crime
'પાલિકા ગરીબોને નોટિસ આપે છે, અમીરો સામે આંખ મીંચે છે':સુરતના ગોટાલાવાડીમાં ઘરે-ઘરે ખાટલા, ટેનામેન્ટમાં 50થી વધુ બાળકો ડેન્ગ્યુ-મેલેરિયાનો ભોગ બન્યાનો આક્ષેપ
સુરત શહેરમાં વરસાદ બાદ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો બેકાબૂ બનતાં સ્થિતિ ચિંતાજનક બની છે. કતારગામ વિસ્તારના ગોટાલાવાડી સ્થિત સરકારી આવાસ/ટેનામેન્ટ પરિસરમાં અચાનક 40થી 50થી વધુ બાળકો વાયરલ ફીવર, ડેન્ગ્યુ અને મેલેરિયા જેવી ગંભીર બીમારીઓમાં પટકાતા સમગ્ર પરિસરમાં ફફડાટ ફેલાયો છે. બાળકોની સાથે-સાથે વડીલો અને યુવાનો પણ ચિકનગુનિયા તથા અસહ્ય સાંધાના દુખાવાની ઝપેટમાં આવી ગયા છે. પરિસરમાં વરસાદી તેમજ ગંદા પાણીના નિકાલની યોગ્ય સુવિધા ન હોવાથી મચ્છરોનો ઉપદ્રવ ચરમસીમાએ પહોંચ્યો છે, જેના કારણે સ્થાનિક ક્લિનિકો અને હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. ઓવરફ્લો ટાંકા અને ગંદા પાણીથી મચ્છરોનું સામ્રાજ્ય ટેનામેન્ટના સ્થાનિક રહીશ હંસાબેન મહેશભાઈ સોલંકીએ ભારે આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, અહીં 1304 જેટલા પરિવારો વસવાટ કરે છે. ફેબ્રુઆરી મહિનામાં મકાન સોંપાયા ત્યારથી જ ગટર અને પાણીના નિકાલની સમસ્યા છે. ધાબા પર મુકેલા ટાંકાનું ઓવરફ્લો પાણી સીધું રોડ પર વહે છે, જેના કારણે ચારેય તરફ ગંદકી અને મચ્છરો પેદા થઈ રહ્યા છે. 50થી પણ વધુ બાળકો ગંભીર બીમારીઓ સામે ઝઝૂમી રહ્યા છે. અમે ઓનલાઇન અસંખ્ય ફરિયાદો કરવા છતાં પાલિકાનો એક પણ કર્મચારી મુલાકાતે આવ્યો નથી. આસપાસ બનેલા મોલ અને કરોડોની હાઈરાઇઝ બિલ્ડિંગો સામે પાલિકા આંખ આડા કાન કરે છે અને ગરીબ-શ્રમજીવી પરિવારોને નોટિસો આપી પરેશાન કરે છે. 10 મિનિટ વરસાદમાં પાણી ભરાઈ જાય છે અન્ય એક સ્થાનિક રહીશ રમેશભાઈ માલુએ વ્યથા ઠાલવતા કહ્યું કે, માત્ર 10-15 મિનિટ વરસાદ પડે તો પણ આખા કેમ્પસમાં પાણી ભરાઈ જાય છે અને તેનો નિકાલ થતો નથી. મનપાની ડોર-ટુ-ડોર કચરાની ગાડી નિયમિત ન આવતી હોવાથી ઠેર-ઠેર કચરાના ઢગલા ખડકાયા છે. જો સુરત મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે પાણી-કચરાનો નિકાલ નહીં કરાય અને ફોગિંગ કે જંતુનાશક દવાઓનો છંટકાવ નહીં થાય તો સ્થિતિ વધુ ગંભીર બનશે. જો કોઈ નિર્દોષ બાળકનો જીવ જોખમાશે તો તેની સંપૂર્ણ જવાબદારી સુરત પાલિકા તંત્રની રહેશે. તાત્કાલિક આરોગ્ય કેમ્પ અને કાયમી ડ્રેનેજ વ્યવસ્થા કરવા લોકમાંગણી પરિસ્થિતિ વધુ વણસે તે પહેલાં આરોગ્ય વિભાગની વિશેષ મેડિકલ ટીમ ગોટાલાવાડી ટેનામેન્ટ પરિસરમાં મોકલી દરેક બ્લોકમાં સર્વે હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે. આ સાથે જ દર્દીઓને તાત્કાલિક સારવાર, દવાનો સઘન છંટકાવ અને વરસાદી પાણીના કાયમી નિકાલ માટે ડ્રેનેજ સિસ્ટમનું યોગ્ય આયોજન કરવા સ્થાનિક પરિવારોએ પાલિકા કમિશનર સમક્ષ રજૂઆત કરી છે.
Read full article on Divya Bhaskar