top
બોરીસાણા ગામે પશુપાલક પર આજીવિકાનું સંકટ:ખુલ્લા ખેતરમાં વીજવાયર પડતાં 4 ભેંસોનાં વીજ કરંટથી કમકમાટીભર્યા મોત
કલોલ તાલુકાના બોરીસણા ગામેથી એક દુઃખદ અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગામના ખોરજાપરા વિસ્તારમાં રહેતા પશુ પાલક આજે સવારે પોતાની ચાર ભેંસોને ઘરની પાછળ આવેલા ખુલ્લા ખેતરમાં ચરાવવા માટે લઈ ગયા હતા. દરમિયાન ખેતર પરથી પસાર થતી ઈલેક્ટ્રિક વાયરની લાઈનમાંથી અચાનક વીજવાયર તૂટીને સીધો ભેંસો પર પડ્યો હતો. હાઈટેન્શન વીજપ્રવાહના કારણે ચારેય ભેંસોને કરંટ લાગતા જોતજોતામાં સ્થળ પર જ તમામ પશુઓનું તરફડીયા મારીને કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. વીજ કરંટ લાગવાથી ભેંસોના મોત બોરીસણાં ગામના ખોરજાપરા વિસ્તારમાં રહેતા પશુપાલક રણજીતજી અરજણજી ઠાકોર આજે સવારે ખુલ્લા ખેતરમાં પશુઓ ચરાવી રહ્યા હતા એ દરમિયાન આ ઘટના ઘટી હતી. આ અંગે પશુપાલકે તુરંત જી.ઈ.બી. વિભાગને ફોન કરીને જાણ કરી હતી. જેથી વીજ કંપનીના કર્મચારીઓએ તાત્કાલિક અસરથી વીજ પુરવઠો બંધ કરી દીધો હતો. જોકે ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું અને ચારેય ભેંસો વીજકરંટથી મૃત હાલતમાં ખેતરમાં જ પડી રહી હતી. મૃત્યુ પામેલી ભેંસોમાં બે પાંચ વર્ષની દુઝાણી બીજા વેતરની ભેંસો હતી. એક ચાર વર્ષની જેભણી (ચાર મહિનાની ગાભણ) ભેંસ હતી અને એક એક વર્ષનો પાડો હતો. આ ચારેય પશુઓની કુલ કિંમત આશરે 2,70,000 જેટલી હતી. પશુપાલન પર જ નિર્ભર એવા પરિવારને આ ઘટનાથી આર્થિક ફટકો પડ્યો છે. આ સમગ્ર ઘટના અંગે પશુ પાલકે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી વીજ કંપનીની બેદરકારી અને બનાવ અંગે યોગ્ય તપાસ કરવાની માંગ કરી છે.
Read full article on Divya Bhaskar