top
વાપી મનપા દ્વારા છીરીમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો:1227 અરજીઓનો નિકાલ કરાયો, નાણામંત્રી કનુ દેસાઈએ કાઉન્ટરોની મુલાકાત લીધી
વાપી મનપા દ્વારા છીરીમાં શુક્રવારે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. રાજ્ય સરકારના 'સરકાર તમારા દ્વારે' અભિગમ હેઠળ આ કાર્યક્રમ થયો હતો. કેબિનેટ મંત્રી કનુ દેસાઈ પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં વિવિધ સરકારી સેવાઓ માટે આવેલી 1227 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો. સેવાસેતુનો મુખ્ય હેતુ નાગરિકોને તેમના વિસ્તારમાં જ એક જ જગ્યાએથી સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ આપવાનો છે. જેથી તેમને સામાન્ય કામ માટે તાલુકા કે જિલ્લા કચેરીઓના ધક્કા ન ખાવા પડે. છીરીમાં થયેલા આ કાર્યક્રમમાં જુદા જુદા વિભાગોના કાઉન્ટર ઊભા કરીને અરજદારોને સ્થળ પર જ સેવાઓ અપાઈ હતી. મંત્રી કનુ દેસાઈએ સેવાસેતુ કાર્યક્રમની મુલાકાત લીધી હતી. તેમણે જુદા જુદા વિભાગોના કાઉન્ટરો પર જઈને અધિકારીઓ અને કર્મચારીઓ સાથે વાત કરી. કઈ કચેરી કઈ સેવા આપી રહી છે અને નાગરિકોને તેનો યોગ્ય લાભ મળે છે કે નહીં, તે જાણવા તેમણે અરજદારો સાથે પણ વાતચીત કરી હતી. આ કાર્યક્રમમાં નાગરિકોએ જન્મ-મરણના દાખલા, લગ્ન પ્રમાણપત્ર અને આધારકાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરવા જેવી સેવાઓનો લાભ લીધો. કાજલ વિનય ગુપ્તાએ જણાવ્યું કે, તેમના દીકરાનો જન્મનો દાખલો સેવાસેતુમાં માત્ર 10 મિનિટમાં મળી ગયો. મહમંદ અયુબ અંસારીનો મૂળ જન્મનો દાખલો ખોવાઈ ગયો હતો, તેમને ઝેરોક્સના આધારે નવો દાખલો મળ્યો. છીરીના કંચનનગરના સુમનબેનને તેમની દીકરીનું લગ્ન પ્રમાણપત્ર સ્થળ પર જ મળ્યું. આશિષભાઈએ જણાવ્યું કે, આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરાવવાનું કામ પણ સેવાસેતુમાં તરત જ થઈ ગયું. આ સિવાય, નાગરિકોએ 7/12 અને 8-અના ઉતારા, પ્રોપર્ટી ટેક્સ, ઉંમરનો દાખલો, જાતિ પ્રમાણપત્ર, નવા વીજ જોડાણ, વરિષ્ઠ નાગરિકતા પ્રમાણપત્ર અને PM સ્વનિધિ યોજના જેવી જુદી જુદી સેવાઓનો પણ લાભ લીધો. ઘરઆંગણે સરકારી સેવાઓ મળવાથી અરજદારોએ સરકારનો આભાર માન્યો.
Read full article on Divya Bhaskar