crime
રાજકોટ મનપાની કાર્યવાહી બાદ નૂડલ્સના કારખાને પહોંચ્યું દિવ્ય ભાસ્કર:શટર અંદરથી બંધ, ખખડાવવા છતાં કોઈ જવાબ નહીં; આરોગ્ય અધિકારીએ કહ્યું- અખાદ્ય પદાર્થથી ગંભીર ઇન્ફેકશન થઈ શકે
રાજકોટ મનપાના ફૂડ વિભાગ દ્વારા માધાપર ચોકડી પાસે આવેલા નૂડલ્સનાં કારખાનામાં દરોડા પાડી 800 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો, ત્યારે આજે દિવ્ય ભાસ્કરની ટીમ સ્થળ પર પહોંચી હતી, જેમાં ફૂડ વિભાગના દરોડા બાદ અહીં અંદરથી શટર બંધ જોવા મળ્યા હતા. તેમજ શટર ખખડાવવા છતાં કોઈ જવાબ મળ્યો નહોતો. ફૂડ વિભાગ વેપારીને ₹10,000નો દંડ પણ ફટકાર્યો હતો. તેમજ અખાદ્ય જથ્થાના નમુના લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ આવતા વેપારી સામે એજ્યુડીકેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. દિવ્ય ભાસ્કરની ટીમનું ગ્રાઉન્ડ રિયાલિટી ચેક ફૂડ વિભાગની કાર્યવાહી બાદ દિવ્ય ભાસ્કરની ટીમ દ્વારા સ્થળ પર રૂબરૂ પહોંચી સમગ્ર સ્થિતિનું ગ્રાઉન્ડ રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું, જેમાં સામે આવ્યું છે કે, ભારતી ફૂડ એન્ડ બેવરેજીસના કારખાનાના મુખ્ય શટર બંધ હાલતમાં હતા. કારખાના બહાર ઇનોવેટિવ ફૂડ પ્રોડક્ટનું બોર્ડ લગાવેલું જોવા મળ્યું હતું અને સાથે એક મોબાઈલ નંબર પણ દર્શાવવામાં આવ્યો હતો. દિવ્ય ભાસ્કરની ટીમ દ્વારા તે નંબર પર કોલ કરવા છતાં સામેથી કોઈએ ફોન રીસીવ કર્યો નહોતો. શટર ખખડાવ્યું છતાં અંદરથી કોઈ જવાબ ન મળ્યો જોકે, કારખાનાના શટર બહારથી તાળાં મારીને બંધ કરવામાં આવ્યા નહોતા, પરંતુ શટરને અંદરથી બંધ કરવામાં આવ્યા હોવાની શંકા જતાં દિવ્ય ભાસ્કરની ટીમ દ્વારા શટર ખખડાવીને અંદરથી પ્રતિક્રિયા મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કારખાનાની અંદરથી કોઈપણ પ્રકારનો જવાબ મળ્યો નહોતો. આસપાસના સ્થાનિકોએ જણાવ્યું હતું કે, અહીં 3-4 દિવસ પહેલાં જ ફૂડ વિભાગની મોટી રેડ પડી હતી, પરંતુ ડર અને સંકોચના કારણે સ્થાનિક લોકોએ કેમેરા સામે કે ખુલીને બોલવાનો સંપૂર્ણ ઈનકાર કર્યો હતો. ફૂડ વિભાગે પેઢીને ₹10,000નો વહીવટી દંડ ફટકાર્યો તંત્ર દ્વારા કરવામાં આવેલી સઘન કાર્યવાહી દરમિયાન ભારતી ફૂડ એન્ડ બેવરેજીસમાંથી મળી આવેલા 800 કિલો નૂડલ્સનો વાસી જથ્થો અખાદ્ય હોવાથી તેનો ટીપરવાન મારફતે સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. મનપાના ફૂડ વિભાગ દ્વારા આ ગંભીર બેદરકારી બદલ પેઢીને ₹10,000નો વહીવટી દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ફૂડ વિભાગની પ્રાથમિક તપાસ દરમિયાન અહીંથી રોજ 300 કિલો સમાન જુદા-જુદા પેકિંગ કે જેમાં મેન્યુફેક્ચર કે એક્સપાટરી ડેટ લખેલી ન હોય તેમાં પેક કરીને બજારમાં મોકલવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. અખાદ્ય પદાર્થથી ગંભીર ઇન્ફેકશન થવાની શક્યતા: ડો. જયેશ વાકાણી મનપાનાં આરોગ્ય અધિકારી ડો. જયેશ વાકાણીએ જણાવ્યું હતું કે, આ પ્રકારે ખુલ્લામાં, ગંદકીમાં અને બિનઆરોગ્યપ્રદ વાતાવરણમાં તૈયાર થતાં નૂડલ્સ માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. કામ કરતા શ્રમિકો દ્વારા પણ પ્રાથમિક સ્વચ્છતાના નિયમોનું પાલન કરાતું નહોતું. જો નાગરિકો દ્વારા આવા વાસી અને અખાદ્ય નૂડલ્સનું સેવન કરવામાં આવે તો પેટમાં ગંભીર ઇન્ફેકશન થવાની અને આંતરડાને કાયમી નુકસાન પહોંચવાની પૂરી શક્યતાઓ રહેલી છે. ફૂડ વિભાગની લાલ આંખથી વેપારીઓમાં ફફડાટ ઉલ્લેખનીય છે કે, ફૂડ વિભાગની આ લાલ આંખથી વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે અને ગેરકાયદેસર રીતે ચાલતા એકમો સાવચેત થઈ ગયા છે. નાગરિકોમાં પણ ખાણીપીણીની વસ્તુની ખરીદી બાબતે જાગરૂકતા વધી છે. લોકો બજારમાંથી ખાદ્ય સામગ્રી ખરીદતી વખતે વધુ સાવચેતી રાખી રહ્યા છે. તંત્ર દ્વારા નાગરિકોના સ્વાસ્થ્યની રક્ષા માટે આગામી દિવસોમાં પણ આ પ્રકારે સતત ચેકિંગ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે.
Read full article on Divya Bhaskar