top
નક્સલ પ્રભાવિત વિસ્તારોનું ડેલીગેશન સોમનાથ પહોંચ્યું:રાષ્ટ્રીય એકતા દિવસ અંતર્ગત પ્રતિનિધિમંડળે મુલાકાત લીધી; સોમનાથ મહાદેવ, ભાલકા તીર્થ અને ત્રિવેણી સંગમના દર્શન કર્યા
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે આગામી 31 ઓક્ટોબરના રોજ યોજાનારા રાષ્ટ્રીય એકતા દિવસના ભાગરૂપે નક્સલ પ્રભાવિત વિસ્તારોનું એક વિશેષ પ્રતિનિધિમંડળ ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન ડેલીગેશને ઐતિહાસિક સોમનાથના ધાર્મિક તથા પ્રવાસન સ્થળોની મુલાકાત લઈને ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત, આધ્યાત્મિક પરંપરા અને ઐતિહાસિક ગૌરવનો પરિચય મેળવ્યો હતો. વિવિધ ધાર્મિક સ્થળોના કર્યા દર્શન આ પ્રતિનિધિમંડળે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર, ભાલકા તીર્થ, ત્રિવેણી સંગમ, ગીતા મંદિર અને દરિયાકાંઠે આવેલા વોક-વે સહિતના સ્થળોની મુલાકાત લીધી હતી. સોમનાથ મહાદેવના દર્શન કરી પ્રતિનિધિઓએ ધન્યતા અનુભવી હતી. મંદિરની ભવ્ય સ્થાપત્યકલા, આધ્યાત્મિક મહત્ત્વ અને ભારતના સાંસ્કૃતિક ઇતિહાસમાં સોમનાથનું વિશિષ્ટ સ્થાન જોઈને તમામ મુલાકાતીઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા. સોમનાથના ગૌરવશાળી વારસાથી પરિચિત થયા પ્રતિનિધિમંડળે સોમનાથ મંદિરનો ઈતિહાસ, અનેક સંઘર્ષો છતાં અડીખમ રહેલી સંસ્કૃતિ અને સોમનાથ સ્વાભિમાન પર્વની ગૌરવગાથા વિશે જાણકારી મેળવી હતી. ભાલકા તીર્થ અને ગીતા મંદિર ખાતે આધ્યાત્મિક પરંપરા સમજી હતી, જ્યારે ત્રિવેણી સંગમ અને વોક-વે પર પ્રકૃતિના સુંદર સંગમનો અનુભવ કર્યો હતો. આ મુલાકાતનો મુખ્ય હેતુ અંતરિયાળ વિસ્તારોના નાગરિકોને રાષ્ટ્રીય એકતાના મૂલ્યો સાથે જોડવાનો છે. એકતાનગર ખાતે ઉજવાશે રાષ્ટ્રીય એકતા દિવસ ઉલ્લેખનીય છે કે 31 ઓક્ટોબર 2026 ના રોજ નર્મદા જિલ્લાના એકતાનગર (કેવડિયા) ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ રાષ્ટ્રીય પર્વના ભાગરૂપે દેશભરમાં વિવિધ જનજાગૃતિ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. સોમનાથની આ મુલાકાત દ્વારા રાષ્ટ્રીય એકતા, સામાજિક સમરસતા અને દેશની વિરાસત પ્રત્યે ગૌરવની ભાવનાને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરાયો છે.
Read full article on Divya Bhaskar