crime
બોટાદ પોલીસે એક અઠવાડિયામાં 72 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો:દારૂ, જુગાર અને સાયબર ક્રાઈમના 14 આરોપી ઝડપાયા, SPએ પ્રેસ કોન્ફરન્સ કરી
બોટાદ જિલ્લા પોલીસે ગુનેગારો સામે કડક કાર્યવાહી કરી છે. પોલીસે છેલ્લા એક અઠવાડિયામાં જુગાર, ગેરકાયદેસર હથિયાર, વિદેશી દારૂ અને સાયબર ક્રાઈમના ગુનાઓમાં કુલ ૭૨,૬૪,૭૬૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં ૧૪ આરોપીઓને પકડવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ વડાએ આ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપી હતી. ભાવનગર રેન્જના આઈ.જી.પી. રાજેન્દ્ર અસારી અને બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગુનાખોરી રોકવા માટે કડક નીતિ અપનાવવામાં આવી છે. આ નીતિના ભાગરૂપે, બોટાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (L.C.B.), સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (S.O.G.), પાળીયાદ પોલીસ અને બોટાદ સાયબર ક્રાઈમ પોલીસે અલગ-અલગ વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી. તેમણે ગેરકાયદેસર હથિયારો, વિદેશી દારૂનો મોટો જથ્થો અને જુગારધામ પર દરોડા પાડ્યા હતા. પાળીયાદ પોલીસ સ્ટેશનના પી.આઈ. એન.પી. રાઠોડ અને પી.એસ.આઈ. જી.જે. ગોહિલ તથા સ્ટાફને મળેલી બાતમીના આધારે, ગઢડીયા ગામની સીમમાં જોગી ડુંગર વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. અહીંથી પ્રોહીબિશન એક્ટ હેઠળ ૬૩,૧૯,૪૮૨ રૂપિયાનો દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. બોટાદ એલ.સી.બી.ના પી.એસ.આઈ. એચ.એ. વસાવા અને તેમની ટીમને મળેલી બાતમીના આધારે, રાણપુરના ખસ ગામે ખોડીયાર મંદિર પાસેથી એક ઇનોવા ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો મળ્યો હતો. આ ગુનામાં સાહીલભાઈ કરીમભાઈ મેમણ અને હસનભાઈ હનીફભાઈ કુરેશી નામના બે આરોપીઓને પકડવામાં આવ્યા હતા. રાહુલભાઈ ઓળકીયા નામનો એક આરોપી વોન્ટેડ છે. આ દારૂ સાથે ૭,૭૩,૧૦૮ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. બોટાદ એલ.સી.બી.ની ટીમે એક ખાલી મકાનમાં દરોડો પાડી જુગારધામનો ખુલાસો કર્યો હતો. આ જુગારધામ બહારથી માણસો બોલાવીને ચલાવવામાં આવતું હતું. પોલીસે અહીંથી ૧,૫૬,૯૭૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બોટાદ સાયબર ક્રાઈમ પોલીસે "FBT" નામની ઓનલાઈન એપ્લિકેશન દ્વારા થતી છેતરપિંડીનો ખુલાસો કર્યો છે. આ એપ્લિકેશન ટૂંકા સમયમાં ઊંચા વળતરની લાલચ આપીને નાગરિકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરતી હતી. જિલ્લા પોલીસ વડાએ મીડિયા દ્વારા માહિતી આપી છે કે, જે નાગરિકો સાથે "FBT" એપ્લિકેશનમાં છેતરપિંડી થઈ હોય, તેઓ બોટાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે.
Read full article on Divya Bhaskar