૂપ થવું મારી ફરજ છે. મારો આભાર માનવાનો ન હોય.” કોલેજની મંજૂરી, બાંધકામ અને વહીવટી પ્રક્રિયા ટૂંકા સમયમાં પૂરી કરવા બદલ તેમણે મંડળની કામગીરીની પ્રશંસા કરી. તેમણે પોતાના પરમ મિત્ર કિશન દેસાઈ અને તેમના પરિવારના યોગદાનને સમગ્ર જિલ્લા માટે ગૌરવરૂપ ગણાવ્યું. ગુજરાત સરકાર વતી દાતા પરિવારને અભિનંદન પણ પાઠવ્યા. સાંસદ ધવલ પટેલે કહ્યું કે શિક્ષણનું જીવનમાં સર્વોચ્ચ સ્થાન છે. પિતાના પ્રોત્સાહનને કારણે તેઓ આ મુકામે પહોંચ્યા હોવાનું તેમણે જણાવ્યું. તેમણે વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવા પ્રેરિત કર્યા. વલસાડમાં ફાર્મસીના અભ્યાસ માટે આધુનિક સુવિધા ઊભી કરવા બદલ મંડળ અને દાતા પરિવારનો આભાર માન્યો. કોલેજના ડાયરેક્ટર ડો. દીપેશ શાહે જણાવ્યું કે 5 સપ્ટેમ્બર, 2025ના રોજ કોલેજ શરૂ કરવાનો વિચાર થયો હતો. મંડળ, દાતાઓ અને સમગ્ર ટીમના પ્રયાસોથી 6 સપ્ટેમ્બર, 2026થી વિદ્યાર્થીઓએ અભ્યાસ શરૂ કર્યો. ટૂંકા સમયમાં કોલેજનું બાંધકામ પૂરું કરીને શૈક્ષણિક કાર્ય શરૂ કરવું ટીમની એકજૂથ મહેનતનું પરિણામ હોવાનું તેમણે કહ્યું.
Read full article on Divya Bhaskar