crime
રાજકોટમાં નશામાં ધૂત ચાલકે સર્પાકાર કાર દોડાવી:આજીડેમ પાસે પોલીસે જીપ રોકી તપાસ કરતા દારૂ પીધેલી હાલતમાં ચાલક અને તેનો સાથી ઝડપાયા, કારમાંથી ધારદાર છરી મળી આવતા બેની ધરપકડ
રાજકોટના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી આજીડેમ ચોકડી પાસે રાત્રિના સમયે વાહન ચેકિંગ દરમિયાન પોલીસે પુરઝડપે અને બેફીકરાઈથી વાહન ચલાવતા બે ઈસમોને ઝડપી પાડ્યા છે. ઉલ્લેખનીય છે કે પોલીસે જીપ કાર રોકી તપાસ કરતા ચાલક નશાની હાલતમાં હોવાનું અને ગાડીમાંથી ધારદાર છરી જેવા હથિયાર મળી આવતા પોલીસ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગત 18 સપ્ટેમ્બરના રોજ રાત્રે સરધાર રોડ તરફથી આવી રહેલી એક મહિન્દ્રા જીપ સર્પાકાર આકારે પુરઝડપે દોડી રહી હતી અને માનવ જિંદગી જોખમાય તે રીતે વાહન ચલાવીને આવતા જોઈ આજીડેમ પોલીસ ચોકી પાસે ફરજ પરના પોલીસ કર્મચારીઓએ આ વાહનને અટકાવીને તપાસ કરી હતી તપાસ દરમિયાન કાર ચલાવી રહેલો જગદીશ જીવરાજ બોરિયા કેફી પીણું પીધેલી હાલતમાં મળી આવ્યો હતો. જયારે ગાડીમાં સાથે બેઠેલા અન્ય યુવાન જયેશ વિપુલ સરવૈયા હોવાનું સામે આવતા પોલીસે તેની પણ પૂછપરછ હાથ ધરી હતી. પોલીસે વાહનની પાછળની ડીકીની તલાશી લેતા તેમાંથી એક લોખંડના હાથાવાળી ધારદાર છરી મળી આવી હતી જે કબ્જે કરી બંનેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહ હાથ ધરવામાં આવી છે. આ મામલે આજીડેમ પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ જાડેજાની ફરિયાદના આધારે BNS કલમ 281, મોટર વાહન અધિનિયમની કલમ 185 અને જી.પી. એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Read full article on Divya Bhaskar