top
'મુખ્ય ચૂંટણી કમિશનર રાજીનામું આપે':મહેસાણામાં કોંગ્રેસના ધરણાં-પ્રદર્શન, SIR પ્રક્રિયા અને IT કેન્દ્રીકરણ સામે ગંભીર આરોપો
દેશના ચૂંટણી પંચમાં ચાલી રહેલી કથિત અનિયમિતતાઓ, આંતરિક વિખવાદ અને શાસક પક્ષને ફાયદો પહોંચાડવા માટે થતા હોવાના આક્ષેપ સાથેના 'વોટ ચોરી'ના ષડયંત્રના વિરોધમાં મહેસાણા ખાતે જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિશાળ વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં કોંગ્રેસના અગ્રણીઓ, હોદ્દેદારો અને કાર્યકરો બેનરો અને સૂત્રોચ્ચાર સાથે રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં કોંગ્રેસના એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે જિલ્લા કલેક્ટરને રૂબરૂ મળીને વિસ્તૃત આવેદનપત્ર સોંપ્યું હતું અને પોતાની માંગણીઓ રાષ્ટ્રપતિ તથા રાજ્યપાલ સુધી પહોંચાડવા રજૂઆત કરી હતી. SIR પ્રક્રિયા અને IT કેન્દ્રીકરણ સામે ગંભીર સવાલો કલેક્ટરને સુપરત કરવામાં આવેલા આવેદનપત્રમાં કોંગ્રેસે ગંભીર આરોપ મૂકતાં જણાવ્યું છે કે, ભારતીય ચૂંટણી પંચમાં મુખ્ય ચૂંટણી કમિશનર દ્વારા લેવાતા એકપક્ષીય નિર્ણયો સામે અન્ય ચૂંટણી કમિશનરોએ વાંધો ઉઠાવ્યો હોવાના ચોંકાવનારા અહેવાલો સામે આવ્યા છે. ખાસ કરીને સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા દરમિયાન સાથી કમિશનરોને અંધારામાં રાખીને નવા મતદારો ઉમેરવા, મતદાર યાદીમાંથી મોટાપાયે નામો રદ કરવા અને સમગ્ર પ્રક્રિયાનું દિલ્હી સ્થિત આઈટી (IT) સિસ્ટમ મારફતે કેન્દ્રીકરણ કરી દેવા જેવા મુદ્દે ગંભીર શંકાઓ ઊભી થઈ છે. ‘રાહુલ ગાંધીના વોટ ચોરીના દાવા સાચા સાબિત થયા’ કોંગ્રેસના અગ્રણી નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા અગાઉ જે 'વોટ ચોરી' અને ચૂંટણી પંચની વિશ્વસનીયતા અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા, તેને આ તાજેતરની ગતિવિધિઓથી સંપૂર્ણ પુષ્ટિ મળે છે. લોકશાહીના પાયા સમાન ચૂંટણી તંત્રનો દુરુપયોગ માત્ર સત્તાધારી પક્ષને રાજકીય લાભ પહોંચાડવા માટે કરવામાં આવી રહ્યો હોવાનો દાવો આવેદનપત્રમાં કરવામાં આવ્યો છે. જવાબદાર પદાધિકારીઓના રાજીનામાની માંગ મહેસાણા જિલ્લા અને શહેર કોંગ્રેસના હોદ્દેદારોએ આવેદનપત્ર મારફતે સ્પષ્ટ માંગણી કરી છે કે લોકશાહી અને બંધારણીય સંસ્થાઓની ગરિમા બચાવવા માટે મુખ્ય ચૂંટણી કમિશનર સહિત સમગ્ર પ્રક્રિયામાં સંડોવાયેલા તમામ જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ તાત્કાલિક ધોરણે પોતાના પદ પરથી રાજીનામા આપે. આ સાથે જ મહેસાણા જિલ્લા કલેક્ટર મારફતે આ આવેદનપત્ર રાજ્યપાલ તેમજ રાષ્ટ્રપતિ સુધી પહોંચાડીને તટસ્થ તપાસ સુનિશ્ચિત કરવામાં આવે તેવી જોરદાર માંગ કરવામાં આવી છે.
Read full article on Divya Bhaskar