top
મનપાની સ્થાયી સમિતિના એજન્ડામાં 6 કામો:સમા-સાવલી બ્રિજની પહોળાઈ વધારવા 4.10 કરોડની દરખાસ્ત, પાણી પુરવઠાની લાઇન ખસેડવાની કામગીરીમાં ફેરફાર
વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક આગામી શુક્રવારના રોજ મળશે. વડોદરા શહેરના વિકાસલક્ષી કાર્યો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને આ સમિતિની બેઠકમાં એજન્ડા પર લેવામાં આવ્યા છે. કુલ 6 કામો આગામી બેઠકમાં ચર્ચામાં લેવામાં આવશે. સમા-સાવલી રોડ પરના કેનાલ બ્રિજના કામમાં થયેલા ફેરફારો તથા હરણી વિસ્તારમાં નવા ફાયર સ્ટેશન નિર્માણની દરખાસ્તો સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે. ટ્રાફિક સમસ્યાના કારણે મૂળ આયોજન બદલવું પડ્યું સમા-સાવલી રોડ પર કેનાલ બ્રિજની પહોળાઈ વધારવાની કામગીરી અંતર્ગત મૂળ મંજૂર થયેલા ખર્ચ બાદ હવે રૂા.4.10 કરોડની વધારાની કામગીરી હાથ ધરવા માટેની દરખાસ્ત મૂકવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2025માં કોન્ટ્રાક્ટર ઈલાઈટ એન્જિનિયર્સના રૂા.1.27 કરોડના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી હતી. જોકે, સ્થળ પર પાણી પુરવઠા પ્રોજેક્ટ હેઠળ ફીડરલાઈન ખસેડવાની કામગીરી શરૂ થતા મુખ્ય માર્ગ પર ટ્રાફિકની ગંભીર સમસ્યા ન સર્જાય તે માટે મૂળ આયોજન બદલવું પડ્યું છે. પ્રિ-કાસ્ટ પદ્ધતિથી બોક્સ કલ્વર્ટ બનાવવાનું નક્કી કરાયું શરૂઆતમાં આર.સી.સી. બોક્સ કલ્વર્ટ અને વિશ્વામિત્રી નદીનું પાણી કેનાલમાં આવતું અટકાવવા દરવાજા મૂકવા માટે માર્ચ 2026માં રૂા.6.46 કરોડની કામગીરી મંજૂર કરાઈ હતી. પરંતુ, હવે કાસ્ટ-ઇન-સિટુના બદલે પ્રિ-કાસ્ટ પદ્ધતિથી બોક્સ કલ્વર્ટ બનાવવાનું નક્કી કરાતા ઈલાઈટ એન્જિનિયર્સને વધારાના રૂા.4.10 કરોડ ચૂકવવાની દરખાસ્ત સ્થાયી સમિતિમાં જતાં ખર્ચમાં મોટો ઉછાળો આવ્યો છે. મૂળ આયોજનમાં ફેરફાર અને વધારાના ખર્ચ મુદ્દે સ્થાયી સમિતિમાં રાજકીય ગરમાવો અને વિવાદ સર્જાય તેવી પૂરતી શક્યતાઓ દેખાઈ રહી છે. ફાયરના કર્મચારીઓ માટે 45 ક્વાર્ટર્સ બનાવાશે બીજી તરફ, વડોદરાના હરણી ટીપી વિસ્તારમાં આવેલા ફાઈનલ પ્લોટ નં.143 ખાતે અત્યાધુનિક નવું ફાયર સ્ટેશન અને ફાયર વિભાગના કર્મચારીઓ માટે 45 સ્ટાફ ક્વાર્ટર્સ બનાવવાની યોજના આકાર લઈ રહી છે. આ સમગ્ર પ્રોજેક્ટ માટે તંત્ર દ્વારા રૂા.15.85 કરોડનો અંદાજિત ખર્ચ નક્કી કરવામાં આવ્યો હતો. આ કામગીરી મેળવવા માટે વિવિધ કન્સ્ટ્રક્શન એજન્સીઓ દ્વારા ભાવપત્રકો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં શિવમ કન્સ્ટ્રક્શન દ્વારા અંદાજિત રકમ કરતાં 2.78 ટકા વધુ એટલે કે રૂા.16.29 કરોડનું સૌથી યોગ્ય ભાવપત્રક આપ્યું છે. પરિણામે, નવું ફાયર સ્ટેશન અને સ્ટાફ રહેણાંક સુવિધા ઊભી કરવાના આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ માટે નક્કી કરેલા બજેટ કરતાં આશરે રૂા.44 લાખ જેટલો વધુ ખર્ચ થશે. શિવમ કન્સ્ટ્રક્શનના રૂા.16.29 કરોડના ભાવપત્રકને આખરી મંજૂરી આપવા માટેની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ મૂકવામાં આવી છે, અને સમિતિની મંજૂરી મળતાની સાથે જ બંને પ્રોજેક્ટ્સની કામગીરી ઝડપથી શરૂ કરવામાં આવશે.
Read full article on Divya Bhaskar