top
ઇજનેરોને સસ્પેન્ડ કરવા અંગે સિટી ઈજનેરનો બચાવ:રાજકોટ મનપા કમિશનરની નોટિસનો યોગ્ય જવાબ આપીશું, માનવસહજ ભૂલો થતી હોય છે, ઇજનેરોને પોતાની વાત રજૂ કરવાનો હક્ક
રાજકોટના નવા રિંગરોડ પર નિર્માણાધીન 3 બ્રિજની કામગીરી સંદર્ભે આરએમસી મ્યુનિસિપલ કમિશનર દ્વારા લેવાયેલા કડક પગલાં સામે નવો વિવાદ સર્જાયો છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા અધિકારીઓને શો કોઝ નોટિસ આપવા અને સસ્પેન્ડ કરવાના નિર્ણય સામે આરએમસી ઈજનેર એસોસિએશન દ્વારા રોષ તેમજ નારાજગી વ્યક્ત કરીને અગાઉ મનપા કમિશનરને પણ રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે આજે આ મામલે સિટી ઇજનેરે પ્રતિક્રિયા આપી હતી. આ મામલે આરએમસી વેસ્ટ ઝોનના સિટી ઈજનેર કુંતેશ મહેતાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, બ્રિજના કામ સંદર્ભે નોટિસ મળેલ છે અને તેનો યોગ્ય જવાબ આપવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે કામગીરી દરમિયાન કેટલીક માનવ સહજ ભૂલો થતી હોય છે, જેને ધ્યાને રાખીને જે ઈજનેરો સામે કાર્યવાહી કરવામાં આવી છે તેનો સત્તાવાર ખુલાસો રજૂ કરાશે. કર્મચારીઓ અને ઈજનેરોને પણ પોતાનો પક્ષ અને વાત રાખવાનો પૂરો અધિકાર છે. હાલ નિયમ મુજબ પ્રક્રિયા ચાલી રહી છે અને જે પણ અધિકારીઓને નોટિસ મળી છે તેઓ નિયમાનુસાર જવાબ આપશે. કોટેચા ચોક સહિત રાજકોટના 7 સ્થળોએ મુકાશે નવા ટ્રાફિક સિગ્નલ, દિવાળી સુધીમાં કાર્યરત થવાની શક્યતા રાજકોટમાં ટ્રાફિક વ્યવસ્થા વધુ સુચારુ અને અસરકારક બનાવવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે શહેરના કોટેચા ચોક સહિત કુલ 7 મહત્ત્વના સ્થળોએ નવા ટ્રાફિક સિગ્નલ મૂકવાનો આયોજન કરાયું છે. આ કામગીરી મહાનગરપાલિકાની આઈટી બ્રાન્ચ, ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ બ્રાન્ચ તથા રોશની બ્રાન્ચના સંયુક્ત ઉપક્રમે શરૂ કરવામાં આવી છે. હાલમાં વિવિધ સ્થળો ઉપર સિગ્નલ માટેના પોલ ઈન્સ્ટોલ કરવાની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. નવા ટ્રાફિક સિગ્નલ માટે પસંદ કરવામાં આવેલા સ્થળોમાં કોટેચા ચોક, કોર્પોરેશન ચોક, નાણાવટી ચોક, ભૂતખાના ચોક, કિસાનપરા ચોક તથા કુવાડવા રોડ પર આવેલા ડી-માર્ટ ચોકનો સમાવેશ થાય છે. મહાનગરપાલિકા દ્વારા આ તમામ કામગીરી ઝડપથી પૂર્ણ કરીને દિવાળી સુધીમાં સાતેય નવા ટ્રાફિક સિગ્નલને પૂર્ણપણે કાર્યરત કરી દેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ નવા સિગ્નલ શરૂ થતાં જ સંબંધિત વિસ્તારોમાં વાહન વ્યવહારનું નિયમન વધુ સુદ્રઢ બનશે અને લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી મોટી રાહત મળશે. સામાકાંઠા વિસ્તારમાં નિર્માણાધીન MRF સેન્ટરની સ્થળ મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું રાજકોટ મહાપાલિકા દ્વારા શહેરમાં કચરા વ્યવસ્થાપન તેમજ તેના વૈજ્ઞાનિક ઢબે વર્ગીકરણ અને પ્રક્રિયાને વધુ સુદૃઢ બનાવવાના ભાગરૂપે વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેના અંતર્ગત સામા કાંઠા વિસ્તારમાં કે.એસ.ડીઝલ ખાતે નિર્માણાધીન MRF (Material Recovery Facility) સેન્ટરની સેનિટેશન સમિતિના ચેરમેન કિર્તીબા રાણાએ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન કિર્તીબા રાણાએ નિર્માણાધીન MRF સેન્ટરનું સ્થળ પર સુપરવિઝન કરી કામગીરીનું વિગતવાર નિરીક્ષણ કર્યું હતું. સેન્ટરની કામગીરી, આયોજન તથા કચરા વ્યવસ્થાપનને વધુ અસરકારક બનાવવાના હેતુથી કરવામાં આવી રહેલી વ્યવસ્થાઓ અંગે સંબંધિત અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સ્થળ નિરીક્ષણ દરમિયાન પર્યાવરણ ઇજનેર પ્રજેશ સોલંકી સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત અધિકારીઓ સાથે સ્થળ પર ચાલી રહેલી કામગીરી અંગે જરૂરી ચર્ચા-વિચારણા કરી આગામી તબક્કાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા અંગે સમીક્ષા કરવામાં આવી હતી. રાજકોટ મનપાના ચોપડે રોગચાળો કાબૂમાં, સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની ભીડ રાજકોટમાં મિશ્ર વાતાવરણ વચ્ચે શહેરમાં રોગચાળાના કુલ 1511 કેસ નોંધાયા છે, જેમાં શરદી-ઉધરસના 674, સામાન્ય તાવના 633, ઝાડા-ઉલટીના 198, ટાઇફોઇડના 3, ડેંગ્યુના 2 અને કમળાનો 1 કેસ સામે આવ્યો છે. શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. રોગચાળાને નિયંત્રણમાં લેવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ધનિષ્ઠ કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં 7/09/2026થી 13/09/2026 દરમિયાન પોરાનાશક કામગીરી હેઠળ 86030 ઘરોમાં તપાસ, 614 ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું છે. મચ્છર ઉત્પત્તિ સબબ રહેણાંકમાં 251 અને કોમર્શિયલ 71 આસામીઓને નોટીસ પાઠવવામાં આવી છે. આ ઉપરાંત, 2,75,773 વસ્તીનો સર્વે કરી 6,202 ક્લોરીન ટેબ્લેટ, 1122 ઓ.આર.એસ. પેકેટનું વિતરણ અને 2,796 ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા છે.
Read full article on Divya Bhaskar