politics
હવે નાની-નાની મંજૂરી માટે DGP ઓફિસ સુધી દોડવું નહીં પડે!:પોલીસ તંત્રમાં સત્તાનું વિકેન્દ્રીકરણ, SPને વધુ પાવર
ગુજરાત પોલીસ તંત્રમાં વહીવટી કામગીરીને વધુ ઝડપી બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. હવે નાની-નાની બાબતોમાં નાણાકીય ખર્ચ, બિલ કે વહીવટી મંજૂરી માટે જિલ્લા પોલીસ વડાઓએ છેક પોલીસ મહાનિર્દેશક (DGP) કચેરી સુધી લાંબા થવું નહીં પડે. સરકાર દ્વારા પોલીસના ક્ષેત્રિય અને જિલ્લા સ્તરના અધિકારીઓને વધુ સત્તા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ‘મિશન બેટર પોલીસિંગ’ હેઠળ સત્તાનું વિકેન્દ્રીકરણ પોલીસ સુધારણા અંતર્ગત ‘મિશન બેટર પોલીસિંગ’ હેઠળ ફિલ્ડ લેવલના અધિકારીઓને વધુ સત્તા સોંપવા અને તેમની વહીવટી કાર્યક્ષમતા વધારવા માટે આ નિર્ણય લેવાયો છે. સત્તાના વિકેન્દ્રીકરણ અંગે રચાયેલી ‘Committee on Devolution of Power’ની ભલામણોના આધારે આ ફેરફાર કરવામાં આવ્યો છે. રેન્જ વડાને Head of Department, જિલ્લા પોલીસ વડાને Regional Headનો દરજ્જો ગૃહ વિભાગના ઠરાવ મુજબ નાણાકીય સત્તા (સોંપણી) નિયમો-1966ની જોગવાઈઓ હેઠળ રેન્જના વડાને ‘Head of Department’ અને જિલ્લા પોલીસ અધિકારીને ‘Regional Head’ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. શું બદલાશે? અત્યાર સુધી જિલ્લા પોલીસ સ્તરે થતી કેટલીક નાણાકીય અને વહીવટી પ્રક્રિયાઓમાં ઉપરની કચેરીઓ સુધી મંજૂરી માટે પ્રક્રિયા આગળ વધારવી પડતી હતી. હવે સોંપવામાં આવેલી સત્તાની મર્યાદામાં રેન્જ અને જિલ્લા સ્તરે જ નિર્ણય લઈ શકાશે. આથી, પોલીસ વિભાગમાં બિલ મંજૂરી, નાના વહીવટી ખર્ચ અને અન્ય નાણાકીય બાબતોમાં ફાઇલની અવરજવર ઘટશે અને નિર્ણય પ્રક્રિયા ઝડપી બનશે. સરળ ભાષામાં કહીએ તો, પોલીસમાં ‘પાવર’ હવે ગાંધીનગરથી ફિલ્ડ સુધી પહોંચાડવાનો પ્રયાસ થયો છે. DGP કચેરી સુધી પહોંચતી નાની-નાની ફાઇલોનું ભારણ ઘટાડીને સ્થાનિક સ્તરે જ નિર્ણય લેવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ગૃહ વિભાગના આ નિર્ણયને ‘મિશન બેટર પોલીસિંગ’ હેઠળ પોલીસ તંત્રના સત્તા વિકેન્દ્રીકરણના મહત્વના પગલા તરીકે જોવામાં આવી રહ્યો છે.
Read full article on Divya Bhaskar