crime
સગીરાનું અપહરણ કરનાર આરોપી મહારાષ્ટ્રના નાલા સોપારાથી ઝડપાયો:વડોદરામાંથી લગ્નની લાલચ આપીને લઈ ગયો હતો, બાળકીને સુરક્ષિત મુક્ત કરાવાઈ
વડોદરાના લક્ષ્મીપુરા પોલીસ મથકની હદમાં આવતા સમતા વિસ્તારમાંથી ગત 20 સપ્ટેમ્બરે એક સગીરાને લગ્નની લાલચ આપી યુવક ભગાડી ગયો હતો. આ અંગે સગીરાના પરિવારજનોએ લક્ષ્મીપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અપહરણ કરાયેલી સગીરાને લક્ષ્મીપુરા પોલીસ ટીમે મહારાષ્ટ્રના નાલા સોપારા (વસઈ) ખાતેથી શોધી કાઢીને આરોપીને ઝડપી પાડ્યો છે. અપહ્યુત સગીરાને શોધવા PIએ કમાન સંભાળી શહેરના સમતા વિસ્તારમાંથી તા. 20 સપ્ટેમ્બરના રોજ એક અજાણ્યો ઈસમ સગીર બાળકીનું અપહરણ કરી ગયો હતો. આ અંગે તા. 21 સપ્ટેમ્બરના રોજ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને પી.આઈ. જી.ડી. રાજપૂતે તપાસ જાતે સંભાળી હતી અને તમામ પાસાઓની ચકાસણી હાથ ધરી હતી. ઉચ્ચ અધિકારીઓના માગર્દર્શન હેઠળ લક્ષ્મીપુરા પોલીસ મથકની સ્ટાફ સગીરાની શોધખોળમાં લાગી ગયો હતો. સીસીટીવી તેમજ હ્યુમન સોર્સિસના આધારે તપાસ બાળકીને વહેલી તકે શોધી કાઢવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન સોર્સિસ આધારે તપાસ શરૂ કરી હતી. સાથોસાથ રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોમાં મેસેજ વહેતો કરવામાં આવ્યો હતો. બાળકીના ફોટોગ્રાફ્સ, પોલીસ સ્ટેશન અને ફરિયાદીના મોબાઈલ નંબર સાથેના પોસ્ટરો બનાવીને પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધ કરાયા હતા તથા જાહેર સ્થળોએ પણ લગાવવામાં આવ્યા હતા. ફરિયાદીને સાથે રાખીને બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, સિટી બસ સ્ટેન્ડ, બગીચા, મોલ અને ખાણીપીણીના સ્થળો પર સતત સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વડોદરા પોલીસ મહારાષ્ટ્ર પહોંચી, સગીરાને મુક્ત કરાવી આરોપીને દબોચ્યો દરમિયાન, પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે અંકુલ યાદવ નામનો ઈસમ બાળકીને લગ્ન કરવાના ઈરાદે અપહરણ કરી મહારાષ્ટ્રના વસઈ સ્થિત નાલા સોપારા વિસ્તારમાં રોકાયેલો છે. આ માહિતીના આધારે લક્ષ્મીપુરા પોલીસની ટીમે તાત્કાલિક મહારાષ્ટ્ર પહોંચી દરોડો પાડ્યો હતો અને સગીર બાળકીને સુરક્ષિત મુક્ત કરાવી આરોપી અંકુલ યાદવને કબ્જે લીધો હતો. હાલ પોલીસે બાળકીનો કબ્જો મેળવી આરોપી સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar