business
કચ્છ-બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં રોડ કનેક્ટિવિટી વધુ મજબૂત થશે:692 કરોડના કામોને મંજૂરી, કચ્છના 3 માર્ગ 7 મીટરમાંથી 10 મીટર પહોળા થશે, બનાસકાંઠામાં 10 મીટરનો રોડ ફોરલેન કરાશે
રાજ્યના સરહદી જિલ્લાઓમાં રોડ કનેક્ટિવિટી વધુ સુદૃઢ બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હાઈ સ્પીડ કોરિડોર અંતર્ગત કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં ધોરીમાર્ગોને પહોળા અને ફોરલેન કરવાની કામગીરી માટે કુલ 692 કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી સરહદી અને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોને સલામત અને સુવિધાયુક્ત રોડ કનેક્ટિવિટી મળવાની સાથે ઔદ્યોગિક અને વાણિજ્યિક પરિવહનને પણ વેગ મળશે. કચ્છના 3 માર્ગો માટે 363 કરોડ કચ્છ જિલ્લામાં હાઈ સ્પીડ કોરિડોર અંતર્ગત પાન્ધ્રો-નારાયણ સરોવર રોડ, લખપત-નારાયણ સરોવર રોડ અને દયાપર-સુભાષપર-પાન્ધ્રો રોડને 7 મીટરમાંથી 10 મીટર પહોળા કરવામાં આવશે. આ ત્રણેય માર્ગોના પહોળીકરણ અને સુદૃઢીકરણ માટે કુલ 363 કરોડ રૂપિયાના કામો મંજૂર કરાયા છે. આ માર્ગો કચ્છના વિવિધ તાલુકાઓ અને સરહદી વિસ્તારોને જોડતા હોવાથી સ્થાનિક લોકો માટે મહત્વપૂર્ણ છે. માર્ગો પહોળા થવાથી વાહનચાલકોને વધુ સુરક્ષિત અને સરળ અવરજવર મળી રહેશે. બનાસકાંઠામાં 229 કરોડના ખર્ચે ફોરલેન ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં શિહોરી-પાટણ રોડને હાલના 10 મીટરમાંથી વધુ પહોળો કરીને ફોરલેન બનાવવામાં આવશે. આ કામગીરી માટે રાજ્ય સરકારે 229 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આ માર્ગ બનાસકાંઠા અને આસપાસના વિસ્તારો માટે મહત્વપૂર્ણ કનેક્ટિવિટી રૂટ હોવાથી ફોરલેન થયા બાદ ટ્રાફિકની અવરજવર વધુ સરળ બનશે. ભારે વાહનોની અવરજવરમાં પણ સરળતા કચ્છ અને બનાસકાંઠાના આ માર્ગો આસપાસના તાલુકાઓને એકબીજા સાથે જોડતા હોવાથી માર્ગોનું પહોળીકરણ સ્થાનિક વિકાસ માટે મહત્વનું સાબિત થશે. 10 મીટર પહોળા અને ફોરલેન રસ્તાઓના નિર્માણથી નાના-મોટા ઉદ્યોગો તથા વાણિજ્યિક વિસ્તારોમાં અવરજવર કરતા ભારે વાહનોને વધુ ઝડપથી અને સુરક્ષિત રીતે પસાર થવામાં મદદ મળશે. સાથે જ સ્થાનિક ઉદ્યોગો, વેપાર-ધંધા અને કૃષિ પેદાશોના પરિવહનમાં પણ સરળતા આવશે. નારાયણ સરોવર-કોટેશ્વર સુધી પહોંચવું સરળ બનશે કચ્છના માર્ગોના પહોળીકરણ અને સુદૃઢીકરણનો સીધો લાભ પ્રવાસન ક્ષેત્રને પણ મળવાની શક્યતા છે. નારાયણ સરોવર અને કોટેશ્વર જેવા યાત્રાધામો તેમજ આસપાસના પ્રવાસન સ્થળો સુધી પહોંચવું વધુ સરળ અને આરામદાયક બનશે. જેના પગલે આ વિસ્તારોમાં પ્રવાસન પ્રવૃત્તિઓને પણ વેગ મળવાની સંભાવના છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણયથી કચ્છ અને બનાસકાંઠા જેવા સરહદી જિલ્લાઓમાં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધુ મજબૂત બનશે અને ગ્રામ્ય નાગરિકો, ઉદ્યોગો, વેપારીઓ તેમજ પ્રવાસીઓને તેનો સીધો લાભ મળશે.
Read full article on Divya Bhaskar