crime
મોરબીમાં ઘાસ વેચતી મહિલા પાસેથી પૈસા પડાવ્યાનો આક્ષેપ:વિડીયો સામે આવ્યા બાદ મહાપાલિકાના રોજમદાર કર્મચારીને રજા પર ઉતારાયા, પુરાવા મળ્યે ACB ફરિયાદ કરશે
મોરબીના ત્રાજપર વિસ્તારમાં રોડ સાઈડ પર ઘાસનો વેપાર કરતી ભાવનાબેન નામની મહિલાએ મહાપાલિકાના રોજમદાર કર્મચારી દ્વારા તેની પાસેથી અવારનવાર રૂપિયા ઉઘરાવવામાં આવતા હોવાનો આક્ષેપ કરતો વિડીયો સામે આવ્યો હતો. મહિલાના જણાવ્યા મુજબ, તેની પાસેથી 100, 200 અને 500 રૂપિયા લેવામાં આવતા હતા. આ મામલે રજૂઆત કરવા માટે તે મોરબી મહાપાલિકા કચેરીએ પહોંચી હતી, જ્યાં તેને ‘કાનાભાઈ’ પાસે જવાનું કહેવામાં આવ્યું હોવાનું પણ મહિલાએ જણાવ્યું હતું. મંત્રી કાંતિ અમૃતિયા મહિલાને મળવા પહોંચ્યા વિડીયો સામે આવ્યા બાદ બીજા જ દિવસે મોરબીના ધારાસભ્ય તથા રાજ્યના મંત્રી કાંતિ અમૃતિયા મહિલાની મુલાકાત લેવા તે જ્યાં ઘાસનો વેપાર કરતી હતી ત્યાં પહોંચ્યા હતા. મંત્રીએ સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને મહાપાલિકા કમિશનરને સૂચના આપી હતી કે, જો મહિલાની પાસેથી ગેરકાયદેસર રીતે રૂપિયા લેવામાં આવ્યા હોય તો તે પરત અપાવવામાં આવે અને રૂપિયા ઉઘરાવનાર કર્મચારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. કમિશનરે કર્મચારીને રજા પર ઉતાર્યો મહિલાના આક્ષેપ બાદ મોરબી મહાપાલિકા કમિશનર સંગીતા રૈયાણીએ સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. આક્ષેપ જે કર્મચારી આનંદભાઈ મકવાણા સામે કરવામાં આવ્યો છે, તેને બોલાવીને પૂછપરછ કરવામાં આવી હતી. જોકે, આનંદભાઈ મકવાણાએ મહિલાની પાસેથી કોઈપણ પ્રકારના રૂપિયા લીધા હોવાનો ઈનકાર કર્યો હતો. દબાણ બદલ ઈ-ચલણ કરાયું હોવાના પુરાવા રજૂ કર્યા કમિશનરના જણાવ્યા મુજબ, મહિલા રોડ સાઈડ પર ગેરકાયદેસર દબાણ કરીને ઘાસનો વેપાર કરતી હોવાથી અગાઉ ઈ-ચલણ મારફતે દંડ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી અંગેના પુરાવા પણ સંબંધિત કર્મચારી દ્વારા રજૂ કરવામાં આવ્યા હોવાનું કમિશનરે જણાવ્યું હતું. પુરાવા મળશે તો ACB ફરિયાદ કરવાની ખાતરી જોકે, કર્મચારી સામે ગંભીર આક્ષેપો થયા હોવાથી મહાપાલિકા કમિશનરે આનંદભાઈ મકવાણાને હાલ રજા પર ઉતારી દીધા છે. કમિશનરે જણાવ્યું હતું કે, અગાઉ પાલિકા સમયે પણ તેમની સામે ડીઝલ ચોરીનો આક્ષેપ થયો હતો અને કાર્યવાહી કરવામાં આવી હતી. હાલ મહિલાએ કરેલા આક્ષેપ અંગે જો કોઈ પુરાવા મળશે તો પોલીસ સાથે સંકલન કરીને રોજમદાર કર્મચારી સામે ACBમાં ફરિયાદ કરવામાં આવશે. ગેરકાયદે ઉઘરાણી અંગે જાણ કરવા અપીલ મહાપાલિકા કમિશનરે લોકોને અપીલ કરી છે કે, મહાપાલિકાના કોઈપણ વિભાગના અધિકારી કે કર્મચારી દ્વારા કોઈપણ સ્થળેથી ગેરકાયદે રૂપિયા લેવામાં આવતા હોય અથવા ઉઘરાણી કરવામાં આવતી હોય તો તેની જાણ તાત્કાલિક મહાપાલિકાને કરવામાં આવે.
Read full article on Divya Bhaskar