crime
HPCL કંપનીના ક્રૂડ ઓઇલની ચોરીનું કૌભાંડ:રાજસ્થાનથી ક્રૂડ ઓઈલ ચોરી ગુજરાતમાં વેચાણ કરનાર 8 આરોપીઓ ઝડપાયા, ચાર ફૂટ ઊંડે વાલ લગાવી ચોરી કરતા
ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા રાજસ્થાનથી ગુજરાત સુધી ચાલતા ક્રૂડ ઓઇલ ચોરીના મોટા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આરોપીઓએ રાજસ્થાનના બાલોત્રા જિલ્લામાં HPCLની પાઇપલાઇનમાં ગેરકાયદેસર પંચર કરી ક્રૂડ ઓઇલ ચોરી કરી તેને અમદાવાદ-રાજકોટ હાઇવે પર વેચવાનું નેટવર્ક ઊભું કર્યું હતું. આ મામલે ગુજરાત ATS દ્વારા કુલ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ATSના DySP એસ.એલ. ચૌધરીને ચોક્કસ બાતમી મળી હતી કે અમદાવાદ-રાજકોટ હાઇવે પર કુવાડવા નજીક સોખડા ગામના રસ્તે એક વ્યક્તિ ગેરકાયદેસર રીતે ક્રૂડ ઓઇલનું વેચાણ કરી રહ્યો છે. ATSએ તેની અટકાયત કરી પૂછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો કે આ ઓઇલ રાજસ્થાનના બાલોત્રા જિલ્લામાંથી લાવવામાં આવતું હતું. ત્યારબાદ ATSની ટીમે રાજસ્થાનના ટાપરા નજીકના એક ઢાબા પરથી અન્ય 7 સંડોવાયેલા શખ્સોની પણ અટકાયત કરી હતી. ક્રૂડ ઓઇલ પાઇપલાઇનમાં પંચર પાડીને વાલ્વ બેસાડી દેતા તમામ આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, તેઓ રાજસ્થાનના બાલોત્રા જિલ્લાના કાલુડી ગામની સીમમાં સરકારી ખરાબાની જમીનમાં 3-4 ફૂટ ઊંડો ખાડો ખોદીને ત્યાંથી પસાર થતી HPCLની ક્રૂડ ઓઇલ પાઇપલાઇનમાં પંચર પાડીને વાલ્વ બેસાડી દેતા હતા. આ વાલ્વ મારફતે ક્રૂડ ઓઇલ ચોરી કરીને તેઓ ગુજરાતમાં લાવી વેચતા હતા. ગુજરાત ATS દ્વારા તમામ આરોપીઓની ધરપકડ કરી આ મામલે રાજસ્થાનના જાસોલ પોલીસ સ્ટેશન ખાતે તમામ આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ ગુજરાત ATS દ્વારા તમામ આરોપીઓની ધરપકડ કરીને આ ક્રૂડ ઓઇલ કોને અને કેટલા રૂપિયામાં વેચવામાં આવતું હતું તથા આ રેકેટમાં અન્ય કોણ સંડોવાયેલું છે તે દિશામાં વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.
Read full article on Divya Bhaskar