top
ગુજરાત પોલીસની રાજ્યવ્યાપી મેગા ડ્રાઇવ:ફેન્સી અને ચેડાં કરેલી નંબર પ્લેટવાળા 4,187 વાહનો જપ્ત, 20 દિવસમાં ₹58.56 લાખનો દંડ વસૂલાયો
રાજ્યમાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા ગુજરાત પોલીસ દ્વારા નંબર પ્લેટ વગરનાં, ચેડાં કરેલી તથા અયોગ્ય નંબર પ્લેટવાળા વાહનો સામે રાજ્યવ્યાપી મેગા ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકના માર્ગદર્શન હેઠળ 1 સપ્ટેમ્બરથી શરૂ થયેલી આ ઝુંબેશ 14 ઓક્ટોબર સુધી ચાલશે. 1થી 20 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યભરમાં 18,014 કેસ નોંધવામાં આવ્યા છે, જ્યારે નંબર પ્લેટ સાથે ચેડાં કરવાના કિસ્સામાં 4,187 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે. ટ્રાફિક નિયમોના ભંગ બદલ અત્યાર સુધીમાં રૂ.58.56 લાખ જેટલો દંડ વસૂલવામાં આવ્યો છે. સુરત-વડોદરા-બનાસકાંઠામાં સૌથી વધુ કાર્યવાહી પોલીસ દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓ અને શહેરોમાં સતત ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. 20 દિવસની કામગીરી દરમિયાન સુરત શહેરમાં 1,786, વડોદરા શહેરમાં 1,959 અને બનાસકાંઠામાં 1,363 કેસ નોંધાયા છે. પોલીસની ટીમો દ્વારા નંબર પ્લેટ સ્પષ્ટ છે કે નહીં, તેમાં કોઈ ચેડાં કરવામાં આવ્યા છે કે નહીં તથા નિયમો અનુસાર પ્લેટ લગાવવામાં આવી છે કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે. ફેન્સી ફોન્ટ અને નંબર છુપાવતી પ્લેટ સામે પણ કાર્યવાહી વાહનો પર ફેન્સી ફોન્ટ, સ્ટાઇલિશ ડિઝાઇન અથવા એવી રીતે નંબર લખાવવો કે જેનાથી નંબર સ્પષ્ટ રીતે દેખાતો ન હોય, તેવા કિસ્સામાં પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના એસપી વી. સાહિત્યાએ વાહનચાલકોને પોતાના વાહનોમાં નિયમ મુજબ સ્પષ્ટ અને દેખાય તેવી નંબર પ્લેટ લગાવવા અપીલ કરી છે. પોલીસનું કહેવું છે કે નંબર પ્લેટમાં ચેડાં કરનારા તથા નિયમોનો ભંગ કરનારા સામે દંડનીય કાર્યવાહી વધુ સઘન બનાવવામાં આવશે અને આગામી 14 ઓક્ટોબર સુધી આ ડ્રાઇવ ચાલુ રહેશે.
Read full article on Divya Bhaskar