top
ચા ન મંગાવતા મિત્રએ કરી મિત્રની હત્યા:સુરેન્દ્રનગર નવા જંકશન પાસે મિત્રના ગળા અને માથામાં છરીના ઘા ઝીંકીને હત્યા કરી, આરોપી ફરાર
સુરેન્દ્રનગર શહેરના નવા જંકશન રેલવે સ્ટેશન પાસે ચા ન મંગાવવાના મનદુઃખમાંથી શરૂ થયેલો વિવાદ હત્યામાં બદલાઈ ગયો. પાણીના ટાંકા પાસે બોલાવી એક યુવક પર છરી વડે હુમલો કરાયો હતો. ગળા અને માથાના ભાગે છરીના ઘા વાગતાં યુવક ગંભીર રીતે ઘવાયો હતો. તેને ટી.બી. હોસ્પિટલ લઈ જવાયો, જ્યાં ડોકટરોએ તેને મૃત જાહેર કર્યો. આ બનાવ અંગે સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસ ફરિયાદ મુજબ, મૃતક જાવેદ 20 સપ્ટેમ્બરની રાત્રે તેના મિત્રો સાથે નવા જંકશન રેલવે સ્ટેશનના ગેટ પાસે આવેલી ચાની દુકાને ગયો હતો. તેની સાથે આરોપી સગીર અને તેના અન્ય મિત્રો પણ હતા. ત્યાં બધા માટે ચા મંગાવવામાં આવી હતી, પણ સગીર માટે ચા ન મંગાવવામાં આવતા તેને આ વાતનું ખોટું લાગ્યું હતું. ફરિયાદમાં આ વાતનો ઉલ્લેખ છે. આ ઘટનાના બે દિવસ પછી, 22 સપ્ટેમ્બરની સાંજે જાવેદે તેના મિત્રને ફોન કરીને પાણીના ટાંકા પાસે બોલાવ્યો. ફરિયાદ મુજબ, ત્યાં જાવેદ અને આરોપી સગીર વચ્ચે ચા બાબતના જૂના મનદુઃખને લઈને બોલાચાલી થઈ. આ દરમિયાન મામલો ગરમ થતા આરોપી સગીરે પોતાની પાસે રહેલી છરી વડે જાવેદના ગળા અને માથાના ભાગે બે ઘા માર્યા હોવાનો આરોપ છે.છરીના ઘા વાગતા જાવેદ ગંભીર રીતે ઘવાઈને લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો. ઘટના પછી આસપાસના લોકો ભેગા થતા હુમલો કરનાર ત્યાંથી ભાગી ગયો. જાવેદને સારવાર માટે સુરેન્દ્રનગરની ટી.બી. હોસ્પિટલ લઈ જવાયો. જોકે, હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં તપાસ પછી તેને મૃત જાહેર કરાયો. મૃતકના મોટા ભાઈ સોહિલ ઉર્ફે સાહીલને એક મિત્ર દ્વારા જાણ થઈ કે તેના ભાઈ જાવેદને મારામારીમાં છરી વાગી છે. હોસ્પિટલ પહોંચ્યા પછી તેમણે જોયું કે જાવેદના માથાના ડાબા ભાગે અને ગળાના ડાબા ભાગે છરીના ઘા હતા. જાવેદના મિત્ર તેમને ઘટનાની જાણકારી આપી. આ બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. અને હાલ પોલીસની તપાસ ચાલી રહી છે.
Read full article on Divya Bhaskar