politics
મહેસાણા એલસીબી દ્વારા પશુ ચોર ગેંગ સામે કાર્યવાહી:જિલ્લામાં પ્રથમ વખત પશુ ચોરો સામે પાસા; ત્રણેય આરોપીને અલગ-અલગ જેલમાં ધકેલાયા; અસામાજિક તત્વોમાં ફફડાટ
મહેસાણા જિલ્લા સહિત આસપાસના વિસ્તારોમાં ખેડૂતો અને પશુપાલકોની ભેંસોની ચોરી કરી કતલખાને વેચી મારતી શાતિર ગેંગ સામે મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે કડક કાર્યવાહી કરી છે. પશુ ચોરીના ગુનાઓમાં સંકળાયેલા ગુનેગારો સામે પ્રથમવાર પાસા હેઠળ અટકાયતી પગલાં ભરીને જેલભેગા કરવામાં આવ્યા છે. એલસીબીના પોલીસ ઇન્સપેક્ટર એ. એમ. કામળીયા અને તેમની ટીમે મોઢેરા વિસ્તારની આ ગેંગના ત્રણ સભ્યો સામે પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા વોરંટ ઇશ્યૂ કરાતાં ત્રણેય આરોપીઓની અટકાયત કરી અલગ-અલગ મધ્યસ્થ જેલમાં મોકલી અપાયા છે. શાતિર પશુ ચોરો સામે પાસા દરખાસ્ત મંજૂર થઈ મોઢેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતી અને પશુ ચોરી કરતી ગેંગ સામે એલસીબીએ પાસાની દરખાસ્ત તૈયાર કરીને જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલી આપી હતી. અમદાવાદના આરોપીને રાજકોટ મધ્યસ્થ જેલ મોકલાયો જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશ બાદ આરોપી મુબારક હારૂનભાઈ અમીરભાઈ કુરેશીની અટકાયત કરીને તેમને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. બીજા આરોપીની અટકાયત કરી ભાવનગર જેલ મોકલાયો અન્ય આરોપી રહેમુદ્દીન ઉર્ફે રહેમાન ગુલામભાઈ અબ્દુલભાઈ ધાંચીની અટકાયત કરીને તેમને ભાવનગર મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. ત્રીજા આરોપીને ભુજ મધ્યસ્થ જેલમાં ધકેલાયો ગેંગના ત્રીજા આરોપી આમીનઅલી ઉર્ફે હારૂન ઈબ્રાહીમમીયાં સૈયદની અટકાયત કરીને તેમને કચ્છ-ભુજ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. પોલીસની કામગીરીથી ખેડૂતો અને પશુપાલકોમાં ખુશી પોલીસની આ કડક અને અભૂતપૂર્વ કાર્યવાહીથી મહેસાણા જિલ્લાના પશુપાલકો અને ખેડૂતોમાં રાહતની લાગણી જોવા મળી છે તથા પશુ ચોરી કરતા અસામાજિક તત્વોમાં ભારે ફાળ પડી છે.
Read full article on Divya Bhaskar