top
બોટાદના 1 કરોડના કથિત તોડકાંડનો મુદ્દો ગાંધીનગર પહોંચ્યો:કોળી સમાજના આગેવાનો સાથે ઉમેશ મકવાણાએ CMને રજૂઆત કરી, ઓનલાઈન ગેમિંગ અને પોલીસ કાર્યવાહી અંગે તપાસની માગ
બોટાદમાં ઓનલાઈન ગેમિંગ અને પોલીસ કાર્યવાહી સાથે જોડાયેલા ₹1 કરોડથી વધુના કથિત તોડકાંડનો મામલો હવે ગાંધીનગર પહોંચ્યો છે. બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા સાથે કોળી સમાજના 100થી વધુ આગેવાનોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રૂબરૂ મળી સમગ્ર મામલે રજૂઆત કરી હતી. CM સમક્ષ બે મુદ્દે રજૂઆત ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરીને બોટાદમાં ઝડપથી વધી રહેલા ઓનલાઈન ગેમિંગ તથા આ મામલે થયેલી પોલીસ કાર્યવાહીની ઉચ્ચસ્તરીય તપાસની માગ કરી હતી. તેમણે તપાસ CID, ACP અથવા IG/DIG કક્ષાના અધિકારીને સોંપવા વિનંતી કરી છે. 14થી 30 વર્ષના યુવાનો ગેમિંગમાં ફસાઈ રહ્યા હોવાનો દાવો મકવાણાના જણાવ્યા મુજબ, બોટાદમાં ઓનલાઈન ગેમિંગનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે. ખાસ કરીને 14થી 30 વર્ષના યુવાનો ગેમિંગની લતમાં ફસાઈ રહ્યા છે. બોટાદમાં હજારો લોકો ઓનલાઈન ગેમિંગમાં સંકળાયેલા હોવા ઉપરાંત વિદેશી એજન્ટો પણ સક્રિય હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે. આ દૂષણ સમગ્ર ગુજરાતમાં ફેલાઈ રહ્યું હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. પોલીસ પર ₹1 કરોડથી વધુ પડાવ્યાનો આક્ષેપ ધારાસભ્યે મુખ્યમંત્રી સમક્ષ કરેલી બીજી રજૂઆતમાં આક્ષેપ કર્યો છે કે કેટલાક સમાજના યુવાનોને બોટાદ પોલીસે માર માર્યો હતો અને તેમની પાસેથી ₹1 કરોડથી વધુની રકમ પડાવવામાં આવી હોવાની વાત સામે આવી છે. પરિવારજનો પોલીસ કે મીડિયા સમક્ષ નિવેદન આપશે તો તેમને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ‘તપાસ બોટાદ પોલીસ પાસેથી લઈને ઉચ્ચ અધિકારીઓને સોંપો’ ઉમેશ મકવાણાએ સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ માટે બોટાદ પોલીસ પાસેથી તપાસ હટાવી CID, ACP, IG અથવા DIG કક્ષાના અધિકારીને સોંપવાની માગ કરી છે. સાથે જ ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટે જરૂરી પગલાં ભરવા મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.
Read full article on Divya Bhaskar