top
‘કપડાં ફાડ્યા, લોહી વહેવા લાગ્યું..’ પોર્ન સ્ટાર બાદ વધુ એક સેલિબ્રિટીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર લગાવ્યો બળાત્કારનો આરોપ
Donald Trump controversy: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર એક મોટા વિવાદમાં ઘેરાયા છે. યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ડેમોક્રેટિક પાર્ટી દ્વારા એક નવો રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે, જેમાં ટ્રમ્પ પર જાતીય હુમલાના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. આ રિપોર્ટ મુજબ, પૂર્વ મિસ સ્વિટ્ઝર્લૅન્ડ અને મોડેલ બીટ્રિસ કેઉલે દાવો કર્યો છે કે નવેમ્બર 1993માં ટ્રમ્પે તેમના પર બળાત્કાર ગુજાર્યો હતો. અગાઉ 2024માં બીટ્રિસે માત્ર દુર્વ્યવહાર અને બળજબરીથી સ્પર્શ કરવાના આક્ષેપો કર્યા હતા, પરંતુ હવે તેમણે આ ઘટનાને બળાત્કાર ગણાવી છે. આ 53 પાનાના રિપોર્ટમાં ટ્રમ્પ અને કુખ્યાત જાતીય ગુનેગાર જેફરી એપસ્ટેઇન વચ્ચેના કથિત સંબંધોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બીજી તરફ, વ્હાઇટ હાઉસે આ તમામ આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે અને તેને રાજકીય ષડયંત્ર ગણાવ્યું છે. વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ જણાવ્યું છે કે આ ડેમોક્રેટ્સનો રાષ્ટ્રપતિની ઐતિહાસિક સિદ્ધિઓથી જનતાનું ધ્યાન હટાવવાનો નિરાશાજનક પ્રયાસ છે. ડેમોક્રેટિક પાર્ટીના રિપોર્ટમાં કરાયેલા મુખ્ય દાવાઓ યુએસ હાઉસ જ્યુડિશિયરી કમિટીના ડેમોક્રેટ્સે તેમના રિપોર્ટમાં ડોનાલ્ડ ટ્રમ્પ પર જાતીય શોષણના આરોપોને ફરીથી ઉઠાવ્યા છે. નોંધનીય છે કે ટ્રમ્પ એક સમયે જેફરી એપ્સ્ટેઇનના નજીકના મિત્ર હતા, જેનું 2019માં સગીરોના સેક્સ ટ્રાફિકિંગના આરોપમાં કસ્ટડીમાં મૃત્યુ થયું હતું. આ મૃત્યુને સત્તાવાર રીતે આત્મહત્યા ગણાવવામાં આવી હતી. આ રિપોર્ટમાં પૂર્વ મિસ સ્વિટ્ઝર્લૅન્ડ બીટ્રિસ કેઉલની મુલાકાતનો વિગતવાર ઉલ્લેખ છે. બીટ્રિસના જણાવ્યા અનુસાર, જ્યારે તેઓ 23-24 વર્ષના હતા ત્યારે ટ્રમ્પને ન્યૂ યોર્કની પ્લાઝા હોટેલમાં એક સ્પર્ધા દરમિયાન મળ્યા હતા. તે સમયે આ હોટેલ ટ્રમ્પની માલિકીની હતી. બીટ્રિસનો આરોપ છે કે ટ્રમ્પે તેમને કહ્યું હતું કે, "હું તમારી સંભાળ રાખીશ," અને અમેરિકાના વિઝા તેમજ ન્યૂ યોર્ક યુનિવર્સિટીમાં પ્રવેશ અપાવવાનું વચન પણ આપ્યું હતું. બાદમાં જેફરી એપ્સ્ટેઇને પણ તેમનો સંપર્ક કરી માર-એ-લાગો ખાતે એક પાર્ટીમાં આમંત્રણ આપ્યું હતું. રિપોર્ટમાં એવો ચોંકાવનારો દાવો કરાયો છે કે ટ્રમ્પના એક પ્રતિનિધિએ બીટ્રિસને એટલાન્ટિક સિટીની ટ્રમ્પ પ્લાઝા હોટેલમાં ઉપરના માળે એક બેઠક માટે બોલાવ્યા હતા. બીટ્રિસનો આરોપ છે કે રૂમમાં પ્રવેશતા જ ટ્રમ્પે તેમને પકડી લીધા અને તેમની સાથે ક્રૂર રીતે બળાત્કાર ગુજાર્યો. આ હુમલા દરમિયાન તેમના કપડાં ફાટી ગયા હતા અને તેમને ઇજાઓ થવાથી લોહી પણ વહેવા લાગ્યું હતું. ડેમોક્રેટ્સે ન્યાય વિભાગ પર લગાવ્યા છાવરવાના આરોપ ડોનાલ્ડ ટ્રમ્પે હંમેશાં એવો બચાવ કર્યો છે કે એપ્સ્ટેઇન કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં ફસાયો તે પહેલાં જ તેમણે તેની સાથેની મિત્રતા તોડી નાખી હતી. જોકે, ડેમોક્રેટ્સનું કહેવું છે કે બીટ્રિસનું આ નિવેદન ટ્રમ્પ સામે અગાઉ લાગેલા અન્ય જાતીય હુમલાના આરોપો સાથે સુસંગત છે. હાઉસ જ્યુડિશિયરી કમિટીના ડેમોક્રેટિક સેનેટર જેમી રાસ્કિને તો સીધો અમેરિકાના ન્યાય વિભાગ (DOJ) પર જ રાષ્ટ્રપતિના ગુનાઓ છુપાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, "ઓછામાં ઓછી 5 મહિલાઓએ ટ્રમ્પ પર એપ્સ્ટેઇન દ્વારા અથવા તેમની હાજરીમાં બળાત્કારનો સીધો આરોપ લગાવ્યો છે." ડેમોક્રેટ્સે એટર્ની જનરલ પાસે માંગ કરી છે કે આ કેસની નિષ્પક્ષ તપાસ માટે એક ખાસ તપાસકર્તાની નિમણૂક કરવામાં આવે. તેમનો દાવો છે કે હાલમાં ન્યાય વિભાગ અને એફબીઆઈ ન્યાય આપવાને બદલે માત્ર ટ્રમ્પને બચાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. જોકે, ડેમોક્રેટ્સે એવો કટાક્ષ પણ કર્યો હતો કે ન્યાય વિભાગ તરફથી કોઈ નિષ્પક્ષ કાર્યવાહીની અપેક્ષા રાખવી અશક્ય છે, કારણ કે ન્યાય વિભાગના વડા ટોડ બ્લેન્ચ અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પના અંગત વકીલ તરીકે સેવા આપી ચૂક્યા છે.
Read full article on Abp News