crime
પંચમહાલ ક્રાઈમ અપડેટ:ગોધરામાં 25 વર્ષીય યુવકનો આપઘાત, ઘોઘંબામાં મકાન ધરાશાયી થતાં ઈજાગ્રસ્ત આધેડનું સારવાર બાદ મોત
પંચમહાલ જિલ્લામાં ગોધરા અને ઘોઘંબામાં બે અલગ-અલગ કરુણ બનાવ સામે આવ્યા છે. ગોધરા શહેરમાં 25 વર્ષીય યુવકે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. જ્યારે ઘોઘંબા તાલુકામાં ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે મકાન ધરાશાયી થતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા આધેડનું સારવાર બાદ મોત નીપજ્યું છે. મેસરી નદીના ઢાળ વિસ્તારમાં 25 વર્ષીય યુવકે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું ગોધરા શહેરમાં રેડ ક્રોસ પાછળ મેસરી નદીના ઢાળ વિસ્તારમાં રહેતા 25 વર્ષીય રાહુલભાઈ કનુભાઈ દંતાણીએ 20 સપ્ટેમ્બરની રાત્રિથી 21 સપ્ટેમ્બરની બપોર વચ્ચેના સમયગાળામાં પોતાના ઘરમાં મોભ સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. આપઘાતનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. ઘટનાની જાણ મૃતકના ભાઈ દ્વારા ગોધરા બી ડિવિઝન પોલીસને કરવામાં આવી હતી. પોલીસે અકસ્માત મોતની નોંધ કરી સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. ઘોઘંબામાં મકાન ધરાશાયી થતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત આધેડનું મોત બીજી તરફ, ઘોઘંબા તાલુકાના મોઘાધરા-1 ગામમાં 13 સપ્ટેમ્બરના રોજ ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે કાચું મકાન ધરાશાયી થયું હતું. મકાન ધરાશાયી થતાં કાટમાળ નીચે દબાઈ એક બકરીનું મોત થયું હતું, જ્યારે બાબુભાઈ નનુભાઈ બારીઆ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. બાબુભાઈ બારીઆને પ્રથમ સીમલીયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ વધુ સારવાર માટે તેમને વેજલપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 19 સપ્ટેમ્બરે હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ તેમને ઘરે લાવવામાં આવ્યા હતા. જોકે, 20 સપ્ટેમ્બરની સવારે ગંભીર ઈજાઓના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. બાબુભાઈના મૃત્યુ અંગે દામાવાવ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી છે. બંને અલગ-અલગ બનાવ અંગે સંબંધિત પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Read full article on Divya Bhaskar