crime
સુરત પોલીસની ‘નેત્રમ્’ સિસ્ટમ ફેલ?:સારોલી અગ્નિકાંડનો આરોપી સ્પ્લેન્ડર પર ફરાર છતાં ANPR કેમેરા બંધ હોવાથી નંબર પ્લેટ ન ઉકેલાઈ, 7 દિવસથી પોલીસ ગોથે ચડી
સુરતમાં સારોલી વિસ્તારમાં આવેલી શ્યામ સંગિની ટેક્સટાઈલ માર્કેટમાં ગત મંગળવારે મોડી રાત્રે છઠ્ઠા માળે આગ ચાંપી 17 દુકાનો ખાખ કરનાર આરોપીને પકડવામાં સુરત પોલીસના પસીના છૂટી ગયા છે. ઘટનાને એક સપ્તાહ વીતી જવા છતાં પોલીસ હજુ અંધારામાં ફાંફા મારી રહી છે. આરોપી ક્રાઈમ સીનથી સ્પ્લેન્ડર બાઈક પર ભાગતો CCTV કેમેરામાં સ્પષ્ટ દેખાયો છે, પરંતુ સ્માર્ટ સિટીના દાવા વચ્ચે નંબર પ્લેટ કેચઅપ કરતા હાઈ-ટેક કેમેરા બંધ હોવાના કારણે પોલીસ બાઈક નંબર મેળવી શકી નથી. સંગિની માર્કેટના છઠ્ઠા માળની 17 દુકાનોમાં આગ લગાવી હતી મંગળવારે(9 સપ્ટેમ્બર) રાત્રે સાડા બારેક વાગ્યાના અરસામાં સંગિની માર્કેટના છઠ્ઠા માળની 17 દુકાનોમાં લાગેલી ભીષણ આગની ઘટનાને આજે એક અઠવાડિયું પૂર્ણ થઈ ગયું છે. આ 17 દુકાનના માલિકોને આશરે 24 કરોડનું નુકસાન થયાનો અંદાજ છે, પરંતુ આ માર્કેટ અનિશ્ચિત સમય માટે સીલ કરી દેવાઈ હોઈ બીજા 200થી વધુ દુકાનદારો અને તેની સાથે સંકળાયેલા કર્મચારીઓ અને ટેમ્પોચાલકો તથા હમાલોનો રોજગાર છિનવાઈ ગયો છે. આગ લાગી તેનો તો વીમો મળી જશે પરંતુ બેકાર બનેલા દુકાનદારો અને તેની સાથે સંકળાયેલી ચેનને નુકસાનીની કોઈ પણ ભરપાઈ શક્ય નથી. 7 દિવસથી આરોપીને પકડવા પોલીસ ગોથે ચડી માર્કેટ ઝડપથી ખૂલે અને તેમને બેકાર કરનાર આ શખ્સ ઝડપથી પકડાય તે માટે વેપારીઓ પોલીસ પર દબાણ લાવવાની સાથે પૂરતી મદદની ખાતરી પણ આપી રહ્યા છે. સારોલી પોલીસ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ આગ લગાવનાર શખ્સની શોધખોળ માટે દિવસ રાત એક કરી રહી છે. ચહેરા પર સફેદ રૂમાલ બાંધીને બાઈક પર જતા આ શખ્સને પકડવા પોલીસે તે આગ લગાવીને કઈ દિશામાં ક્યાં સુધી ગયો અને આગ લગાવવા પહેલાં તે કઈ દિશામાંથી આવ્યો તે બંને રૂટના સીસીટીવી ચેક કરવાની સાથે રાત્રે ત્રણ કલાક સંગિની માર્કેટમાં રોકાયો તે વખતે આ વિસ્તારમાં કેટલાં મોબાઈલ ફોન એક્ટિવ હતા તેના ડેટા એનાલિસિસ કર્યા હતા. સુરત પોલીસની ‘નેત્રમ્’ સિસ્ટમ ફેલ? બે મહિના અગાઉ શહેરમાં આવેલા પૂર બાદ સુરત પોલીસની ‘ત્રીજી આંખ’ ગણાતા મોટાભાગના CCTV કેમેરા ક્ષતિગ્રસ્ત થઈ ગયા હતા. તંત્રની બેદરકારીને લીધે ખાસ કરીને વાહનોની નંબર પ્લેટ રીડ કરતા ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન કેમેરા બંધ હાલતમાં ધૂળ ખાઈ રહ્યા છે. સારોલી અગ્નિકાંડમાં આરોપી ચહેરા પર સફેદ રૂમાલ બાંધીને સ્પ્લેન્ડર પર ફરાર થયો હોવાનું સામે આવ્યું છે, પરંતુ કેમેરા બંધ હોવાથી પોલીસ માટે વાહનમાલિક સુધી પહોંચવું મુશ્કેલ બન્યું છે.
Read full article on Divya Bhaskar