crime
વડોદરાની કંપની સાથે 37.16 લાખની છેતરપિંડી:કર્મચારીએ લોન પેટે 12.78 લાખ લીધા, વાલ્વના વેપારના નામે રૂપિયા લઈને 24.38 લાખનો માલ કે રૂપિયા પાછા ન આપ્યા, મુંબઈના બે શખ્સ સામે ફરિયાદ
વડોદરામાં વેપાર કરતી કંપની સાથે નફો કરાવવાની લાલચ આપી 37.16 લાખ રૂપિયાની છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાઈ છે. એક આરોપીએ કંપનીના ડાયરેક્ટરનો નોકરીના બહાને વિશ્વાસ કેળવી લોન પેટે 12.78 લાખ રૂપિયા લીધા હતા, જ્યારે તેના કહેવાથી બીજા આરોપીની વાલ્વ બનાવતી કંપનીમાં 35.80 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાયા હતા. ડાયરેક્ટરની ફરિયાદના આધારે પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. વડોદરાના વાસણા રોડ વિસ્તારમાં રહેતા 30 વર્ષીય મનનભાઈ દાવડા સુકાન એન્જિનિયરિંગ પ્રા.લિ. કંપનીમાં ડાયરેક્ટર તરીકે વ્યવસાય કરે છે. કંપની વર્ષ 1988માં શરૂ કરવામાં આવી હતી અને હાલ તેઓ સહિત અન્ય ડાયરેક્ટરો કંપનીનું સંચાલન કરે છે. તા.24 નવેમ્બર 2025ના રોજ મુંબઈના પ્રશાંત જનાદેન જામનીએ મનનભાઈનો સંપર્ક કરી પોતાની ‘એપકો’ કંપની ફડચામાં ગઈ હોવાનું જણાવ્યું હતું. તેણે કંપનીમાં નોકરી આપવા અથવા તેની કંપની ખરીદવાની ઓફર કરી હતી. બાદમાં પ્રશાંતને કંપનીમાં કર્મચારી તરીકે જોડવામાં આવ્યો હતો અને તેને માસિક રૂ.50 હજાર પગાર આપવાનું નક્કી થયું હતું. પ્રશાંતે શરૂઆતમાં કંપનીને સારા ઓર્ડર અપાવી નફો કરાવ્યો હોવાથી તેના પર વિશ્વાસ વધ્યો હતો. ત્યારબાદ તેણે અંગત લોનના નામે નાણાંની માંગણી શરૂ કરી હતી. તેના કહેવા મુજબ સુકાન એન્જિનિયરિંગના HDFC બેંક ખાતા તથા ફરિયાદીના ICICI બેંક ખાતામાંથી પ્રશાંતના બેંક ઓફ બરોડાના ખાતામાં ટુકડે-ટુકડે રૂ.12,78,115 ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પ્રશાંતે મુંબઈની ‘રોટોર્ક વાલ્વ ઓટોમેશન’ કંપનીના માલિક પ્રવિણકુમાર સાથે ઓળખાણ કરાવી હતી. વાલ્વની ખરીદીમાં સારો નફો મળશે તેમ કહી તેની કંપની પાસેથી વાલ્વ ખરીદવાની સલાહ આપી હતી. ઓર્ડરની 50 ટકા રકમ એડવાન્સ અને બાકીની રકમ માલ મળ્યા બાદ ચૂકવવાની શરતે વ્યવહાર શરૂ થયો હતો. અલગ-અલગ ઓર્ડર પેટે રોટોર્ક કંપનીના બેંક ઓફ બરોડા અને યશ બેંકના ખાતામાં કુલ રૂ.35,80,921 ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જોકે તેની સામે માત્ર રૂ.11,42,545નો માલ મોકલવામાં આવ્યો હતો. જ્યારે બાકી રૂ.24,38,376નો માલ આજદિન સુધી મોકલાયો નથી કે રકમ પરત કરવામાં આવી નથી. પ્રશાંત કોઈ જાણ કર્યા વગર કંપનીમાંથી જતો રહ્યો હતો. બંને આરોપીઓને વારંવાર ફોન કરવા છતાં ફોન ઉપાડતા ન હોવા તેમજ ઈ-મેઇલનો પણ જવાબ ન આપતા હોવાનું જણાવાયું છે. પ્રશાંતના કહેવાથી પ્રવિણકુમારને નાણાં ચૂકવ્યા હોવાનું જણાવી ફરિયાદીએ બંનેએ ભેગા મળી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ કર્યો છે. આ રીતે પ્રશાંત પાસેથી લોન પેટે રૂ.12,78,115 તથા વાલ્વના વ્યવહારમાં બાકી રૂ.24,38,376, એમ કુલ રૂ.37,16,491ની રકમ અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. પોલીસે સમગ્ર મામલે બેંક ટ્રાન્ઝેક્શન, કંપનીના વ્યવહારો અને આરોપીઓ સાથેના સંપર્ક સહિતના પુરાવાના આધારે તપાસ હાથ ધરવાની કાર્યવાહી શરૂ કરી છે.
Read full article on Divya Bhaskar