crime
લવાલ ગામે મહિપતસિંહ ચૌહાણના પુત્ર પર 9 શખસોનો હુમલો:લોખંડનો પાઈપ મારી માથું ફોડી નાખ્યું, મહિપતસિંહના ભાઈ અને પુત્રના મિત્રને પણ માર્યા; રિલ્સ અપલોડ કરવા મુદ્દે ડખ્ખો
ખેડા જિલ્લાના માતર તાલુકાના લવાલ ગામે સોશિયલ મીડિયા પર સમાજસેવાની પ્રવૃત્તિઓની રિલ્સ અપલોડ કરવા મુદ્દે અદાવત રાખી મહિપતસિંહ ચૌહાણના પુત્ર ક્રિષ્નપાલસિંહ ચૌહાણ પર 9 શખસોએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. ગામના ગેટ પાસે ઊભેલા ક્રિષ્નપાલસિંહને લોખંડની પાઇપ વડે માથામાં ફટકો મારી ગંભીર ઇજા પહોંચાડવામાં આવી હતી. આ ઉપરાંત તેનાના કાકા અને મિત્રને પણ માર મારવામાં આવ્યો હતો. આ મામલે માતર પોલીસ મથકે લવાલ ગામના જ 9 શખસો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. દિવ્યભાસ્કરે મહિપતસિંહ ચૌહાણનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો અને આ ઘટના પાછળનું સાચું કારણ જાણવા પ્રયાસ કર્યો હતો, જો કે તેમણે ઘટના અંગે કોઈપણ પ્રતિક્રિયા આપી ન હતી. તેમના પુત્રને હોસ્પિટલમાંથી રજા આપી દીધી છે, પણ ક્યાં રાખવામાં આવ્યાં છે તેની કોઈ જાણકારી મળી નથી. સમાજસેવાની રિલ્સ અપલોડ કરવા મુદ્દે અદાવત મહિપતસિંહ ચૌહાણનો પુત્ર ક્રિષ્નપાલસિંહ તેના પિતા દ્વારા સંચાલિત મહિપતસિંહ ફાઉન્ડેશનના વૃદ્ધાશ્રમ, દિવ્યાંગ ટેકો આશ્રમ તથા શિક્ષણ સંકુલની સમાજસેવાકીય પ્રવૃત્તિઓના વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કરતો હતો. આ બાબત ગામના કેટલાક શખસોને પસંદ ન હોવાથી તેઓ અવારનવાર રિલ્સ અપલોડ કરવા મુદ્દે બોલાચાલી અને ઝઘડો કરતા હતા. લોખંડનો પાઈપ મારી માથું ફોડી નાખ્યું રવિવારે રાત્રે ક્રિષ્નપાલસિંહ જમીને ગામના ગેટ પાસે ઊભો હતો ત્યારે મહાવીરસિંહ કિશોરસિંહ ચૌહાણ સહિતના નવ શખસો ત્યાં આવી પહોંચ્યા હતા. તેમણે સમાજસેવાની રિલ્સ કેમ અપલોડ કરે છે તેમ કહી ગાળો આપવાનું શરૂ કર્યું હતું. ક્રિષ્નપાલસિંહે ગાળો બોલવાની ના પાડતાં મહાવીરસિંહે લોખંડની પાઇપથી તેના માથામાં જમણી બાજુ ફટકો માર્યો હતો, જેથી માથામાં ગંભીર ઇજા થતાં લોહી વહેવા લાગ્યું હતું. ત્યારબાદ અન્ય આરોપીઓએ પણ ભેગા મળી ક્રિષ્નપાલસિંહને ગડદાપાટુનો માર માર્યો હતો. કાકા અને મિત્રને પણ માર માર્યો ક્રિષ્નપાલસિંહની બૂમાબૂમ સાંભળીને તેના કાકા મુકેશકુમાર સરદારસિંહ ચૌહાણ અને મિત્ર રાજવીરસિંહ હિતેશસિંહ ચૌહાણ વચ્ચે પડતાં આરોપીઓએ તેમને પણ ગાળો આપી માર માર્યો હતો. આસપાસના લોકો ભેગા થઈ જતાં ક્રિષ્નપાલસિંહને વધુ મારમાંથી છોડાવવામાં આવ્યો હતો. જોકે, જતા સમયે આરોપીઓએ હવે પછી તેમનું નામ લીધું તો જીવતો નહીં છોડીએ તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. લવાલ ગામે રહેતા આ 9 આરોપીઓ સામે માતર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ માથામાંથી સતત લોહી વહેતું હોવાથી ક્રિષ્નપાલસિંહે ફાઉન્ડેશનની એમ્બ્યુલન્સના ડ્રાઇવરને ફોન કર્યો હતો. ત્યારબાદ કાકા અને મિત્ર તેને તાત્કાલિક ખેડાની વેદ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયા હતા. હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા ક્રિષ્નપાલસિંહની ફરિયાદના આધારે માતર પોલીસે મહાવીરસિંહ કિશોરસિંહ ચૌહાણ સહિત નવ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. મહિપતસિંહ ચૌહાણ ફાઉન્ડેશન થકી વિવિધ સેવાકીય કાર્યો મહિપતસિંહ ચૌહાણ ગુજરાતના ખેડા જિલ્લાના લવાલ ગામના વતની, સામાજિક કાર્યકર અને મહિપતસિંહ ચૌહાણ ફાઉન્ડેશનના સ્થાપક છે. તેઓ 'માહી સરપંચ'ના હુલામણા નામથી પણ ઓળખાય છે. તેઓ વર્ષ 2017માં લવાલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ તરીકે ચૂંટાયા હતા. વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેમણે આમ આદમી પાર્ટીમાંથી માતર અને ખંભાત બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. શ્રમિકોના પગાર, અધિકારો અને જરૂરિયાતમંદ લોકોના પ્રશ્નોને લઈને તેમણે વિવિધ રજૂઆતો અને આંદોલનો કર્યા છે. મહિપતસિંહ ચૌહાણ ફાઉન્ડેશન દ્વારા તેઓ વૃદ્ધાશ્રમ, શૈક્ષણિક સંકુલ અને અનાથ દીકરીઓના સમૂહ લગ્ન જેવી પ્રવૃત્તિઓ ચલાવે છે. અનાથ અને જરૂરિયાતમંદ બાળકોના શિક્ષણ, રહેવા તથા ભોજનની વ્યવસ્થા પણ કરેલી છે. માર્ચ 2026માં તેમના દ્વારા 101 માતા-પિતા વિહોણી દીકરીઓના સમૂહ લગ્ન યોજવામાં આવ્યા હતા. મહિપતસિંહ ચૌહાણ અને જયેશ રાઠોડનો તાજેતરનો વિવાદ ગત ઓગસ્ટ અને ચાલું સપ્ટેમ્બર મહિનામાં મહિપતસિંહ ચૌહાણ અને જયેશ રાઠોડ નામના વ્યક્તિ વચ્ચે સોશિયલ મીડિયા પર ભારે શાબ્દિક યુદ્ધ અને આક્ષેપબાજી જોવા મળી હતી. જયેશ રાઠોડ અને અન્ય વિરોધ કરનારાઓ દ્વારા મહિપતસિંહની કમાણી, તેમની 50 લાખની ગાડી અને કરોડોની સંપત્તિ તેમજ ફાઉન્ડેશનની કામગીરી સામે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર પોપટ આહીર અને મહિપતસિંહ સામે 1.60 કરોડની છેતરપિંડીના આક્ષેપો અંગે દિલીપ પટેલ (મામા) નામના વ્યક્તિ સાથે જોડીને પણ અફવાઓ અને વાતો વહેતી થઈ હતી. આ અંગે મહિપતસિંહે વિડિયો જાહેર કરીને તમામ આક્ષેપો નકારી કાઢ્યા હતા અને તેને પોતાની બદનામી કરવાનું ષડયંત્ર ગણાવ્યું હતું.થોડા દિવસો પહેલા જ આ વિવાદનો અંત આવ્યો હતો, જેમાં જયેશ રાઠોડે માફી માંગી હતી અને બંને પક્ષો વચ્ચે સુખદ સમાધાન થઈ ગયું હતું.
Read full article on Divya Bhaskar