top
સારોલી શ્યામ સંગિની માર્કેટમાં આગકાંડ:ભૂલનું ભાન થતાં ત્રણ ભગવાન પાસે માફી માંગી આવ્યો, આરોપીનો કરાશે ગેટ એનાલિસિસ ટેસ્ટ
માત્ર ₹10 હજારના બાકી પગારના વિવાદમાં શેઠને 'સબક' શીખવવા ગયેલા એક પૂર્વ એકાઉન્ટન્ટના ₹150ના પેટ્રોલે સારોલીની શ્યામ સંગિની માર્કેટમાં એવો અગનખેલ ખેલ્યો કે જોતજોતામાં ₹24 કરોડનો માલસામાન રાખ થઈ ગયો હતો. ધાર્યું હતું ₹50 હજારથી ₹1 લાખનું નુકસાન થશે, પણ આગે રૌદ્ર સ્વરૂપ પકડતાં 17 દુકાનો સ્વાહા થઈ ગઈ હતી. આગના તાંડવથી ફફડી ઉઠેલા આરોપીએ પાપ ધોવા ખાટુશ્યામ, અયોધ્યા અને કાશી વિશ્વનાથ જઈ માફી માંગી, પરંતુ કાયદાના હાથથી બચી શક્યો નહીં અને આખરે ક્રાઈમ બ્રાન્ચના સકંજામાં આવી ગયો છે. હાલ સારોલી પોલીસે આરોપીના પાંચ દિવસમાં રિમાન્ડ મેળવ્યા છે અને વધુ પૂછપરછ કરી રહી છે. આ સમગ્ર આગની ઘટનામાં નુકસાનનો આંકડો વધ્યો છે. જેમાં આગથી ₹24 કરોડ, પાણીથી ₹1 કરોડ અને ધુમાડાથી ₹75 લાખનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. જ્યારે હવે આરોપીનો ગેટ એનાલિસિસ ટેસ્ટ કરવામાં આવશે. આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મળ્યા સુરત શહેરના સારોલી વિસ્તારમાં આવેલી શ્યામ સંગિની ટેક્સટાઇલ માર્કેટના છઠ્ઠા માળે ગત 9 સપ્ટેમ્બરની મધ્યરાત્રિએ લાગેલી ભીષણ આગ અકસ્માત નહીં પરંતુ પૂર્વ આયોજિત ષડયંત્ર હોવાનો પર્દાફાશ થયો હતો. માત્ર ₹10 હજારના બાકી પગારના વિવાદમાં શેઠને સબક શીખવવા ગયેલા પૂર્વ એકાઉન્ટન્ટે માત્ર ₹150ના પેટ્રોલથી આગ ચાંપી હતી. જોકે, આગ વિકરાળ બની જતાં ₹24 કરોડથી વધુનું નુકસાન થયું હતું. ક્રાઈમ બ્રાન્ચે ઘટનાના 13મા દિવસે આરોપી વિનોદ સાવલેને ઝડપી લીધા બાદ સારોલી પોલીસે કોર્ટમાંથી તેના પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. 'તને 10% કામ પણ નથી આવડતું' કહી અપમાનિત કરાતાં ડિંડોલી ખાતે રહેતો મૂળ મહારાષ્ટ્રના શિરપુરનો વિનોદ પંડિત સાવલે (ઉં.વ. 33) ધોરણ 12 પાસ હોવા છતાં એપ્રિલ મહિનામાં માર્કેટની શોપ નં. 638માં જેકોર્પ ઇન્ડિયા અને જગદંબા ટેક્સટાઇલના શેઠ હનુમાન દ્વારકાપ્રસાદ જવરને ત્યાં ₹30 હજારના માસિક પગારે એકાઉન્ટન્ટ તરીકે જોડાયો હતો. નોકરી દરમિયાન શેઠ હનુમાન જવર અને મુખ્ય એકાઉન્ટન્ટ સુમિત તેને "તને એકાઉન્ટનું 10% કામ પણ નથી આવડતું" તેમ કહી માનસિક હેરાન કરતા હોવાથી કંટાળીને વિનોદે નોકરી છોડી દીધી