top
ટિકિટ મુદ્દે વોર્ડ પ્રમુખની નારાજગી, ભાજપના ગ્રુપમાં જ વિરોધ:‘અમે સૌ ભાજપના’ ગ્રુપમાં વોર્ડ પ્રમુખનો મેસેજ વાઇરલ, ઉમેદવાર પસંદગી અને સંગઠનની ભૂમિકા સામે ઉઠાવ્યા સવાલો
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં ભાજપના સ્થાનિક સંગઠનમાં ટિકિટને લઈને આંતરિક નારાજગી સામે આવી છે. ભાજપના ‘અમે સૌ ભાજપના’ વોટ્સએપ ગ્રુપમાં વોર્ડ પ્રમુખે ટિકિટની પસંદગી અને સંગઠનની કામગીરી અંગે નારાજગી વ્યક્ત કરતો મેસેજ મૂક્યો હોવાનું સામે આવ્યું છે. મેસેજમાં વોર્ડ પ્રમુખે ઉમેદવાર નક્કી કરવાની પ્રક્રિયા અંગે સવાલ ઉઠાવતાં સંગઠનની ભૂમિકા અંગે પણ પ્રશ્નો કર્યા છે. વોર્ડ પ્રમુખે મેસેજમાં લખ્યું છે કે, “ભાઈ વોર્ડ પ્રમુખ બનાવી ખાલી રેલીઓ જ કાઢવી હોય અને પબ્લિક ભેગી કરવાની હોય તો એ હવે શક્ય નથી.” સાથે જ જો કોઈ પ્રમુખને પૂછવામાં ન આવે અને ઉમેદવાર જાતે જ નક્કી કરવાના હોય તો “સંગઠન શા માટે?” તેવો સવાલ પણ ઉઠાવ્યો છે. ‘દરેક સીટનો પ્રચાર કરવા ઉપર નક્કી કરનારા રેલીમાં પ્રચાર કરવા આવજો’ મેસેજમાં આગળ લખાયું છે કે હવે સંગઠને શું કરવું તે અંગે દરેકે વિચારવું જોઈએ. દરેક સીટ પર પ્રચાર કરવાની વાત કરતાં વોર્ડ પ્રમુખે ઉપરથી ઉમેદવાર નક્કી કરનારા લોકોને પણ રેલીમાં પ્રચાર માટે આવવા જણાવ્યું છે. અંતમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે, “અમે સંગઠનમાં કામ કરીશું, પણ ટેબલ પર બેસવા પરથી વેચવા સંગઠન નથી.” ચૂંટણી પૂર્વે ભાજપના જ વોટ્સએપ ગ્રુપમાં વોર્ડ પ્રમુખ દ્વારા ટિકિટની પ્રક્રિયા અને સંગઠનની ભૂમિકા અંગે કરવામાં આવેલી આ નારાજગીથી સ્થાનિક રાજકારણમાં ચર્ચા શરૂ થઈ છે. મેસેજમાં જોકે ચોક્કસ કયા ઉમેદવારની ટિકિટના મુદ્દે આ નારાજગી વ્યક્ત કરવામાં આવી છે તેનો સ્પષ્ટ ઉલ્લેખ નથી.
Read full article on Divya Bhaskar