politics
બોટાદ તાલુકા સેવા સદનમાં ધારાસભ્યની સરપ્રાઈઝ વિઝિટ:કચેરીઓમાં ગેરહાજરી અને આધારકાર્ડ કેન્દ્રની કીટ બંધ હોવાનું ધ્યાને આવ્યું
બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ તાલુકા સેવા સદનની વિવિધ કચેરીઓની સરપ્રાઈઝ વિઝિટ કરી હતી. આ દરમિયાન સબ રજીસ્ટ્રાર કચેરી, મામલતદાર કચેરી, પુરવઠા વિભાગ, આધારકાર્ડ કેન્દ્ર સહિતની જાહેર સુવિધાઓની કામગીરી અને સ્થિતિની સ્થળ પર સમીક્ષા કરવામાં આવી હતી. આધારકાર્ડ કેન્દ્રની કીટ બંધ, અધિકારીઓની ગેરહાજરી મુલાકાત દરમિયાન આધારકાર્ડ કેન્દ્રની કીટ બંધ હોવાનું સામે આવ્યું હતું. જેના કારણે આધારકાર્ડ સંબંધિત કામગીરી માટે આવતા લોકોને મુશ્કેલી પડી રહી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. બીજી તરફ, મુલાકાત સમયે પુરવઠા વિભાગના અધિકારી તેમજ મામલતદાર પણ કચેરીમાં ગેરહાજર જોવા મળ્યા હતા. લોકોને વારંવાર ધક્કા ન ખાવા પડે તેવી સૂચના તાલુકા સેવા સદનમાં નાના-મોટા કામો માટે લોકોને વારંવાર કચેરીના ધક્કા ખાવા પડતા હોવાની રજૂઆતો પણ ધારાસભ્ય સમક્ષ આવી હતી. ધારાસભ્યએ અધિકારીઓ અને કર્મચારીઓને લોકોને સમયસર અને સરળતાથી સરકારી સેવાઓ મળી રહે તે સુનિશ્ચિત કરવા તેમજ કોઈપણ કામ માટે લોકોને વારંવાર કચેરીના ધક્કા ન ખાવા પડે તે અંગે કડક સૂચનાઓ આપી હતી. સફાઈ અને મેન્ટેનેન્સની કામગીરીની પણ તપાસ ધારાસભ્યએ સેવા સદનની સફાઈ અને મેન્ટેનેન્સની કામગીરીનું પણ સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું. તપાસ દરમિયાન કેટલીક ખામીઓ જણાતા સંબંધિત મેન્ટેનેન્સ એજન્સી સામે જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. સબ રજીસ્ટ્રાર કચેરીની કામગીરી અંગે માહિતી મેળવી સબ રજીસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધણીને લગતી કામગીરી અંગે પણ ધારાસભ્યએ માહિતી મેળવી હતી. આ દરમિયાન ટૂંક સમયમાં દસ્તાવેજ નોંધણીનું કાર્ય શરૂ થશે તેવી જાણકારી આપવામાં આવી હતી. સરકારી સેવાઓ વધુ સુચારુ બનાવવાનો પ્રયાસ ધારાસભ્યની સરપ્રાઈઝ વિઝિટ બાદ તાલુકા સેવા સદનની કચેરીઓમાં કામગીરી વધુ સુચારુ બને અને લોકોને સરકારી સેવાઓ મેળવવા માટે વારંવાર ધક્કા ન ખાવા પડે તે દિશામાં તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.
Read full article on Divya Bhaskar