politics
જમીનને લગતી મહત્વની કામગીરી ખોરવાઈ:ગુજરાતમાં જમીન દફતર ખાતાના 2,000 કર્મચારીઓ ગ્રેડ-પેની વિસંગતતા મુદ્દે અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા
ગુજરાતમાં જમીન દફતર ખાતાના કર્મચારીઓ દ્વારા ગ્રેડ-પે માં વધારા અને તેમાં રહેલી વિસંગતતાઓને દૂર કરવાની માગણી સાથે મોરચો માંડવામાં આવ્યો છે. ગત 19મી તારીખે માસ સી.એલ. પર ઉતર્યા બાદ, આજે રાજકોટ સહિત રાજ્યના આશરે 2,000 કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી ગયા છે. આ હડતાલના કારણે જમીનને લગતી મહત્વની કામગીરી જેવી કે માપણી, રી-સર્વે, સીટી સર્વે, ટિપ્પણ અને નકશાની નકલ આપવા સહિતના તમામ કાર્યો સ્થગિત થઈ ગયા છે. કર્મચારીઓ અને સરકાર વચ્ચે ચાલી રહેલી આ ખેંચતાણમાં સામાન્ય નાગરિકો અને ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ટેકનિકલ કામગીરી મુજબ ગ્રેડ-પે સુધારવાની માગણી કર્મચારી હર્ષ ડાભીના જણાવ્યા મુજબ, તેઓ મુખ્યત્વે ટેકનિકલ સાધનો જેવા કે ટોટલ સ્ટેશન, ડીજીપીએસ અને ઓટોકેડનો ઉપયોગ કરીને જમીનની માપણી અને દસ્તાવેજોની જાળવણી કરે છે. આથી તેમની ટેકનિકલ કામગીરી મુજબ ગ્રેડ-પે સુધારવાની માગણી વાજબી છે. વર્ષ 2024માં હડતાલ દરમિયાન સરકારે આ બાબતે આશ્વાસન આપ્યું હતું. જેને દોઢ વર્ષ વીતી જવા છતાં ઉકેલ નહીં આવતા આખરે કર્મચારીઓ દ્વારા અચોક્કસ મુદતની હડતાલનો માર્ગ અપનાવાયો છે. મેટોડા 108 ટીમે કાદવ-કીચડના રસ્તે 500 મીટર દોડીને બળદગાડાની મદદથી માતા-બાળકનો જીવ બચાવ્યો મોટાવડાના વાડી વિસ્તારમાં સવારે 7 કલાકે સગર્ભાને પ્રસૂતિની તીવ્ર પીડા ઉપડતાં 108 એમ્બ્યુલન્સને કોલ કરવામાં આવ્યો હતો. રસ્તો ખરાબ અને કાદવવાળો હોવાથી એમ્બ્યુલન્સ રસ્તામાં જ ફસાઈ ગઈ હતી. તે દરમિયાન ઘરે બાળકનો જન્મ થઈ જતાં પરિસ્થિતિ અત્યંત ગંભીર બની હતી. સમયની નાજુકતા સમજીને EMT વ્યોમા ભીલવાળા અને પાયલટ મહેશભાઈ વઘેરા તબીબી સાધનસામગ્રી સાથે 500 મીટર જેટલું અંતર દોડીને વાડી સુધી પહોંચ્યા હતા. સ્થળ પર પહોંચીને ટીમે નવજાત બાળકને અને માતાને જરૂરી પ્રાથમિક સારવાર આપી હતી. ત્યારબાદ વાહનો જઈ શકે તેમ ન હોવાથી માતા અને બાળકને બળદગાડા મારફતે એમ્બ્યુલન્સ સુધી લાવવામાં આવ્યા હતા. ત્યાંથી બંનેને વધુ સારવાર માટે CHC લોધિકા હોસ્પિટલે સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા હતા. મનપાનાં કામોની સમસ્યાઓ સ્થળ પર ઉકેલાશે, 12માં તબક્કાના ‘સેવા સેતુ’ કેમ્પ યોજાશે રાજકોટ મહાપાલિકા દ્વારા “સેવા સંકલ્પ અભિયાન” હેઠળ વિધાનસભા વાઇઝ કુલ ચાર સ્થળોએ 12મા તબક્કાનો “સેવા સેતુ શહેરી” કાર્યક્રમ યોજાશે. આ કેમ્પમાં નાગરિકોના પ્રશ્નોનો સ્થળ પર નિકાલ કરવામાં આવશે. આ કાર્યક્રમ 24-09-2026ના રોજ વિનોદભાઇ શેઠ કોમ્યુનિટી હોલ (કોઠારીયા રોડ), 25-09-2026ના રોજ સંતશ્રી વેલનાથ કોમ્યુનિટી હોલ (મોરબી રોડ), 28-09-2026ના રોજ રણુજા મંદિર (કોઠારીયા ગામ) અને 01-10-2026ના રોજ કવિશ્રી અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલ (યુનિ. રોડ) ખાતે યોજાશે. આ કેમ્પમાં આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ, રેશન કાર્ડ, આવક અને જાતિના દાખલા, વિવિધ પેન્શન યોજનાઓ, બેંકિંગ તથા મહાનગરપાલિકાની ટેક્સ, પાણી અને ડ્રેનેજ કનેક્શન સંબંધિત સેવાઓ સ્થળ પર જ પૂરી પાડવામાં આવશે. મેયર ડૉ.નેહલ શુક્લ સહિતના પદાધિકારીઓ દ્વારા શહેરીજનોને કેમ્પનો મહત્તમ લાભ લેવા અપીલ કરાઈ છે. રાજકોટમાં મચ્છર અને પાણીજન્ય રોગચાળો વકર્યો, આરોગ્ય વિભાગ સતર્ક રાજકોટ શહેરમાં છેલ્લા અઠવાડિયામાં મચ્છર અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે. જેમાં ડેન્ગ્યુના 3, શરદી-ઉધરસના 782, સામાન્ય તાવના 756 તેમજ ઝાડા-ઉલટીના 201, ટાઈફોઈડના 1 અને કમળાના 2 કેસ નોંધાયા છે, જ્યારે મેલેરિયા અને ચિકનગુનિયાનો કોઈ નવો કેસ સામે આવ્યો નથી. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ડેન્ગ્યુના 29, મેલેરિયાના 10, ચિકનગુનિયાના 1, શરદી-ઉધરસના 29205, સામાન્ય તાવના 27735, ઝાડા-ઉલટીના 10371, ટાઈફોઈડના 36 અને કમળાના 41 કેસ નોંધાયા છે. રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. વાહક નિયંત્રણ હેઠળ 78766 ઘરોમાં પોરાનાશક કામગીરી અને 423 ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, મચ્છર ઉત્પત્તિ સબબ રહેણાંકમાં 220 અને કોમર્શિયલમાં 56 લોકોને નોટિસ આપવામાં આવી છે. પાણીજન્ય રોગચાળાની અટકાયત માટે 1,79,021 વસ્તીનો સર્વે કરી 4,085 ક્લોરીન ટેબ્લેટ અને 743 ઓ.આર.એસ. પેકેટનું વિતરણ કરાયું છે. રેલની સુરક્ષામાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ રાજકોટ રેલવે ડિવિઝનના 6 કર્મચારીઓનું સન્માન પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં રેલ સંરક્ષા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર 6 રેલવેકર્મીઓને ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીના દ્વારા ડીઆરએમ કચેરીના કોન્ફરન્સ રૂમમાં પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઓપરેટિંગ અને વિદ્યુત વિભાગના કર્મચારીઓએ એપ્રિલ, મે અને જૂન 2026 દરમિયાન ફરજ પર અસાધારણ તકેદારી દર્શાવી સંભવિત રેલ અકસ્માતો નિવારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાના જણાવ્યા મુજબ, સન્માનિત કર્મચારીઓમાં અમન કુમાર, હિમસાગર સતસિયા, સીતારામ જી ઘસવા, ગોપાલ સિંહ પરમાર, સંદીપ રાજપૂત અને રવિશ ચંદ્રનો સમાવેશ થાય છે. કર્મચારીઓએ વેગનની ચકાસણી દરમિયાન ક્ષતિઓ પકડવી, ખુલ્લા ઢાંકણ, લટકતા પાર્ટ્સ, નકલ પિન તૂટેલી હોવાની ઓળખ કરવી તેમજ ટ્રેક નજીક લાગેલી આગ અંગે સમયસર જાણ કરી અકસ્માતો અટકાવ્યા હતા. તહેવારોને લઈને વેરાવળ-બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવાયા આગામી તહેવારો દરમિયાન મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા વેરાવળ-બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા મુજબ, ટ્રેન નંબર 09017 બાંદ્રા ટર્મિનસ–વેરાવળ સાપ્તાહિક સ્પેશિયલ દર રવિવારે 04 ઓક્ટોબરથી 29 નવેમ્બર 2026 સુધી કુલ 09 વિશિષ્ટ ફેરા કરશે. સામેપક્ષે ટ્રેન નંબર 09018 વેરાવળ–બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પે. દર સોમવારે 05 ઓક્ટોબરથી 30 નવેમ્બર 2026 સુધી કુલ 09 ફેરા કરશે. આ ટ્રેન સુધારેલા કોચ સંયોજન સાથે દોડશે, જેમાં કુલ 22 ICF કોચ રહેશે. આમાં 03 એસી 3-ટાયર, 15 સ્લીપર ક્લાસ, 02 જનરલ અને 02 SLRD કોચનો સમાવેશ થાય છે. જનરલ અને SLRD કોચ અનારક્ષિત રહેશે. લંબાવેલા ફેરા માટે એડવાન્સ રિઝર્વેશન 23 સપ્ટેમ્બર 2026ના રોજ સવારે 08:00 વાગ્યાથી તમામ PRS સેન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. મનપાના 534માંથી 389 ટીપી પ્લોટમાં ભૂમાફિયાઓનો કબજો, ચોમાસા બાદ ડિમોલિશન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અમલમાં મુકાયેલી 42 નગર રચના યોજનાઓ હેઠળના 1691 અનામત પ્લોટમાંથી 534 પ્લોટ ખાલી છે, જ્યારે 389 પ્લોટ પર દબાણો થયેલા છે. સેન્ટ્રલ ઝોનમાં 68, ઈસ્ટ ઝોનમાં 102 અને વેસ્ટ ઝોનમાં સૌથી વધુ 389 પ્લોટ ઉપર દબાણો ખડકાયેલા છે. જનરલ બોર્ડની બેઠકમાં ભાજપ કોર્પોરેટર મોહિતસિંહ જાડેજા દ્વારા આ પ્રશ્ન ઉઠાવાતા અધિકારીઓ કફોડી હાલતમાં મુકાઈ ગયા હતા. તંત્રની નબળી કામગીરી સામે કોર્પોરેટરોએ ભારે વિરોધ દર્શાવ્યો હતો. અધિકારીઓએ લૂલો બચાવ કરતા જણાવ્યું હતું કે આ દબાણો ટીપી સ્કીમ અમલમાં આવ્યા પહેલાના છે. સમગ્ર મામલે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ ચોમાસા બાદ દબાણો દૂર કરવા માટે ડિમોલિશન હાથ ધરવાની ખાતરી આપી છે.
Read full article on Divya Bhaskar