top
દુબઈથી સસ્તા આઈફોન અપાવવાની લાલચ આપી લાખોની છેતરપિંડી:સરથાણા પોલીસે 4 ગઠિયાને દબોચ્યા, વરાછા, કતારગામ, પર્વત પાટિયા અને કામરેજના વેપારીઓને પણ છેતર્યા
સુરત શહેરમાં વિદેશથી સસ્તા ભાવે બ્રાન્ડેડ આઈફોન અપાવવાના નામે વેપારીઓ અને નાગરિકો સાથે છેતરપિંડી આચરતી ટોળકીનો સરથાણા પોલીસે પર્દાફાશ કર્યો છે. સસ્તા આઈફોનની લાલચ આપી શરૂઆતમાં વિશ્વાસ કેળવી બાદમાં લાખો રૂપિયા પડાવી લઈ ફોન ન આપી ધમકી આપવાના ગુનામાં પોલીસે ગણતરીના કલાકોમાં જ 4 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રથમ બે ફોન સસ્તામાં આપી વિશ્વાસ કેળવ્યો મળતી માહિતી મુજબ, સરથાણા કેનાલ રોડ પર 'ઓમ ઢાબા દાલબાટી' ચલાવતા મૂળ રાજસ્થાનના ચિરાગકુમાર જયશંકર રાવલે નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેમના વતનના દીપક રાવત અવારનવાર હોટલ પર આવતો હતો. દીપકે જણાવ્યું હતું કે દલાલ પંકજ રાવળ દુબઈથી ખૂબ સસ્તા ભાવે આઈફોન લાવે છે. આરોપીઓએ ફરિયાદી પાસેથી માત્ર ₹60,000 પ્રતિ ફોન લેખે એડવાન્સ લઈ શરૂઆતમાં બે 'iPhone 17 Pro Max' સમયસર પહોંચાડી દીધા હતા. આથી ફરિયાદીનો તેમના પર સંપૂર્ણ વિશ્વાસ બેસી ગયો હતો. રૂ. 25 લાખથી વધુ પડાવી 23 ફોન ઓહિયાં કરી ગયા વિશ્વાસ જીત્યા બાદ આરોપીઓએ અન્ય ગ્રાહકો લાવવા લાલચ આપી હતી. જેથી ફરિયાદીએ પોતાના પરિચિતો પાસેથી રૂપિયા એકઠા કરી 36 નંગ સેમસંગ-આઈફોન મેળવવા માટે રોકડા ₹15 લાખ તથા ઓનલાઈન ₹10.83 લાખ મળી કુલ ₹25.83 લાખ આરોપીઓને ચૂકવ્યા હતા. જોકે, પૈસા લીધા બાદ આરોપીઓએ માત્ર 13 ફોન આપ્યા હતા અને બાકીના 23 ફોન કે ₹15.68 લાખની રકમ પરત આપી નહોતી. ઉઘરાણી કરતાં જાનથી મારી નાખવાની ધમકી આપી બાકીના ફોનની ઉઘરાણી કરવામાં આવતાં આરોપીઓએ હાલ વિદેશથી ફોન આવ્યા નથી તેવા બહાના બનાવ્યા હતા. ત્યારબાદ તેઓના સંબંધી ધનરાજ રાવલે ફરિયાદીને ગાળો ભાંડી, હવે પછી રૂપિયા કે ફોનની ઉઘરાણી કરશો તો જોઈ લઈશ કહી ધાક-ધમકી આપી હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે આ ટોળકીએ વરાછા, કતારગામ, પર્વત પાટિયા અને કામરેજના અન્ય વેપારીઓ-નાગરિકો પાસેથી પણ આશરે 138 જેટલા આઈફોન અપાવવાના બહાને લાખો રૂપિયા પડાવી લીધા હતા. ગણતરીના કલાકોમાં ચારેય આરોપીઓની ધરપકડ સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા સરથાણા પોલીસે દીપક અર્જુનભાઈ રાવત (ઉં.વ. 31, રહે. મોર્ડન ટાઉન સોસાયટી, સારોલી, સુરત), પંકજ ભરતભાઈ રાવળ (ઉં.વ. 27, રહે. સનસાઈન સોસાયટી, અંત્રોલી, સુરત), ઉત્તમ જેંતીલાલ રાવળ (ઉં.વ. 40, રહે. શિવાજીચોક, નવસારી) અને ધનરાજ શંકરલાલ રાવળ (ઉં.વ. 57, રહે. વાટિકા ટાઉનશીપ, પર્વત પાટિયા, સુરત)ને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા. આ ગેંગે અન્ય કેટલા લોકો સાથે છેતરપિંડી આચરી છે તે દિશામાં પોલીસે ઘનિષ્ઠ પૂછપરછ શરૂ કરી છે.
Read full article on Divya Bhaskar