top
પીએમની 'સોનાની ખરીદી ટાળો' અપીલ વચ્ચે સુરત જ્વેલરી માર્કેટ એક્શનમાં:40% મંદીનો સામનો કરતાં વેપારીઓએ 'ઝીરો મેકિંગ ચાર્જ' સ્કીમ શરૂ કરી
દેશનું વિદેશી હૂંડિયામણ જળવાઈ રહે અને આયાત ખાધ નિયંત્રણમાં રહે તે હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિકોને અત્યંત જરૂરિયાત વિના સોનું ન ખરીદવા તેમજ વિદેશી પ્રવાસ કે ડેસ્ટિનેશન વેડિંગ ટાળવા અપીલ કરી છે. આ નિવેદન બાદ બજારમાં ઊભી થયેલી અસર વચ્ચે સુરતના જ્વેલરી ઉદ્યોગે સ્પષ્ટ કર્યું છે કે ઊંચા ભાવોને કારણે માર્કેટ અગાઉથી જ 40% જેટલી મંદીનો સામનો કરી રહ્યું હતું, જેમાં પીએમની અપીલ બાદ વેચાણમાં વધુ 20% નો ઘટાડો નોંધાયો છે. હવે જ્યારે આગામી સમયમાં મહત્વપૂર્ણ પર્વો અને લગ્નસરાની સિઝન આવી રહી છે ત્યારે વેપારીઓએ ગ્રાહકોને આકર્ષવા અને કારીગરોનું હિત જાળવવા 'ઝીરો મેકિંગ ચાર્જ' સહિતની વિશેષ સ્કીમો લોન્ચ કરી છે. પીએમની ચિંતા વ્યાજબી પણ ઊંચા ભાવોથી બજાર લાંબા સમયથી મંદ સુરતના અગ્રણી જ્વેલર દીપક ચોકસીએ પરિસ્થિતિ અંગે વિગત આપતાં જણાવ્યું હતું કે, સોનાના આસમાને પહોંચેલા દરોના કારણે જ્વેલરી કારોબાર છેલ્લા લાંબા સમયથી 40% જેટલો પ્રભાવિત થયેલો હતો અને વડાપ્રધાનના નિવેદન બાદ ગ્રાહકોની ખરીદીમાં વધુ 20% નો ઘટાડો જોવા મળ્યો છે. જોકે તેમણે ઉમેર્યું હતું કે વડાપ્રધાન દેશના જીડીપી, આર્થિક હિત અને વિદેશી મુદ્રા ભંડારની જાળવણીને લઈને જે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે તે સાચી છે અને વેપારીઓ તેની સાથે સહમત છે. સરકાર ભવિષ્યમાં આયાત ડ્યુટીમાં ઘટાડો કરે ત્યારે બજારમાં એકાએક અનિયંત્રિત ધસારો ન થાય અને લોકો સમજી-વિચારીને માત્ર જરૂરિયાત પૂરતી જ ખરીદી કરે તે દેશહિતમાં જરૂરી છે. કારીગરોની રોજીરોટી સાચવવા 'ઝીરો મેકિંગ ચાર્જ' સાથે રિસાયક્લિંગ પર ભાર આગામી તહેવારો અને શુભ મુહૂર્તોમાં પરંપરાગત સુકન જળવાઈ રહે તેમજ જ્વેલરી ઉદ્યોગ સાથે જોડાયેલા હજારો કારીગરો બેરોજગાર ન બને તે માટે જ્વેલર્સ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. કારીગરોને સતત કામ મળતું રહે તે હેતુથી જૂના સોનાના રિસાયક્લિંગ મોડેલ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ગ્રાહકો પોતાના ઘરમાં પડેલું જૂનું સોનું લઈને આવે તો કોઈપણ પ્રકારની મજૂરી લીધા વિના એટલે કે 'ઝીરો મેકિંગ ચાર્જ' હેઠળ નવા આભૂષણો તૈયાર કરી આપવામાં આવી રહ્યા છે, સાથે સાથે વેલ્યુ એડિશન તરીકે ગ્રાહકોને આકર્ષક રિવોર્ડ્સ પણ ઓફર કરાઈ રહ્યા છે. ગ્રાહકો માટે મંથલી ગ્રેજ્યુઅલ સેવિંગ પ્લાન રજૂ કરાયા મધ્યમવર્ગીય ગ્રાહકો પર સોનાની ખરીદી કરતી વખતે એકસાથે મોટો આર્થિક બોજ ન પડે તે માટે જ્વેલર્સ દ્વારા ખાસ મંથલી ગ્રેજ્યુઅલ પ્લાન અમલમાં મુકાયા છે. આ સુવિધાને પગલે ગ્રાહકો નાના હપ્તાઓ દ્વારા બચત કરીને આગામી તહેવારો અને લગ્નપ્રસંગો માટે સરળતાથી આભૂષણોની ખરીદી કરી શકશે. આ પગલાંથી સામાન્ય નાગરિકોની પરંપરાગત જરૂરિયાતો સંતોષાશે, દેશમાંથી નવું સોનું આયાત કરવાનું ભારણ ઘટશે અને સ્થાનિક કારીગરોને નિયમિત રોજગારી મળતી રહેશે.
Read full article on Divya Bhaskar