politics
એમ્બ્રોડરી વર્કર્સના તોફાનમાં બીજો રાયોટિંગનો ગુનો નોંધાયો:'બંધ કરો'ના નારા લગાવી 250ના ટોળાએ મશીનો બંધ કરાવી ધમકી આપી હતી, અત્યાર સુધીમાં 29ની અટકાયત
સુરત શહેરમાં એમ્બ્રોડરી કારીગરો દ્વારા વિવિધ પડતર માંગણીઓને લઈને ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે અમરોલી વિસ્તારમાં વાતાવરણ વધુ તંગ બન્યું છે. વેદાંત ઇન્ડો પાર્કમાં આવેલા કારખાનાઓમાં 100થી વધુ અજાણ્યા લોકોનું ટોળું ઘૂસી ગયું હતું અને મશીનોની મેઈન સ્વીચ બંધ કરાવી કારીગરોને ધમકાવી હોબાળો મચાવ્યો હતો. આ મામલે અમરોલી પોલીસે 250 અજાણ્યા લોકોના ટોળા સામે રાયોટિંગનો બીજો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર હોબાળાની ઘટનાઓમાં અત્યાર સુધીમાં કુલ 29 લોકોની અટકાયત કરી લેવામાં આવી છે. 'બંધ કરો બંધ કરો'ના નારા લગાવી કારખાનામાં ઘૂસ્યા ડભોલી ખાતે રહેતા અને અમરોલી વેદાંત ઇન્ડો પાર્ક-૨માં એમ્બ્રોડરી ખાતું ચલાવતા વિશાલભાઈ કાંતીભાઈ ગોઠીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, 16 ઓગસ્ટના રોજ સવારે 10:30 વાગ્યાની આસપાસ તેઓ કારખાને હાજર હતા. તે દરમિયાન કારીગરોની હડતાળ વચ્ચે અચાનક અજાણ્યા ઈસમોનું મોટું ટોળું "બંધ કરો બંધ કરો"ના નારા લગાવતું ત્યાં આવી પહોંચ્યું હતું. કારખાનેદારે અંદર આવવાની ના પાડવા છતાં આશરે 100 લોકોનું ટોળું ગેરકાયદે રીતે અંદર ઘૂસી ગયું હતું. કારીગરોને ધમકાવી ખાતા બંધ કરાવ્યા ટોળાએ કારખાનામાં ચાલી રહેલા એમ્બ્રોડરી મશીનોની મેઈન પાવર સ્વીચ બંધ કરી દીધી હતી અને કામ કરી રહેલા કારીગરોને ધમકાવી ખાતું બંધ કરાવી દીધું હતું. આટલેથી ન અટકતાં આ ટોળું બહાર નીકળીને વેદાંત ઇન્ડસ્ટ્રીયલ પાર્કના અન્ય ખાતાઓમાં પણ પહોંચ્યું હતું. સવારે 10થી બપોરે 1 વાગ્યા સુધી આશરે 250 લોકોના ટોળાએ નવા-જૂના વેદાંત પાર્કમાં ફરીને ગાળાગાળી કરી આસપાસના અન્ય કારખાનાઓ પણ બળજબરીપૂર્વક બંધ કરાવ્યા હતા. સીસીટીવીના આધારે તપાસનો ધમધમાટ આ ઘટના બાદ સ્થાનિક કારખાનેદાર દિનેશભાઈ સોરઠીયા, ધ્રુવભાઈ વાઘાણી અને ધીરુભાઈ જસાણી સહિતના અગ્રણીઓએ ભેગા મળી અમરોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ૨૫૦ જેટલા અજાણ્યા લોકોના ટોળા વિરુદ્ધ ગેરકાયદે મંડળી રચી હુલ્લડ કરવા અને ધાકધમકી આપવા બદલ ગુનો દાખલ કર્યો છે. પોલીસે ઔદ્યોગિક વિસ્તારના સીસીટીવી ફૂટેજના આધારે અન્ય તોફાની તત્વોની ઓળખ મેળવવાની તજવીજ હાથ ધરી છે. બેઠક, પગાર અને સાપ્તાહિક રજાના પ્રશ્ને આશ્વાસન બીજી તરફ, વર્કર્સ આગેવાન ક્રિષ્નાએ જણાવ્યું હતું કે, લેબર કમિશનર સાથે કારીગરોની મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં કામદારો તરફથી મુખ્ય ચાર માંગણીઓ રજૂ કરવામાં આવી હતી. જેમાં રવિવારે રજા હોવી જોઈએ. રજાના દિવસનો પગાર ન કપાતો હોવો જોઈએ. દર મહિનાની 1 થી 7 તારીખ વચ્ચે નિયમિત પગાર થઈ જવો જોઈએ અને વાર્ષિક બોનસ ચૂકવવામાં આવેનો સમાવેશ થાય છે. આ બેઠકમાં લેબર કમિશનરે જણાવ્યું હતું કે 1 થી 7 તારીખ વચ્ચે પગાર થવો અને અઠવાડિયામાં એક રજા મળવી એ બાબતો તદ્દન વ્યાજબી છે. આગામી સોમવારે તમામ વેપારીઓ અને કારખાનેદારો સાથે બેઠક યોજી આ પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવશે અને મંગળવારે ફરી કામદાર પ્રતિનિધિઓને આગળની સ્થિતિથી વાકેફ કરવામાં આવશે. કામદારોને આશા છે કે તંત્રની દરમિયાનગીરીથી પ્રશ્નોનો સુખદ અંત આવશે.
Read full article on Divya Bhaskar