top
ગાંધીનગરના જલુંદમાં 1.35 કરોડની જમીનનો ખેલ:10 લાખ રોકડ અને 36 લાખના ચેક આપી પાકો દસ્તાવેજ કરાવ્યો, 4 દલાલો સામે ગુનો દાખલ
ગાંધીનગર નજીક આવેલા જલુંદ ગામના એક ખેડૂત પરિવાર સાથે જમીન દલાલોએ કાવતરું રચી મોટી છેતરપિંડી આચરી છે. આરોપીઓએ ખેડૂત સાથે 1.35 કરોડ રૂપિયામાં જમીન ખરીદવાનો સોદો નક્કી કરી થોડી રોકડ રકમ અને 36 લાખના ચેક આપીને જમીનનો પાકો દસ્તાવેજ પોતાના નામે કરાવી લઈ જમીન છાનામાના ત્રીજી જ વ્યક્તિને વેચી મારી હતી. આ મામલે પેથાપુર પોલીસે રૂ.1.03 કરોડથી વધુની ઠગાઈ આચરનાર ચાર શખ્સો વિરુધ ગુનો નોંધ્યો છે. ખેડૂત સાથે 1.35 કરોડની ઠગાઈ ગાંધીનગરના સરઢવ ગામના રહીશ અને ગાંધીનગર સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે ખાનગી નોકરી કરતા જયેશભાઈ રાજેશભાઈ પટેલ સાથે એક કરોડ 3 લાખ 50 હજારની ઠગાઈ આચરવામાં આવી છે. પોલીસ ચોપડે નોંધાયેલી વિગતો મુજબ, તારાપુરના પોપટજી કાળાજી ઠાકોર અને ધુળાજી ઠાકોર, સોલૈયાના હર્ષ માધાભાઈ ચૌધરી તેમજ મુન્નાભાઈ જોગરાણા નામના ચાર ભાગીદારોએ જમીન લે-વેચનો ધંધો કરતા હોવાનું જણાવી ફરિયાદીનો વિશ્વાસ સંપાદન કર્યો હતો. 10 લાખ રોકડા અને 36 લાખના ત્રણ ચેક આપ્યા આરોપીઓએ જલુંદ ગામની સીમમાં આવેલી બ્લોક નંબર 587 પૈકીની એક વીઘા જમીન રૂ. 1.35 કરોડમાં વેચાણ લેવાનું નક્કી કર્યું હતું. વેચાણ નક્કી થયા બાદ આરોપીઓએ પ્રાથમિક તબક્કે બાના પેટે રૂ. 2 લાખ રોકડા આપ્યા હતા. બાદમાં 8 જાન્યુઆરી 2025ના રોજ ગાંધીનગર સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે દસ્તાવેજ કરતી વખતે વધુ 10 લાખ રોકડા અને 36 લાખની કિંમતના ત્રણ ચેક આપ્યા હતા. બીજી તરફ છેતરપિંડી આચરવાના પૂર્વયોજિત પ્લાન મુજબ આરોપીઓએ બાકી રકમ પેટે રૂ. 300 ના સ્ટેમ્પ પેપર પર સમજૂતી કરાર પણ કરી આપ્યો હતો. તે કરાર મુજબ ટુકડે-ટુકડે રૂ. 17.50 લાખ રોકડા ચુકવ્યા બાદ બાકી નીકળતા રૂ. 67.50 લાખ કે જંત્રીના ચેકના રૂ. 36 લાખ મળી કુલ રૂ. 1,03,50,000ની ચૂકવણી કરવાની હતી. જમીન ત્રીજા વ્યક્તિને વેચાણ દસ્તાવેજથી ટ્રાન્સફર કરી આમ બાકીની 50 ટકા રકમ ટાઈટલ ક્લિયર થયા બાદ આપવાની ખાતરી આપી પોપટજી ઠાકોરના નામે પાકો વેચાણ દસ્તાવેજ કરાવી જમીન પચાવી લીધી હતી. જોકે દસ્તાવેજ થયા બાદ ફરિયાદીએ જંત્રી મુજબના રૂ. 36 લાખના ચેક બેંકમાં જમા કરાવતા ખાતામાં પૂરતું ભંડોળ ન હોવાથી ચેક બાઉન્સ થયા હતા. આરોપીઓએ ફરિયાદીના નાણાં ચૂકવ્યા વિના જ 17 જાન્યુઆરી 2025ના રોજ આ જમીન અન્ય ત્રીજા વ્યક્તિને વેચાણ દસ્તાવેજથી ટ્રાન્સફર કરી દીધી હતી. આ મામલે ફરિયાદીએ ઉચ્ચ કક્ષાએ અરજી કરતા પોલીસ અધિક્ષક કચેરીના આદેશ બાદ પેથાપુર પોલીસે પોપટજી ઠાકોર, હર્ષ ચૌધરી, મુન્નાભાઈ જોગરાણા અને ધુળાજી ઠાકોર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar