crime
સમાધાનના બહાને બોલાવી મારામારી કરનાર 7 આરોપી ઝડપાયા:મોગરાવાડીમાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે લાકડા-સળિયાથી હુમલો કરાયો હતો
વલસાડના મોગરાવાડી વિસ્તારમાં જૂની અદાવતને કારણે બે જૂથ વચ્ચે હિંસક મારામારી થઈ હતી. સમાધાન માટે બોલાવ્યા બાદ મામલો ઉગ્ર બન્યો હતો. લાકડા અને લોખંડના સળિયાથી હુમલો થતા બે યુવકોને ઈજા થઈ હતી. પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી કુલ 7 આરોપીઓની ધરપકડ કરી છે. મોગરાવાડીના સહયોગનગરમાં રહેતા સંદીપ દેવસીંગ પ્રજાપતિએ ફરિયાદમાં જણાવ્યું કે, 13 જૂન 2025ના રોજ તે તેના મિત્રો અભિષેક ગુપ્તા અને અભિષેક યાદવ સાથે હતો. ત્યારે શુભમ અખિલેશ સીંગ, નિશાંત શુક્લા, આદર્શ સંતોષ દુબે, કરણ તિવારી, પ્રિન્સ દુબે અને પરમજીત ઉર્ફે પરમ ઉર્ફે પરવેશ દુબેએ જૂની અદાવત અંગે વાત કરવા બોલાવ્યા હતા. ત્યાં બોલાચાલી થતા આરોપીઓએ સંદીપ અને તેના મિત્રો સાથે લાકડાથી મારપીટ કરી હતી. આ પછી 14 જૂનની રાત્રે આ જ આરોપીઓ સહિત બે અજાણ્યા લોકો મોપેડ પર સંદીપના ઘર પાસે આવ્યા અને અપશબ્દો બોલવા લાગ્યા હતા. સંદીપનો નાનો ભાઈ અજય અને તેનો મિત્ર દીપક વર્મા વચ્ચે પડતા બંને પર લાકડા અને લોખંડના સળિયાથી હુમલો કરાયો. અજયના માથામાં ગંભીર ઈજા થતા 5 ટાંકા આવ્યા, જ્યારે દીપકને આંખ નીચે ઈજા થઈ. બંનેને સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. બીજી તરફ, મોગરાવાડીની શ્રીસાંઈ રેસિડેન્સી-02માં રહેતા સૌરભ અખિલેશ સીંગએ પણ ક્રોસ ફરિયાદ નોંધાવી. ફરિયાદ મુજબ, 14 જૂનની રાત્રે સાઈ પાર્ક પાછળ પોલીસ હેડક્વાર્ટર્સ રોડ પર સંદીપ પ્રજાપતિ અને અભિષેક ઉર્ફે રવિ ઉર્ફે સૂર્યા સંતલાલ યાદવે તેની બાઈક રોકી અપશબ્દો બોલ્યા હતા. 'તારા ભાઈ શુભમને કેમ બોલાવે છે' તેમ કહી સંદીપે રસ્તા પર પડેલા લાકડા વડે સૌરભની પીઠ પર માર માર્યો હતો. સિટી પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે BNSની કલમ 115(2), 118(1), 189(2), 191(2), 190, 191(3), 296(b) તથા જી.પી. એક્ટ 135(1) હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે શુભમ અખિલેશ સીંગ રજપૂત, નિશાંત શુક્લા, આદર્શ સંતોષ દુબે, કરણ તિવારી, પ્રિન્સ દુબે, પરમજીત ઉર્ફે પરમ ઉર્ફે પરવેશ દુબે અને સંદીપ દેવસીંગ પ્રજાપતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar