top
નવસારીમાં પીએમ મોદીના જન્મદિવસે કોંગ્રેસનું અનોખુ વિરોધ પ્રદર્શન:'ચીની પે ચર્ચા' અભિયાન, મોંઘવારી સામે 50 રૂપિયાના ભાવે 1500 કિલો ખાંડનું વેચાણ કરાશે
રાજ્યમાં વધી રહેલી મોંઘવારી અને જીવનજરૂરી ચીજવસ્તુઓના વધતા ભાવ સામે નવસારી શહેર કોંગ્રેસ દ્વારા આવતીકાલે 17 સપ્ટેબરે પીએમ મોદીના જન્મદિવસે અનોખો વિરોધ કાર્યક્રમ યોજવામાં આવનાર છે. આવતીકાલે નવસારી મહાનગરપાલિકા પટાંગણમાં ‘ચીની પે ચર્ચા’ કાર્યક્રમ અંતર્ગત 50 રૂપિયા પ્રતિ કિલોના રાહત દરે આશરે 1500 કિલો ખાંડનું વેચાણ કરવામાં આવશે. કોંગ્રેસના જણાવ્યા મુજબ, આ કાર્યક્રમનો હેતુ સામાન્ય જનતાને રાહત આપવાની સાથે સરકારનું મોંઘવારી તરફ ધ્યાન દોરવાનો છે. ‘ચીની પે ચર્ચા’ દ્વારા સરકારની નીતિઓનો વિરોધ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘ચાય પે ચર્ચા’ કાર્યક્રમના સંદર્ભમાં કોંગ્રેસ દ્વારા ‘ચીની પે ચર્ચા’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા અગાઉ પોતાના મતવિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં આ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. હવે નવસારીમાં ધારાસભ્ય અનંત પટેલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ અને શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક બારોટની આગેવાનીમાં કાર્યક્રમ યોજાશે. કોંગ્રેસ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની મધ્યમ વર્ગને અસર કરતી નીતિઓ સામે આ કાર્યક્રમમાં વિરોધ નોંધાવવામાં આવશે. ખાંડના ભાવ વધતા સામાન્ય વર્ગના બજેટ પર અસર નવસારી શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક બારોટના જણાવ્યા મુજબ, બજારમાં ખાંડના ભાવ વધતા મધ્યમ અને સામાન્ય વર્ગના ઘરનું બજેટ ખોરવાઈ રહ્યું છે. તેમણે જણાવ્યું કે મોંઘવારીના કારણે ચાની લારીઓ પર અગાઉ રૂ.5માં મળતી ચાની કિંમત હવે રૂ.8થી રૂ.10 સુધી પહોંચી છે. આવકમાં પ્રમાણસર વધારો ન થતો હોવા છતાં જીએસટી અને અન્ય કરના બોજથી સામાન્ય લોકો પર ભાર વધી રહ્યો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ છે. 1500 કિલો ખાંડનું રાહત દરે વેચાણ કોંગ્રેસ દ્વારા જણાવાયું છે કે આવતીકાલના કાર્યક્રમમાં આશરે 1500 કિલો ખાંડ માત્ર રૂ.50 પ્રતિ કિલોના રાહત દરે વેચવામાં આવશે. પક્ષના જણાવ્યા મુજબ, આ કાર્યક્રમ માત્ર વિરોધ પૂરતો સીમિત નથી, પરંતુ મોંઘવારીથી પરેશાન લોકોની સમસ્યાને ઉજાગર કરવાનો પ્રયાસ છે. ખાંડના વેચાણથી મળનારી આવકનો ઉપયોગ શૈક્ષણિક હેતુઓ માટે કરવામાં આવશે.
Read full article on Divya Bhaskar