crime
અમદાવાદમાં છેતરપિંડીની બે ઘટના:BOBના પેન્શનર્સ કાર્ડની જાહેરાત પર ક્લિક કરતાં નિવૃત્ત CTIના ખાતામાંથી રૂ. 5 લાખ ઉપડી ગયા
અમદાવાદ શહેરમાં છેતરપિંડીની બે ગંભીર ઘટનાઓ સામે આવી છે. ચાંદખેડાના 79 વર્ષીય નિવૃત્ત રેલવે અધિકારી ફેસબુક પર બેંક ઓફ બરોડા (BOB)ના પેન્શનર્સ કાર્ડની જાહેરાત પર ક્લિક કરી સાયબર ઠગોની જાળમાં ફસાતાં રૂ. 5 લાખ ગુમાવ્યા છે. જ્યારે સરખેજ વિસ્તારમાં ઇન્સ્ટાગ્રામ પર પિંક બટરફ્લાય ગરબાના નકલી પાસ વેચી મહિલા ગ્રાફિક ડિઝાઇનર સાથે રૂ.22 હજારની છેતરપિંડી આચરવામાં આવી છે. પોલીસે બંને કેસમાં ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે. BOB પેન્શન કાર્ડની જાહેરાત પર ક્લિક કરતાં નિવૃત્તના ખાતામાંથી ₹5 લાખ ઉપડ્યા ચાંદખેડાની ચંદ્રમૌલી રેસિડેન્સીમાં રહેતા અને વર્ષ 2007માં રેલવેમાંથી ચીફ ટિકિટ ઈન્સ્પેક્ટર (CTI) તરીકે નિવૃત્ત થયેલા 79 વર્ષીય અરુણકુમાર પુરી સાથે રૂ.5 લાખની સાયબર છેતરપિંડી થતાં સાયબર ક્રાઈમ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ગત 18 ઓક્ટોબરે ફેસબુક પર ‘BOB BANK SENIOR CITIZEN PENSIONERS CARD’ની જાહેરાત પર ક્લિક કરતાં વૉટ્સએપ પર APK ફાઈલ મોકલવામાં આવી હતી. આ ફાઈલ ખોલતાં ખુલેલા ફોર્મમાં નામ, બેંક ખાતાની વિગતો, ડેબિટ કાર્ડ અને ઓળખ કાર્ડની માહિતી મેળવી લેવાઈ હતી. કાર્ડ રદ કરાવવાની ના પાડતાં સાયબર ઠગોએ દર મહિને રૂ.9,600ની પેનલ્ટી કપાશે તેવી ધમકી આપી ડરાવ્યા હતા. બીજા દિવસે 19 ઓક્ટોબરે ક્રેડિટ કાર્ડ બિલ, સ્કૂલ ફી અને મંથલી સબસ્ક્રિપ્શનના નામે બેંક ખાતામાંથી કટકે-કટકે રૂ.5 લાખ ઉપડી ગયાના મેસેજ આવ્યા હતા. અરુણકુમારે તાત્કાલિક 1930 સાયબર હેલ્પલાઈન પર ફરિયાદ નોંધાવતાં સાયબર ક્રાઈમ પોલીસે બીએનએસ (BNS) અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પિંક બટરફ્લાય ગરબાના નકલી પાસના નામે ₹22 હજારની ઠગાઈ અમદાવાદ ગ્રામ્યના મકરબા વિસ્તારમાં રહેતી 40 વર્ષીય મહિલા ગ્રાફિક ડિઝાઇનર સાથે ગરબા પાસના નામે રૂ.22,000ની છેતરપિંડી થઈ છે. મહિલાએ ઇન્સ્ટાગ્રામ પર પિંક બટરફ્લાય ગરબાના પાસની વિડીયો જાહેરાત જોઈ તેમાં આપેલા નંબર પર સંપર્ક કર્યો હતો. વીર રાજપૂત નામના શખસે એક પાસના રૂ.2,200 કહી 10 પાસ પેટે ક્યુઆર (QR) કોડ મારફતે રૂ.22,000નું ઓનલાઈન પેમેન્ટ મેળવી લીધું હતું. ઇવેન્ટના દિવસે નહેરુનગર ખાતેના ફિઝિકલ પાસ સેન્ટર પર મહિલાના મિત્ર પહોંચતાં આ કન્ફર્મેશન નંબર ફેક હોવાનું ખુલ્લું પડ્યું હતું. ગરબાના આયોજકો સાથે વાતચીત કર્યા બાદ છેતરપિંડી થયાની ખાતરી થતાં સરખેજ પોલીસે વીર રાજપૂત નામના શખસ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar