top
હોન્ડા જેઝ કાર વેચવા જતાં યુવક સાથે ₹1.70 લાખની છેતરપિંડી:ગ્રાહકને બતાવવાના બહાને કાર લઈ એજન્ટ ફરાર, ચાંગોદર પોલીસ મથકે ફરિયાદ
અમદાવાદના આશ્રમ રોડ વિસ્તારમાં રહેતા એક ખાનગી કંપનીના કર્મચારીને પોતાની જૂની હોન્ડા જેઝ કાર વેચવી ભારે પડી ગઈ છે. કારની લે-વેચનું કામ કરતા એક કમિશન એજન્ટે બાના પેટે આંશિક રકમ ચૂકવી, અન્ય ગ્રાહકને કાર ટ્રાયલ માટે બતાવવાના બહાને વાહન મેળવી લીધું હતું. ત્યારબાદ કાર અન્ય વ્યક્તિને વેચી મારી બાકી નીકળતા ₹1.70 લાખની છેતરપિંડી આચરી એજન્ટ છૂમંતર થઈ ગયો હતો. આ સમગ્ર મામલે ભોગ બનનાર યુવકે ચાંગોદર પોલીસ સ્ટેશનમાં એજન્ટ સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. મામા મારફતે એજન્ટ કેયુર શાહ સાથે સોદો નક્કી થયો આશ્રમ રોડ સ્થિત સુફલામ ફ્લેટમાં રહેતા અને મટોડા ખાતે એલ્યુમિનિયમ ડોર-વિન્ડો બનાવતી કંપનીમાં નોકરી કરતા કર્ણ પટેલે વર્ષ 2016માં ખરીદેલી પોતાની હોન્ડા જેઝ કાર વેચવા માટે પોતાના મામા હરેશભાઈ વોરાને જાણ કરી હતી. મામા મારફતે વટવા-ગામડી રોડ પર ઓમ શાંતિ ગોલ્ડ પ્લસ તેમજ નારણપુરા ખાતે રહેતા કાર એજન્ટ કેયુર ગુણવંતભાઈ શાહનો સંપર્ક થયો હતો. ગત 2 જુલાઈના રોજ કેયુર શાહ મટોડા ખાતે કર્ણભાઈની ઓફિસે ગાડી જોવા પહોંચ્યો હતો. બંને વચ્ચે ₹2 લાખમાં સોદો નક્કી થયો હતો અને સંભવિત ખરીદદારને કાર બતાવવા માટે કેયુર ત્રણ દિવસની મુદત માંગી વાહન લઈ ગયો હતો. તે વખતે તેણે બાના પેટે માત્ર ₹30,000 રોકડા ચૂકવી બાકીના પૈસા 10 દિવસમાં આપી દેવાની લેખિત બાંહેધરી આપી હતી. બાકી રકમનો ₹1.70 લાખનો ચેક બાઉન્સ થયો કરાર મુજબ 10 દિવસ વીતી જવા છતાં બાકી પેમેન્ટ ન મળતાં કર્ણભાઈએ કેયુર શાહનો સંપર્ક કર્યો હતો. જેથી કેયુરે બાકી નીકળતી રકમ પેટે ₹1.70 લાખનો બેંક ચેક આપ્યો હતો. જોકે, આ ચેક ખાતામાં જમા કરાવતાં જ અપૂરતા બેલેન્સના કારણે બાઉન્સ થયો હતો. ચેક રિટર્ન થયા બાદ કેયુરે ફોન રિસીવ કરવાનું બંધ કરી દીધું હતું અને રૂબરૂ તપાસ કરતાં તેણે કાર અન્ય અજાણ્યા ગ્રાહકને વેચી દીધી હોવાનું કહી ગોળ-ગોળ વાયદાઓ કરવા લાગ્યો હતો. પૈસા કે ગાડી પરત ન મળતાં આખરે પોલીસ ફરિયાદ લાંબા સમય સુધી ઉઘરાણી કરવા છતાં બાકી નીકળતા રૂપિયા કે પોતાની કાર પરત ન મળતાં આખરે કર્ણભાઈ પટેલને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનો અહેસાસ થયો હતો. જેથી તેમણે ચાંગોદર પોલીસ સ્ટેશનમાં કેયુર ગુણવંતભાઈ શાહ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે, વપરાયેલા વાહનોની લે-વેચના બહાને સામાન્ય નાગરિકોનો વિશ્વાસ કેળવી, ટોકન આપી કાર પડાવી લઈ બારોબાર સગેવગે કરી દેવાની રીઢા ગઠિયાઓની જૂની મોડસ ઓપરેન્ડી દ્વારા આ ગુનો આચરવામાં આવ્યો હોવાથી પોલીસે આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
Read full article on Divya Bhaskar