top
સાઇબર ઠગોની જાળમાં ગાંધીનગર:એક જ અઠવાડિયામાં નિવૃત્ત આચાર્ય અને મમરાના વેપારી સાથે 1.76 લાખની ડિજિટલની લૂંટ
ગાંધીનગર શહેરમાં ડિજિટલ માધ્યમોના વધતા ઉપયોગ વચ્ચે કુડાસણના એક નિવૃત્ત આચાર્યને OLX પર જૂનું મંદિર ખરીદવાની લાલચ આપી QR કે મર્ચન્ટ કોડના બહાને રૂ. 96,627 નો ચૂનો ચોપડવામાં આવ્યો છે. તો બીજી તરફ રાંદેસણના એક મમરાના વેપારીને વાહનના બાકી ચલણની ફેક લિંક મોકલી ક્રેડિટ કાર્ડ હેક કરી રૂ. 80,339 ની ઓનલાઇન ખરીદી કરી લેવામાં આવી છે. આ બંને બનાવો અંગે ઇન્ફોસિટી પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. OLX પર લાકડાનું જૂનું મંદિર વેચવા મૂક્યું પ્રથમ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં આવેલ રાધે ઇન્ફિનીટીવ ખાતે રહેતા 61 વર્ષીય નિવૃત્ત આચાર્ય હરીશભાઈ કચરાભાઈ મોદીએ પોતાના ઘરમાં પડેલું એક જૂનું લાકડાનું મંદિર વેચવા માટે પુત્રીની મદદથી OLX એપ્લિકેશન પર જાહેરાત મૂકી હતી. આ જાહેરાત જોઈને ટૂંક જ સમયમાં એક અજાણ્યા શખ્સે તેમનો સંપર્ક કર્યો હતો અને પોતાની ઓળખ 'રાહુલ શર્મા' તરીકે આપીને રૂ. 15,000 માં મંદિર ખરીદવાની તૈયારી દર્શાવી હતી. ટેસ્ટિંગ માટે ₹1 જમા કરાવી વિશ્વાસ કેળવ્યો શરૂઆતમાં નિવૃત આચાર્યનો વિશ્વાસ જીતવા માટે ઠગે ખાતામાં ટેસ્ટિંગ પેટે માત્ર 1 રૂપિયો જમા કરાવી બાકીની રકમ પછીથી ચૂકવવાની વાત કરી હતી. બીજા દિવસે ઠગે ફોન કરીને પોતાની પાસે મર્ચન્ટ કાર્ડનું મશીન હોવાનું બહાનું બતાવી GPay એપ્લિકેશનમાં અમુક ચોક્કસ મર્ચન્ટ કોડ નાખવા જણાવ્યું હતું. નિવૃત્ત આચાર્યએ તે નંબર નાખતા જ તેમના પેન્શનના બેન્ક એકાઉન્ટમાંથી તુરંત ₹4,000 કપાઈ ગયા હતા. આ અંગે પૂછપરછ કરતાં ચાલાક ઠગે ટેકનિકલ ખામીનું બહાનું ધરી રકમ પરત મોકલવાની ખાતરી આપી હતી. ત્યારબાદ તબક્કાવાર અલગ-અલગ મર્ચન્ટ કોડ નંબરો નંખાવીને કુલ ₹69,627 ની રકમ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધી હતી. બાદમાં નાણાં જમા થયાનો બોગસ સ્ક્રીનશોટ મોકલીને ઠગે ફોન બંધ કરી દેતાં હરીશભાઈને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થઈ હતી. વાહનનું બાકી ચલણ ભરવાના બહાને આવ્યો ટેક્સ્ટ મેસેજ જ્યારે બીજા બનાવમાં ગાંધીનગરના રાંદેસણ ગામમાં આવેલ ઉર્જાનગર વિભાગ-1 માં રહેતા એસ.એમ.ટ્રેડર્સ નામે મમરાનો વેપાર કરતા 51 વર્ષીય સચિન મનુભાઈ ત્રીવેદી પોતાના વેપાર માટે એક્સિસ બેંકનું ખાતું અને તેની સાથે લીંક થયેલ ક્રેડિટ કાર્ડ વાપરે છે. તેમના મોબાઇલ પર એક અજાણ્યા નંબર પરથી એક ટેક્સ મેસેજ આવ્યો હતો. જેમાં તેમના છોટા હાથી વાહનનું ચલણ બાકી હોવાનું જણાવી ચલણ ચૂકવવા માટે એક લિંક આપેલી હતી. ક્રેડિટ કાર્ડ બ્લોક કરાવ્યું છતાં Zepto પરથી ₹80 હજારની ખરીદી કરી લીધી જોકે કુતુહલવશ વાહનમાં કોઈ ચલણ છે કે નહીં તે ચકાસવાના આશયથી સચિનભાઈએ આ લિંક પર ક્લિક કરતાં NextGen mParivahan નામની એક એપ ખુલી હતી. જોકે તેમાં કોઈ ચલણ બતાવતું ન હોવાથી તેઓ કામમાં લાગી ગયા હતા. પરંતુ આ દરમિયાન તેમનો ફોન હેક થઈ ચૂક્યો હતો અને સતત મેસેજ આવવા લાગ્યા હતા. શંકા જતાં જ તેમણે બેંકમાં જઈ ખાતું ફ્રીઝ કરાવ્યું અને ક્રેડિટ કાર્ડ બંધ કરાવ્યું હતું. તેમ છતાં ક્રેડિટ કાર્ડ મારફતે 'ZEPTO MARKETPLACE PRIVATE LIMITED' માંથી રૂ. 80,339 ની ઓનલાઈન ખરીદી કરી લેવામાં આવી હતી. આ બંને બનાવો અંગે સાઇબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર ફરિયાદ કરાઈ હતી, જેના પગલે ઇન્ફોસિટી પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.
Read full article on Divya Bhaskar