હતી. નોકરી છોડ્યા બાદ પગારના બાકી નીકળતા ₹10 હજારની વારંવાર માંગણી કરવા છતાં શેઠ અને એકાઉન્ટન્ટે રૂપિયા ન આપી અપમાનિત કરતાં વિનોદે બદલો લેવાનું નક્કી કર્યું હતું. ₹50 હજારનું નુકસાન કરવાના ચક્કરમાં ₹24 કરોડ બળીને ખાખ થયા પોલીસ પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે ₹10 હજારની કિંમત શું હોય છે તે શેઠને સમજાવવા તેણે માત્ર ₹50 હજારથી ₹1 લાખનું નુકસાન પહોંચાડવાનો પ્લાન બનાવ્યો હતો. જેના માટે તે મોઢે માસ્ક પહેરીને આવ્યો હતો અને ₹150નું પેટ્રોલ છાંટી આગ ચાંપી દીધી હતી. જોકે, આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં 17 જેટલી દુકાનોમાં ₹24 કરોડથી વધુનો માલસામાન ખાખ થઈ ગયો હતો અને માર્કેટને સ્ટ્રક્ચરલ નુકસાન પણ પહોંચ્યું હતું. જેમાં હનુમાનપ્રસાદને ₹6 કરોડ ઉપરાંત પાડોશી વેપારી અભિષેક સોનીને ₹2 કરોડ, અનુરાગ જાલાનને ₹2 કરોડ અને હરિપ્રસાદ ઝંવરને ₹4 કરોડનું નુકસાન થયું હતું. ભૂલનું ભાન થતાં પરિવાર સાથે ફરાર થઈ 3 મોટા મંદિરોમાં માફી માંગી માર્કેટમાં લાગેલી આગનું ભયાનક સ્વરૂપ જોઈને વિનોદ ડરી ગયો હતો અને પોતાની ભૂલનું ભાન થતાં તે પરિવાર સાથે સુરત છોડીને ફરાર થઈ ગયો હતો. પશ્ચાતાપ રૂપે તેણે પહેલા ખાટુશ્યામ મંદિર, ત્યારબાદ અયોધ્યા રામમંદિર અને છેલ્લે કાશી વિશ્વનાથ મંદિર જઈને ભગવાન સમક્ષ પોતાના કૃત્ય બદલ માફી માંગી હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે સુરત પરત ફરેલા વિનોદને ડિંડોલી ફ્લાવર ગાર્ડન પાસેથી ઝડપી પાડ્યો હતો. આરોપીનો FSL દ્વારા ગેટ એનાલિસિસ ટેસ્ટ કરાશે આ અગ્નિકાંડમાં સીધા આગ લાગવાથી જ નહીં, પરંતુ ધુમાડા અને બચાવ કામગીરી દરમિયાન પણ મોટું નુકસાન થયું હતું. છઠ્ઠા માળે દુકાન નં. 632માં ધુમાડો ભરાઈ જવાથી વૈભવ ગોયંકાની દુકાનનું ₹75 લાખનું કાપડ કાળું પડી ગયું હતું. ફાયર બ્રિગેડ દ્વારા છંટાયેલું પાણી પાંચમા માળની ચાર દુકાનોમાં ઉતરતાં પંકજ અગ્રવાલ અને પ્રદીપ જૈનને ₹35-35 લાખ તથા નિલય ભાલાળાને ₹12 લાખ મળી કુલ ₹1.75 કરોડથી વધુનું નુકસાન પાણી અને ધુમાડાના કારણે થયું છે. ઈન્સ્પેક્ટર એસ.આર. વેકરિયાના જણાવ્યા મુજબ, આરોપી માસ્ક પહેરીને આવ્યો હોવાથી સીસીટીવીમાં દેખાતો શખ્સ વિનોદ સાવલે જ છે તેની કડીઓ મજબૂત કરવા FSLની હાજરીમાં તેનો ગેટ એનાલિસિસ ટેસ્ટ કરાવવામાં આવશે.
Read full article on Divya Bhaskar