crime
ચોરવાડ લોકમેળામાં દારૂની ખાલી બોટલોની રેલમછેલનો વિડીયો વાયરલ:ચોરવાડના ભાદરવી અમાસના લોકમેળા બાદ દારૂની બોટલોના ઢગલાનો વિડીયો વાયરલ થતાં તંત્ર સાબદું, DySP દિનેશ કોડીયાતરે તપાસના આદેશ આપ્યા
ચોરવાડમાં દારૂની ખાલી બોટલો મળતાં ખળભળાટ જુનાગઢ જિલ્લાના માળીયાહાટીના તાલુકાના ચોરવાડ ખાતે ભાદરવી અમાસ નિમિત્તે યોજાયેલા લોકમેળા બાદ દારૂની ખાલી બોટલોનો મોટો જથ્થો મળી આવતાં ચકચાર મચી ગઈ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડીયોમાં ચારથી વધુ મહિલા સફાઈ કર્મચારીઓ ડસ્ટબિનમાંથી દારૂની ખાલી બોટલો બહાર કાઢીને તેનો ઢગલો કરતી જોવા મળી રહી છે. આ ઘટનાને પગલે લોકમેળામાં દારૂનું સેવન થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુજરાતમાં કડક દારૂબંધી હોવા છતાં જાહેર લોકમેળાના સ્થળે આટલી મોટી સંખ્યામાં દારૂની ખાલી બોટલો મળી આવતાં સ્થાનિકોમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. દારૂની આ બોટલો મેળાન સ્થળ સુધી પહોંચી કેવી રીતે? શું મેળામાં દારૂનું ખુલ્લેઆમ વેચાણ થયું હતું? અને આ સમગ્ર બેદરકારી સામે તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે? જેવા અનેક સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે. આ સમગ્ર મામલે દિવ્ય ભાસ્કરે જૂનાગઢ DySP દિનેશ કોડીયાતર સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે, આ વર્ષે ચોરવાડના મેળામાં પૂરતો પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો અને કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ સતત પેટ્રોલિંગમાં હતી. હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો વિડીયો ક્યાંનો છે, કેટલો જૂનો છે અને કઈ ચોક્કસ જગ્યાનો છે, તે તમામ પાસાઓ પર ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે અને તપાસ બાદ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
Read full article on Divya Bhaskar