top
એન ચંદ્રશેખરન ફરી બન્યા ટાટા ટ્રસ્ટના ચેરમેન, નોએલ ટાટા એ પુન:નિયુક્તિને ગણાવી અમાન્ય
ટાટા ગ્રુપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સ (Tata Sons)માં ચેરમેન પદને લઈને મોટો મતભેદ સામે આવ્યો છે. ટાટા સન્સમાં લગભગ 66 ટકા હિસ્સો ધરાવતા ટાટા ટ્રસ્ટ (Tata Trusts) એ એન. ચંદ્રશેખરનને ફરી ચેરમેન બનાવવાના બોર્ડના પ્રસ્તાવનો કડક વિરોધ કર્યો છે. તેમનું કહેવું છે કે ટાટા સન્સના Articles of Association જોગવાઈઓને ધ્યાનમાં લેતાં આ પ્રસ્તાવ ‘કાનૂની રીતે અમાન્ય’ છે. બોર્ડની બેઠકમાં ચાર ડિરેક્ટરોએ ચંદ્રશેખરનની પુનઃનિયુક્તિની તરફેણમાં મત આપ્યો હતો, જ્યારે ટાટા ટ્રસ્ટના ચેરમેન નોએલ ટાટાએ વિરોધમાં મત આપ્યો હતો. ટાટા ટ્રસ્ટનો વાંધો શું છે? ટાટા ટ્રસ્ટના જણાવ્યા મુજબ ટાટા સન્સના ચેરમેનની નિમણૂક માટે કંપનીના Articles of Association માં ચોક્કસ પ્રક્રિયા નક્કી કરવામાં આવી છે. ટ્રસ્ટનું કહેવું છે કે ચેરમેનની નિમણૂકના પ્રસ્તાવને Tata Trusts દ્વારા નિયુક્ત ડિરેક્ટરોના બહુમતી મતની જરૂર છે. આ નિયમ માત્ર પહેલીવાર ચેરમેનની નિમણૂક વખતે જ નહીં, પરંતુ હાલના ચેરમેનની પુનઃનિયુક્તિ વખતે પણ સમાન રીતે લાગુ પડે છે. ટાટા સન્સના બોર્ડમાં ટાટા ટ્રસ્ટના બે નોમિની ડિરેક્ટર નોએલ ટાટા અને વેણુ શ્રીનિવાસન છે. ટ્રસ્ટના જણાવ્યા મુજબ ચેરમેનની નિમણૂક અથવા પુનઃનિયુક્તિ અંગેની બેઠક માટે બંને નોમિની ડિરેક્ટરની હાજરી જરૂરી છે અને પ્રસ્તાવ કાયદેસર રીતે પસાર થવા માટે બંનેએ તેની તરફેણમાં મત આપવો જરૂરી છે. આ બેઠકમાં નોએલ ટાટાએ પ્રસ્તાવનો વિરોધ કર્યો હોવાથી ટાટા ટ્રસ્ટનું કહેવું છે કે ચંદ્રશેખરનની પુનઃનિયુક્તિનો પ્રસ્તાવ કાનૂની રીતે માન્ય બની શકતો નથી. 20 ફેબ્રુઆરી 2027એ પૂરો થાય છે કાર્યકાળ એન. ચંદ્રશેખરનનો ટાટા સન્સના ચેરમેન તરીકેનો વર્તમાન કાર્યકાળ 20 ફેબ્રુઆરી, 2027ના રોજ પૂરો થવાનો છે. ટાટા ટ્રસ્ટનું કહેવું છે કે ચંદ્રશેખરનનો વર્તમાન કાર્યકાળ પૂરો થયા બાદ ફરીથી ચેરમેન બનવા માટે પોતાની ઉમેદવારી રજૂ નહીં કરવાનો અગાઉનો નિર્ણય સ્વીકારી લેવામાં આવ્યો હતો અને આ મુદ્દો અંતિમ બની ચૂક્યો હતો. Read More: ટાટા સન્સનું શેરબજારમાં લિસ્ટિંગ થશે, ચેરમેન એન ચંદ્રશેખરનનો કાર્યકાળ 5 વર્ષ લંબાવ્યો ચંદ્રશેખરને 12 ઓગસ્ટ, 2026ના રોજ ટાટા સન્સના બોર્ડને પોતાના નિર્ણયની જાણ કરી હતી. તેમણે વર્તમાન કાર્યકાળ પૂરો થયા બાદ પુનઃનિયુક્તિ માટે પોતાને રજૂ નહીં કરવાનો નિર્ણય લીધો હતો. ટાટા ટ્રસ્ટના જણાવ્યા મુજબ આ નિર્ણય ચંદ્રશેખરને