top
વડનગરમાં લીલા વૃક્ષોની ચોરી:વલાસણા ગૌચરમાંથી 5 લાખની કિંમતના 100 વૃક્ષો કાપી અજાણ્યા તસ્કરો ફરાર, તલાટીએ નોંધાવી ફરિયાદ
વડનગર તાલુકાના વલાસણા ગ્રામ પંચાયત વિસ્તારમાં સરકારી ગૌચરની જમીન પરથી લાખો રૂપિયાના લીલાં વૃક્ષોની ચોરી થવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. આ મામલે વલાસણાના તલાટી કમ મંત્રીએ વડનગર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોરો વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે. 100 વૃક્ષો કાપી અજાણ્યા તસ્કરો ફરાર વલાસણા ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા અને મૂળ ઉંડણી ગામના નિવાસી મહીપતસિંહ અજીતસિંહ રાજપૂતે નોંધાવેલી ફરિયાદ અનુસાર, વલાસણા હાઇવે રોડથી મઢાસણા તરફ જતા ડામર રોડની બાજુમાં આવેલી ગ્રામ પંચાયત સમપ્રાપ્ત ગૌચરની જમીન (નવીન રેવન્યુ સર્વે નંબર 1405 તથા 1418) માં કુદરતી રીતે ઉગેલા દેશી બાવળ, ખીજડા અને અન્ય લીલા બાવળ સહિતના આશરે 100 જેટલા વૃક્ષોને થડમાંથી કાપીને કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી ગયા છે. ચોરી થયેલા આ વૃક્ષોની અંદાજિત કિંમત રૂપિયા 5 લાખ ગણાવવામાં આવી છે. તલાટીએ નોંધાવી ફરિયાદ આ અંગે સ્થાનિક રહીશ ભુપેન્દ્રસિંહ મહોબતસિંહ રાઠોડે તાલુકા વિકાસ અધિકારી (TDO) ને અરજી કરી હતી. અરજીના આધારે તાલુકા વિસ્તરણ અધિકારીએ સ્થળ તપાસ કરીને વિગતવાર અહેવાલ તૈયાર કર્યો હતો. 1 સપ્ટેમ્બર 2024 થી 30 નવેમ્બર 2024 દરમિયાન બનેલી આ ચોરીની ઘટના અંગે પંચનામા અને નિવેદનોના આધારે તલાટી કમ મંત્રીએ પોલીસ ફરિયાદ નોંધાવતા, વડનગર પોલીસે અજાણ્યા ચોરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar