politics
તરણેતરના મેળામાં ઋષિ પાંચમે ત્રિનેત્રેશ્વર મહાદેવે ધ્વજા રોપાઈ:લખતર રાજ પરિવારે પારંપરિક શિરપાવ ધ્વજા ચડાવી; મોરલાવાળી છત્રી અને કલાત્મક વેશભૂષાથી લોકજીવન ધમધમી ઊઠ્યું
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ નજીક યોજાયેલા વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના લોકમેળાના ત્રીજા દિવસે એટલે કે ઋષિ પાંચમના રોજ ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિર પર લખતર રાજ પરિવાર દ્વારા ધામધૂમથી ધ્વજા ચડાવવામાં આવી હતી. ગંગાજી અવતરણ આરતી બાદ પરંપરાગત શોભાયાત્રા નીકળી હતી, જેમાં લોકો રંગબેરંગી કેડિયું, પાઘડી અને મોરલાવાળી છત્રીઓ સાથે જોડાયા હતા. મુખ્ય પૂજારી દ્વારા વિધિવત્ પૂજન બાદ લખતર રાજ પરિવાર વતી યશપાલસિંહ ઝાલા દ્વારા ધ્વજા રોહણ કરાયું હતું. ભવ્ય લોકડાયરામાં જામ્યો કલાનો રંગ મેળાની સાંસ્કૃતિક સંધ્યામાં યોજાયેલા ભવ્ય લોકડાયરામાં કિરીટદાન ગઢવી, અનુભા ગઢવી અને ગોવિંદદાન ગઢવી સહિતના જાણીતા કલાકારોએ લોકસંગીતની રમઝટ બોલાવી હતી. કિરીટદાન ગઢવીએ ઝવેરચંદ મેઘાણીની 'ચારણકન્યા' અને 'શિવ તાંડવ' ની રજૂઆતથી વાતાવરણ ગુંજવી મૂક્યું હતું. મનોરંજન સાથે કલાકારોએ મંચ પરથી સ્વચ્છતા અભિયાન અને શિક્ષણ જેવા જનજાગૃતિના મુદ્દાઓ પર પણ ભાર મૂક્યો હતો. પશુ પ્રદર્શન અને સ્પર્ધાઓ મુખ્ય આકર્ષણ મેળામાં રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા પશુ પ્રદર્શન અને હરિફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કાંકરેજ, ગીર ગાયો અને બન્ની ભેંસો સહિત ઉત્કૃષ્ટ ઓલાદના પશુઓ પ્રદર્શિત કરાયા હતા. આ ઉપરાંત યોજાયેલી નાળિયેર ફેંક સ્પર્ધામાં ચોટીલાના ગુદા ગામનો યુવાન ભનુભાઈ રામજીભાઈ સતત વિજેતા બન્યો હતો. થાનગઢના વાલાભાઈએ ત્રણ પેઢીની પરંપરા જાળવીને કલાત્મક છત્રી શણગાર સ્પર્ધામાં આકર્ષણ જમાવ્યું હતું. નેટવર્કની સમસ્યા વચ્ચે વેપાર અને સંસ્કૃતિનો સંગમ જગવિખ્યાત તરણેતરનો મેળો સ્થાનિક વેપારીઓ, કારીગરો અને પશુપાલકો માટે આર્થિક ઉપાર્જનનું મોટું કેન્દ્ર બન્યો છે. જોકે મેળાના સ્થળે ઇન્ટરનેટ અને મોબાઇલ નેટવર્કના ધાંધિયા સર્જાતા દેશ-વિદેશથી આવેલા પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓમાં રોષ જોવા મળ્યો હતો. આમ છતાં, ભક્તિ, ગ્રામીણ રમતો અને લોકસંસ્કૃતિના આ પાવન સંગમે હજારો સહેલાણીઓને મંત્રમુગ્ધ કર્યા હતા.
Read full article on Divya Bhaskar