top
ઉધના-નવસારી માર્ગ પર વરસાદથી ડામર રોડ ધસ્યો:ગટરનું તૂટેલું ચેમ્બર અકસ્માતને નોતરી રહ્યું છે, તંત્રની નિષ્ક્રિયતા સામે લોકોમાં રોષ
સુરત મહાનગરપાલિકાના ઉધના ઝોન વિસ્તારમાં પ્રશાસનની ઘોર બેદરકારી ફરી એકવાર સપાટી પર આવી છે. રાત્રિ દરમિયાન પડેલા વરસાદને કારણે ઉધના ગામ મેન રોડ તેમજ ઉધના-નવસારી માર્ગ પર ડામરનો રોડ ધસી જતાં મોટો ખાડો પડી ગયો હતો. આ બનાવને પગલે ભરચક વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી અને વાહનચાલકો ભારે હાલાકીમાં મુકાયા હતા. તંત્ર દ્વારા સમારકામ શરૂ કરાયું રોડ ધસી પડવાની ઘટનાની જાણ થતાં જ પાલિકા તંત્ર સફાળું જાગ્યું હતું અને તાત્કાલિક ધોરણે ભૂવા અને રોડનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. જોકે, મુખ્ય માર્ગ પર પડેલા મોટા ખાડાના કારણે કલાકો સુધી વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો અને સ્થાનિકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. તૂટેલું ચેમ્બર અકસ્માતને ખુલ્લું આમંત્રણ માત્ર રોડ બેસી જવો જ નહીં, પરંતુ ઉધના દરવાજાથી નવસારી બજાર તરફ જવાના મુખ્ય માર્ગ પર ગટરના ચેમ્બરનું ઢાંકણું પણ છેલ્લા બે દિવસથી તૂટેલી હાલતમાં પડ્યું છે. આ ખુલ્લું અને જોખમી ચેમ્બર ગમે તે ક્ષણે મોટી દુર્ઘટના સર્જી શકે તેમ હોવાથી સ્થાનિક રહીશો અને વેપારીઓમાં પાલિકા તંત્રની નિષ્ક્રિયતા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
Read full article on Divya Bhaskar