પોતાની રીતે લીધો હતો, સ્પષ્ટ રીતે વ્યક્ત કર્યો હતો અને તે કોઈ સમીક્ષા પ્રક્રિયાનું પરિણામ નહોતો. ‘જાહેર થયેલ નિર્ણય પાછો ફેરવી શકાય નહીં’ ટાટા ટ્રસ્ટનું કહેવું છે કે ચંદ્રશેખરનનો નિર્ણય કંપનીના શેરધારકોને અગાઉથી જાણ કર્યા અથવા તેમની સાથે ચર્ચા કર્યા વગર જાહેર કરવામાં આવ્યો હતો. પરંતુ એકવાર આ નિર્ણય જાહેર થઈ ગયા બાદ તેના આધારે ટાટા ગ્રુપના કર્મચારીઓ, ધિરાણ આપનારી સંસ્થાઓ, વ્યવસાયિક ભાગીદારો, બજાર અને બહુમતી શેરધારકે આગળની પ્રક્રિયા અંગે ધારણા બનાવી લીધી હતી. એટલે ટ્રસ્ટના મતે આ નિર્ણયને હવે પાછળથી પાછો ફેરવી શકાય નહીં. બીજા જ દિવસે ઉત્તરાધિકારી શોધવાની પ્રક્રિયા શરૂ કરવાની સલાહ આપી હતી. ચંદ્રશેખરનના નિર્ણયના બીજા દિવસે, એટલે કે 13 ઓગસ્ટે, Tata Trustsએ તેમના નિર્ણયને ઔપચારિક રીતે સ્વીકાર્યો હતો. Sir Dorabji Tata Trust એ તે સમયે જાહેર કરેલા સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે ટાટા સન્સના Articles of Association અનુસાર નવા ચેરમેનની પસંદગી માટે પસંદગી કમિટી બનાવવાની પ્રક્રિયા શક્ય તેટલી વહેલી શરૂ કરવામાં આવશે. Trustsનું કહેવું છે કે ત્યારથી તેના વલણમાં કોઈ ફેરફાર થયો નથી. બોર્ડની તાજેતરની બેઠકમાં પણ ટાટા ટ્રસ્ટના ચેરમેન નોએલ ટાટાએ આ જ વલણ ફરી રજૂ કર્યું. ટાટા ટ્રસ્ટના નિવેદન મુજબ નોએલ ટાટાએ પોતાના વલણના સમર્થનમાં ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડૉ. ડી વાય ચંદ્રચૂડ પાસેથી મેળવેલો કાનૂની અભિપ્રાય પણ ટાટા સન્સના બોર્ડ સમક્ષ રજૂ કર્યો હતો. જોકે ટ્રસ્ટનો દાવો છે કે બોર્ડે આ કાનૂની અભિપ્રાયની નોંધ લીધી નહોતી. હવે ટાટા સન્સમાં નેતૃત્વનું શું થશે? ટાટા ટ્રસ્ટએ કહ્યું છે કે તે ટાટા સન્સ અને સમગ્ર ટાટા ગ્રુપના લાંબા ગાળાના હિતમાં વ્યવસ્થિત અને સમયસર નેતૃત્વ પરિવર્તન સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. હાલની સ્થિતિમાં એક તરફ ટાટા સન્સના ચાર ડિરેક્ટરોએ ચંદ્રશેખરનની પુનઃનિયુક્તિની તરફેણમાં મત આપ્યો છે, જ્યારે બીજી તરફ કંપનીમાં લગભગ બે-તૃતીયાંશ હિસ્સો ધરાવતા ટાટા ટ્રસ્ટ એ આ પ્રસ્તાવની કાનૂની માન્યતાને જ પડકાર્યો છે. Chandrasekharan Exit: નોએલ ટાટા vs ચંદ્રશેખરન: બોર્ડરૂમમાં શું થયું કે વાત એક્ઝિટ સુધી પહોંચી હતી આથી ટાટા ગ્રુપના ટોચના નેતૃત્વને લઈને જે પ્રશ્ન ચંદ્રશેખરનના ઓગસ્ટના નિર્ણય બાદ લગભગ નક્કી થયેલો લાગતો હતો, તે ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.
Read full article on The Indian Express