top
હિંમતનગર સિવિલમાં મહિલાની જાંઘમાંથી પોણા બે કિલોની ગાંઠ કઢાઈ:હોસ્પિટલમાં સફળ ઓપરેશન કરાયું, એક વર્ષથી હેરાન અરવલ્લીની મહિલાને રાહત મળી
સાબરકાંઠાના મુખ્ય મથક હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં એક સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે. અરવલ્લી જિલ્લાની 40 વર્ષીય મહિલાની જાંઘમાંથી લગભગ પોણા બે કિલોની ગાંઠ કાઢવામાં આવી હતી. આ મહિલા એક વર્ષથી આ ગાંઠને કારણે પરેશાન હતી. એક વર્ષથી આશરે એક ફૂટ જેટલી મોટી ગાંઠ હતી હિંમતનગર સિવિલ હોસ્પિટલના RMO ડૉ. વિપુલ જાનીએ જણાવ્યું કે, અરવલ્લીની આ મહિલાની ડાબી જાંઘમાં છેલ્લા એક વર્ષથી આશરે એક ફૂટ જેટલી મોટી ગાંઠ હતી. આ ગાંઠને કારણે દર્દીને ચાલવામાં અને રોજિંદા કામ કરવામાં ઘણી તકલીફ પડતી હતી. મહિલાને 11 સપ્ટેમ્બરે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જરૂરી તપાસ અને નિદાન પછી ગાંઠને સર્જરી દ્વારા દૂર કરવાનો નિર્ણય લેવાયો હતો. ગાંઠ સ્નાયુઓના ઊંડા ભાગ સુધી ફેલાયેલી હતી 21 સપ્ટેમ્બરે ઓપરેશન દરમિયાન જાણવા મળ્યું કે, ગાંઠ સ્નાયુઓના ઊંડા ભાગ સુધી ફેલાયેલી હતી. તેનો લોહીની નસો સાથે પણ નજીકનો સંબંધ હતો. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સર્જિકલ ટીમે ખૂબ કાળજી અને સાવચેતીથી ગાંઠને સંપૂર્ણપણે દૂર કરી. સર્જરી દરમિયાન કાઢવામાં આવેલી ગાંઠનું વજન આશરે 1.75 કિલોગ્રામ હતું. આ ઓપરેશન સર્જરી વિભાગના HOD ડૉ. પલ્લવ પટેલના માર્ગદર્શન હેઠળ ડૉ. ધવલ પટેલ અને ડૉ. દેવાંગી ચૌધરીએ સફળતાપૂર્વક પૂરું કર્યું. હાલ દર્દીની સ્થિતિ ઘણી સારી ઓપરેશન પછી દર્દીની હાલત સ્થિર અને સારી છે, તેમ ડોકટરોએ જણાવ્યું છે. હાલમાં દર્દી સિવિલના ફીમેલ સર્જિકલ વોર્ડમાં છે અને તબીબી દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી છે.
Read full article on Divya Bhaskar