crime
ઇડરના વીરપુરમાં 108 એમ્બ્યુલન્સમાં સફળ પ્રસૂતિ:કટોકટીની સ્થિતિમાં સમયસર સારવાર મળતા માતા અને નવજાતનો જીવ બચ્યો
ઇડર તાલુકાના વીરપુર ગામની એક મહિલાને હોસ્પિટલ લઈ જતી વખતે 108 એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિની પીડા ઉપડી હતી. તબીબી ટીમે એમ્બ્યુલન્સમાં જ સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવી. મુશ્કેલ પરિસ્થિતિમાં સમયસર સારવાર મળતા માતા અને નવજાત બાળકનો જીવ બચી ગયો. વીરપુર ગામમાંથી પ્રસૂતિ માટે 108 એમ્બ્યુલન્સની મદદ મંગાઈ હતી. તબીબી સહાયક મુકેશભાઈ અને વાહનચાલક પ્રવિણ ખરાડી તરત જ ત્યાં પહોંચ્યા. મહિલાને હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં જ પ્રસૂતિની પીડા શરૂ થઈ ગઈ. પરિસ્થિતિ વધુ મુશ્કેલ બની, કારણ કે બાળક પગની બાજુથી બહાર આવી રહ્યું હતું. બાળકની નાળ ગળાની આસપાસ વીંટળાયેલી હતી અને ગર્ભમાં જ મળનો ત્યાગ થયો હતો. આવી કટોકટીની સ્થિતિમાં તબીબી સહાયક મુકેશભાઈએ પોતાની તાલીમ અને અનુભવના આધારે તરત જ જરૂરી સારવાર શરૂ કરી. વાહનચાલક પ્રવિણ ખરાડીએ પણ એમ્બ્યુલન્સને સુરક્ષિત રીતે ચલાવીને તબીબી કામગીરીમાં મદદ કરી. બંનેના સારા સંકલન અને ટીમવર્કથી એમ્બ્યુલન્સમાં જ સફળતાપૂર્વક પ્રસૂતિ થઈ. આ કામગીરી દરમિયાન વરિષ્ઠ તબીબી અધિકારી અને તબીબી સલાહકાર ડૉ.હસમુખ સરનું માર્ગદર્શન પણ ટીમ માટે ખૂબ મહત્વનું રહ્યું. પ્રસૂતિ પછી માતા અને નવજાત બાળકની પ્રાથમિક તપાસ અને જરૂરી સંભાળ રાખીને બંનેને વધુ સારવાર માટે હોસ્પિટલમાં સુરક્ષિત રીતે પહોંચાડવામાં આવ્યા.
Read full article on Divya Bhaskar