crime
Amreli: લાઠીના આંબરડી ગામની વાડીમાં વીજકરંટથી 2 સગા ભાઈ-બહેનના કરુણ મોત, મજૂર પરિવારમાં અરેરાટી
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના આંબરડી ગામના વાડી વિસ્તારમાં એક અત્યંત હૃદયદ્રાવક અને કરુણ ઘટના સામે આવી છે. વાડીમાં મજૂરી કામ કરતા શ્રમિક પરિવારના બે સગા ભાઈ-બહેન વીજકરંટની ઝપેટમાં આવી જતાં બંનેના સ્થળ પર જ મોત નીપજ્યા છે. આ ગોઝારી ઘટનાના પગલે સમગ્ર પંથકમાં અને મજૂર પરિવારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. અમરેલીના આંબરડીમાં હૃદયદ્રાવક ઘટના મળતી વિગતો અનુસાર, વાડી વિસ્તારમાં પાકના રક્ષણ માટે મુકવામાં આવેલી ઝટકા લાઈન સાથે અકસ્માતે PGVCLની મુખ્ય સર્વિસ લાઈનનો વાયર અડી ગયો હતો. જેના કારણે ઝટકા વાયરમાં સામાન્ય કરંટના બદલે હાઇવોલ્ટેજ પાવર ચાલુ થઈ ગયો હતો. ખેતરમાં રમી રહેલા અથવા કામ કરી રહેલા ભાઈ-બહેન અજાણતાં આ વાયરના સંપર્કમાં આવી જતાં તેઓ જોરદાર કરંટ લાગવાથી જીવતા ભૂંજાયા હતા. વીજકરંટ લાગતાં 2 સગા ભાઈ-બહેનના કરુણ મોત મૃતક ભાઈ-બહેન મૂળ દાહોદ જિલ્લાના વતની ખેતમજૂર પરિવારના પુત્ર અને પુત્રી હોવાનું બહાર આવ્યું છે. પેટનો ખાડો પૂરવા રોજીરોટી અર્થે અમરેલીના આંબરડી ગામે આવેલા પરિવાર પર કુદરતનો કાળીયો કોપ ઉતરતાં અને બે-બે વહાલસોયા સંતાનો ગુમાવતાં પરિવારજનોના કરુણ આક્રંદથી વાડી વિસ્તાર ગૂંજી ઊઠ્યો હતો.ઘટના અંગે સ્થાનિકો દ્વારા જાણ કરાતાં જ દામનગર પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે બંને બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આ મામલે પ્રાથમિક ધોરણે જાણવાજોગ (A.D.) નોંધ કરી તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત PGVCLની ઘોર બેદરકારી છે કે કેમ તે અંગે પણ પોલીસ દ્વારા તપાસની દિશા લંબાવવામાં આવી છે. આ પણ વાંચો: Ahmedabad: સુરજેવાલાના આગમન સાથે જ ગુજરાત કોંગ્રેસમાં ડખો! અમિત ચાવડા સામે શિંગડા ભિડાવનારા ગુલાબસિંહ રાજપૂત કોણ છે?
Read full article on Sandesh